Friday, April 27, 2012

તાંત્રિક માં-બાપ

શિક્ષણ તંત્ર અને શાળાઓ બાળકોને સમજવામાં, ‘સાચું’ શિક્ષણ આપવામાં, બાળકોની સર્જનાત્મકતાને પોષવામાં નિષ્ફળ ગયાં છે એમ અવારનવાર જાહેર કરવામાં આવે છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયિક અનુભવ થકી અને સમાજના એક સભ્ય તરીકે મારું એક મંતવ્ય ઘડાયું છે અને તે છે કે બાળક સંબંધી ઉપરોક્ત ભૂલોની દોષગ્રંથિથી પોતાને બચાવવા માં-બાપ અને સમાજ આ રાગ આલાપ્યા કરે છે. હકીકતે, બાળ ઉછેરમાં માં-બાપ નિષ્ફળ પુરવાર થયા છે.
માં-બાપ પર આ ‘આરોપ’ મૂકી શિક્ષણ તંત્ર કે શાળાઓની ભૂલો છાવરવાનો અહીં ઈરાદો નથી. એ આગવી સમસ્યા છે જે પણ ઉકેલવી રહી. પણ, તંત્ર કે શાળા પહેલાં બાળક માં-બાપ પાસે છે, તો બહારની સંસ્થાઓ ઉપર દોષારોપણ કરનારાઓએ પોતે કયા ઉપાયો અમલમાં મુક્યા? પોતાના બાળકના પ્રફુલ્લન માટે તેમણે પોતાની કક્ષાએ કયા પ્રયત્નો કર્યા? અહીં એવાં માં-બાપની વાત છે જેઓ પોતાના બાળકોને માટે ‘સારી’ શાળા પસંદ કરવા સામાજિક અભિયાનો આદરે છે, લાગવગો અને ડોનેશનની તૈયારી રાખે છે અને ...અને તેઓ ‘શિક્ષણ’ એટલે શું તે જાણે પણ છે.
મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગના આ માં-બાપ એકદમ સ્વાર્થી જણાય છે. બાળકને ભણાવવાનો તેમનો હેતુ પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે એવી સફળ કારકિર્દી પોતાનું સંતાન પામે તેવો હોય છે, નહી કે પોતાના, હા , એમના પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય. આવા માં-બાપ બાળકને શાળા ઉપરાંત સંગીત,નૃત્ય,ચિત્ર,નાટક,તરણ,કરાટે જેવી ‘પ્રવૃત્તિઓ’ના વર્ગો ભરવા ‘ખર્ચા’ કરશે, વેકેશનમાં બાળકને ‘ટ્રેકિંગ’ કે ‘નેચર કેમ્પ’માં મોકલશે અને ઓડકાર ખાશે કે પોતે બાળકને વિવધ ક્ષેત્રોની તાલીમ પૂરી પાડી એનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી લીધી છે. બેશક, આ પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસના પાસા છે. પણ, કેટલાં માં-બાપ પોતાના સંતાનોને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં સહમત થાય છે? કારકિર્દી તો દુર રહી, પોતાના બાળકને કયા ક્ષેત્રમાં રસ છે એ પણ તેઓ ચકાસતા નથી. ‘મારા પપ્પુ-પિન્કીને કોમ્પ્યુટર-આઈ.ટીમાં ખુબ રસ છે એટલે અમે તેને તેમાં પ્રોત્સાહન આપીએ છીએ.’ આ શાહમૃગીયો વિકલ્પ વારંવાર કાને અથડાય છે. બધાને ખબર છે કે આઈ.ટી એ ડોલરિયો શોખ છે ! અને આવા ‘રસ’ ધરાવતાં કેટલા તેજસ્વી તારલઓએ આઈ.ટી.માં ક્રાંતિકારી શોધ કરી?
બે બેડરૂમની સગવડ ધરાવતા આ માં-બાપના ઘરમાં બાળવાર્તાઓનું એક કબાટ સમાતું નથી. મહિને એક-બે વાર રેસ્ટોરાંમાં જમવાનું બજેટ ધરાવતા આ કુટુંબો પાસે બાળવાર્તાઓ ખરીદવાની સગવડ નથી હોતી. હા, કેટલાંક માં-બાપ પુસ્તકો ખરીદે છે, ‘સફળતાના નવ રત્નો’, ‘વૈજ્ઞાનિક રમકડાં બનાવો’, ગણિત ગમ્મત, પંચતંત્રની વાર્તાઓ વગેરે. આવા પુસ્તકોની ખરીદી પાછળ પણ ગણતરી તો ‘મારા સંતાનને કારકિર્દીમાં સફળ થવામાં ઉપયોગી બને’ એવી જ હોય છે. એટલે વાર્તાઓ ઠેબે ચઢે છે. આવા માં-બાપ એ પોતે દસ નવલકથાઓ વાંચી નથી અને પોતાનું સંતાન (ઈતર !)વાંચન રસિક ના બની જાય એની તેઓ પુરેપુરી દરકાર રાખે છે. તેઓને સંતાનની સફળતાની ચિંતા છે, સુખની નહી. અથવા તો તેઓ સફળતાને સુખ માનતા લાગે છે.
આ માં-બાપ ડરે છે, કયાંક મારું સંતાન સ્વતંત્ર ના થઇ જાય ! સ્વતંત્રતા અને સ્વછંદતાની તેમની  વ્યાખ્યાઓ શબ્દકોશ કરતાં જૂદી, સામાજિક દ્રષ્ટિ થકી ઉધાર મેળવેલી છે. તેમને સંતાન કહ્યાગરું જોઈએ છે અને ત્યારે તેમને પેલી સર્જનાત્મકતાની ગેરહાજરી સાલતી નથી.
શિક્ષણ તંત્ર, શાળાઓ અને શિક્ષકો પર દોષારોપણ એ સહેલી છટકબારી છે, બેઠક ખંડમાં ચર્ચાતા મનોરંજક-રસપ્રદ વિષયોમાંનો એક વિષય. ના તો એથી કોઈ ઉકેલ આવવાનો કે ના એ ચર્ચા બંધ થવાની. શાળાઓની તાંત્રિકતા-યાંત્રિકતામાં પોતાનું બાળક પીસાય નહી એવી દરકાર કરનારા માં-બાપ ઘરેલું શિક્ષણ તરફ વળ્યા છે. પણ, તેઓને જે શાળાઓનો અનુભવ છે તે ખાનગી શાળાઓ છે, જેમનો મૂળમંત્ર ‘સફળતા’ છે. આવા નાનકડા વર્ગને બાદ કરતાં મોટા ભાગના શિક્ષિત માં-બાપ પોતાના સંતાનના સ્વાભાવિક પ્રફુલ્લનને રોકવાના ષડયંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
કોઈ પણ તંત્રને પોતાને ટકાવવામાં રસ હોય, અહીં જેમની વાત માંડી છે તે માં-બાપ પણ આવા તાંત્રિક છે.