Saturday, January 28, 2012

શૈક્ષણિક પ્રવાસ (૨)


શૈક્ષણિક પ્રવાસ આયોજન આવડતનું કામ છે. નીપટાવી દેવા પ્રકારનું એ  કામ નથી. પણ, મોટે ભાગે અકસ્માતના ડરના બહાના હેઠળ એ આટોપી દેવાતો હોય છે. જોડીમાં  હાથ પકડી જોવાં લાયક ચીજો-સ્થળો આગળથી મોં ફાડી/વકાસીને પસાર થઇ જતાં વિદ્યાર્થીઓ ! ખરીદવા-ખાવાની લાલચોથી ખરડાયેલા અને પોતે ભૂલ કરી જ બેસશે એવા ડરથી સંકોચાયેલા વિકાસશીલ મન ! શિક્ષકના ડર, નવા વિશ્વના આશ્ચર્યથી ભીની બીક અને માંડ હાથ લાગેલ મોજમોકાનો કસ કાઢી લેવા ઊછળતું  ઉર્જાવાન ચિત્ત ! આ વિકાસશીલતા અને ઉર્જાને વેડફવી બેવકુફી કહેવાય.

પ્રવાસ દરમ્યાન ઊલટી કરતાં બાળકો અને કતાર છોડી ખોવાઈ જતા એક સામાન્ય સમસ્યા છે. બા ળકો ઊલટી કેમ કરે છે? શારીરિક કારણો તો ખરા પણ માનસિક કારણો પણ જવાબદાર હોય છે. વાહનમાં માત્ર શરીર નથી હળડોલાઈ રહ્યું હોતું ; મન કેટલાય ઊંચા ચકડોળ પર હીંચી રહ્યું હોય છે. આ મન મર્કટને ધંધે લગાડી દેવાય તો ઊલટી અટકે. અમે લેટેસ્ટ ડાન્સ સોંગ્સ પર 'પાર્ટી અભી બાકી હૈ' નો મુડ જમાવેલો રાખ્યો. પરિણામ : એક જ છોકરીને ઊલટી થઇ. પ્રવાસની જાહેરાત થઇ એ દિવસથી 'તમે ધારો તમને ઊલટી ના થાય.' ની વિગતવાર ચર્ચા કરવી ચાલુ રાખી હતી.
બાળક કતાર કેમ છોડે છે ?- કશુંક એને આકર્ષી જાય છે. પોતાના માટે કે ભાઈ-બેન માટે કશુંક ખરીદવું, કઈક ખાવું એ તેના માટે સ્વાતંત્ર્ય + જવાબદારી + સ્નેહ + લાલચ + મોજ +... હોય છે. અમે આગળથી જ જણાવી દીધું કે એક સરસ સ્થળ છે જ્યાં તમે ખરીદી કરી શકશો અને અમે એમાં તમને મદદ કરીશું.

જ્યાં 'ગાઈડ' ઉપલબ્ધ હોય ત્યાં એનો ઉપયોગ ટાળવાની વૃત્તિ પણ એક આગવી માનવીય વિચિત્રતા છે. હજારો ખર્ચ કરતાં આપણે કેટલાક સો ખર્ચવામાં ત્રાજવું ઝાલીએ છીએ. ગાઈડ પાસે આગવી છટા અને વિશિષ્ટ માહિતી હોય જ્-ભલે એ અડધા કલાકના સંગમાં બે લીટી હોય. પ્રવાસના સ્થળોએ ગાઈડ કરી લેવો એ ફાયદાનો સોદો છે-શૈક્ષણિક રીતે અને માનવીય અભિગમની રીતે પણ.

બાળકો આપણે સમજીએ છીએ તેથી વધુ સમજતા હોય છે. પ્રવાસ આયોજન કેવી રીતે થયું, તેની વિધિ શુ હોય છે, શુ અડચણો આવી અને એ કેમ કરી પાર પાડી, જે બાળકો નથી આવી શક્યા એમને માટે શિક્ષકો શુ લાગણી અનુભવે છે -આ બધા પ્રશ્નો બાળકોને થાય છે અને એના જવાબ તેઓ જંખે છે. આ જવાબો એમના ઘડતર માટે ઉપયોગી પણ છે. માટે, પ્રવાસ પછી શિક્ષકે પણ 'અમારો પ્રવાસ' નિબંધ લખ્યો. વાંચો આ લિંક પર-અમારો શૈક્ષણિક પ્રવાસ

શૈક્ષણિક પ્રવાસ-૨૦૧૨ (૧)


ભૌતિકતાના આક્રમણને કારણે અને વ્યવસ્થાપન આવડતની ઉણપને કારણે નિમ્ન મધ્યમવર્ગના બાળકોના મનમાં કેટલાક અભાવો ઘર કરી ગયા હોય છે. બાળકને મોજ કરવા મોકા કે વસ્તુની જરૂરત હોતી નથી. પણ, એવી 'જરૂરત' ઊભી કરાઈ હોય છે. અને એમાંથી જન્મે છે સ્થૂળ મજાનું આકર્ષણ, ચમકદમકનું આંજણ. પ્રવાસ એટલે આવી મજાનું એક બહાનું. એમાં તે વળી શૈક્ષણિક તત્વ ક્યાંથી હોય?
બાળકોને 'બિચારા' માણવાની ભૂલ કરી બેઠેલા શિક્ષકો પણ પ્રવાસમાં મજાને પ્રાથમિકતા આપીને શૈક્ષણિક હેતુઓને નજરઅંદાજ કરી બેસતા હોય છે. વિગતો-માહિતીના ડોઝને શૈક્ષણિક હેતુમાં ખપાવી દેવાનો કેફ પણ ઓછો નથી હોતો. ' પ્રવાસ દરમ્યાન અન્+આયાસ કેટલીક બાબતો તો  શીખાઈ જ જતી હોય છે' : આ હકિકતની રેતમાં મોં સંતાડતા આળશ-મૃગો તો ખરા જ.


સામાન્ય સ્થિતિમાં સામાન્ય કામ આપતી આપણી પંચેન્દ્રિયો પ્રવાસ જેવી જુદી સ્થિતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવતી હોય છે. તો કેમ કરી આ ઈન્દ્રિયો અને તેમની ઉર્જાને શૈક્ષિણક કામે લગાડવી ?
પ્રવાસ પહેલાની પ્રવાસીઓની બેઠકમાં નીચેના ઈંજન વડે ઉર્જાને એક દિશા ચિંધવામાં આવી.

 નીચે જેવી વિગતો પર ધ્યાન આપવું અને નોંધી લેવી :
-વાહનોના રસપ્રદ નંબર અને સુત્રો
-પક્ષીઓના રંગ,કદ અને ચાંચનો આકાર
-વૃક્ષો : પરિચિત, અપરિચિત
-કોઈ એક અજાણી વ્યક્તિ સાથે વાત કરવી
-ખેતરમાં શુ હતું?
-સાંભળેલા અવાજો
-પથ્થર,માટી અને પાણીનો રંગ,સ્પર્શ અને સ્વાદ          
-કઈ બાબતની નવાઈ લાગી?
-શેનો ડર લાગ્યો?
- કયા પ્રશ્નો થયા?

નોંધપોથી સાથે લેવાઈ અને એમાં નોંધાયું પણ ખરું. સામાન્ય કરતાં ઓછી શૈક્ષણિક ક્ષમતા ધરાવતી એક વિદ્યાર્થીની નોંધનું એક પાનું અહીં શામેલ છે.


શાળા-શૈક્ષણિક સંસ્થા પ્રવાસ યોજે તો એ શૈક્ષણિક હોવો ઘટે, ક્ષણિક મોજ પુરતો નહિ.

Sunday, January 15, 2012

પુસ્તક પસંદગી

અમારા વિદ્યાર્થીઓ પુસ્તકાલયનો બહોળો ઉપયોગ કરે છે; શાળા પુસ્તકાલયના ભાગ રૂપ વર્ગ પુસ્તકાલય તો ખરું જ્. ઉપરાંત ગ્રામ પુસ્તકાલય પણ. એટલે  સર્વ શિક્ષા અભિયાન આયોજિત પુસ્તક પસંદગી મેળામાં જવા ૫ થી ૭ના તમામ થનગની ઉઠ્યા. પણ, લઇ જવાના તો ગણીને ૩ને. રિસામણાં અને શિક્ષકને પક્ષપાતી કહેવા લગીના પ્રયત્નો આદર્યા. પણ, અંતે આચાર્ય અને શિક્ષકની પસંદગી પારદર્શકતા સમક્ષ સૌ એકમત થયા. પસંદગીનું ધોરણ એ હતું કે કોણે સૌથી વધુ પુસ્તકો વાંચ્યા છે?, કોણ પોતાના વાંચન અંગે અભિપ્રાયો લખે છે? અને કોણ વાંચનમાંથી કઈક્ નવું શોધી પ્રાર્થના સભામાં અને વર્ગમાં રજૂ કરે છે? આમ, નિરાલી, જિગીષા અને અસ્મીન પુસ્તક પસંદગી માટે પસંદ થયા.

મેળાના સ્થળે ત્રણેયના મોઢાં આનંદથી ખુલી ગયા. આપણે ત્યાં આવું પુસ્તકાલય હોય તો કેવી મજા પડે ! અમને વિદ્યાનગરનું પુસ્તકાલય જોવાં લઇ જશો? મને તો એમ થાય કે અહીં બેસીને બધાં જ્ પુસ્તકો વાંચી કાઢું.

એમને બધાં જ પુસ્તકો ખરીદવા હતા. અમે  ઠેરવ્યું કે મોટા કદના, વધુ લાંબા લખાણવાળા પુસ્તકો લેવા નહી. મોટા કદના પુસ્તકો નાના હાથોને સાચવવા મુશ્કેલ પડે અને વધુ લખાણ રસભંગ કરે. રંગીન ચિત્રો અને મોટા કદના અક્ષરોવાળા પુસ્તકોને પ્રાધાન્ય આપ્યું. એવું પુસ્તક હાથ લાગે ત્યારે સાતમા ધોરણની ત્રણેય છોકરીઓ વડીલની અદાથી કહે, 'આ પુસ્તક ૧ થી ૪ વાળાને કામ લાગે એવું છે.!' અમુક પુસ્તકોમાં વચ્ચેથી એક ફકરો વાંચી જોયો કે લખાણ રસપ્રદ અને સરળ છે કે નહિ. ગિજુભાઈ, નાનાભાઈ ભટ્ટ જેવા લેખકોના પુસ્તકો તો તુર્ત જ્ નક્કી કરી લેવાયા અને એમ કેમ કર્યું એના કારણો પણ ચર્ચ્યા.  ગણિતના અમુક પુસ્તકો વર્ગખંડ માટે બિનઉપયોગી જણાયા.હિન્દી, અંગ્રેજીના પુસ્તકો ઓછા છે એમ લાગ્યું અને ઇતિહાસના પુસ્તકો ખુબ હતાં. આમ, પુસ્તકો નક્કી કરી અમે હિસાબ માંડ્યો, ફક્ત ૧૧૨૦૦ થયા!  પહેલાં ખુબ બધાં લાગતા ૪૫૦૦ રૂપિયા હવે ખુબ ઓછા લાગવા લાગ્યા. ચિંતા થવા લાગી કે પોતાને ખુબ ગમી ગયેલું પુસ્તક ક્યાંક રદ તો નહિ થાય ને ! રદ કરતાં કરતાં ૬૫૦૦ સુધી તો ગયા પણ પછી હામ હરી ગયા અને સી.આર.સી.સી. રજનીભાઈને શિરે જવાબદારી ઓઢાડી અમે નીકળી આવ્યા.

Sunday, January 8, 2012

ગણિતનું વ્યાકરણ


૧. : ‘વિજાતીય’ અને ‘સજાતીય’ એટલે?
          જિગીષા: જે વિજય પામે તે વિજાતીય અને જે સજા પામે તે સજાતીય.
          હમમ, વિચાર સારો છે પણ આ અર્થો નથી.
          ક્રિષ્ના : વિજ્ઞાન વિષયમાં આવે તે વિજાતીય અને સામાજિક વિજ્ઞાનમાં આવે તે સજાતીય.
          તુક્કો સારો છે પણ આ અર્થ પણ નથી. ચાલો, હિન્ટ આપું, ‘જાતિ’ શબ્દ પરથી આ અર્થોને જોવાં પ્રયત્ન કરો.
          ‘જાતિ’ એટલે?
          એટલે ‘નાત’ જેવું. ‘ધર્મ’ જેવું. (‘જાતિ’ અથવા ‘જુથ’ ના અર્થ સ્પષ્ટ કરવા અલગથી પ્રયોગ કર્યો છે. )
          રીમ્પલ : સજાતીય એટલે સરખી જાતિ વાળુ?
          એકદમ ! તો વિજાતીય એટલે?
          ‘વી’વાળુ ખબર નથી પડતી.
          હિન્ટ આપું,‘સજાતીય’ અને ‘વિજાતીય’ વિરોધાર્થી શબ્દો છે.
          જુદી જાતિ વાળુ?
          બરાબર. સજાતીય એટલે એક સરખી જાતિનું અને વિજાતીય એટલે જુદી જુદી જાતિનું.
૨ : ‘ચલ’ શબ્દ સંભાળતા-વાંચતા તમને શું યાદ આવે?
          પારુલ : ચાલવાનું..
          હવે ‘અચલ’ એટલે?
          જે ચાલતું ના હોય તે.
હું અત્યારે ‘ચલ’ છું કે ‘અચલ’? (શિક્ષક સ્થિર ઉભેલ હતા.)
અચલ.
એટલેકે, હું મારા સ્થાનેથી ખસતી નથી એમ ને?
હા.
એટલેકે હું સ્થિર કહેવું?
હા.
તો, ‘અચલ’ એટલે?
સ્થિર.
અને ‘ચલ’ એટલે?
અસ્થિર.
          તો, ‘ચલ સંખ્યા’ એટલે કેવી સંખ્યા?
          અસ્થિર સંખ્યા ...
          અને ‘અચલ સંખ્યા’ એટલે?
          સ્થિર સંખ્યા.
          તો ૧,૩૨,૨૦૦,૭૫૦૦ આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા છે?
          ચલ/અચલ/ચળ/અચલ....
          વારુ, સંખ્યા રેખા પર ૧નું સ્થાન બદલાય?
          હાસ્તો, દાખલ મુજબ ૧ જુદી જુદી જગ્યાએ મુકવો પડે.
          એ બરાબર. પણ, ૪ અને ૫ની વચ્ચે ૧ મુકાય?
          ના. એ તો ૦ અને ૨ની વછે જ મુકાય.
          અને ૩૨?
          એ ૩૧ અને ૩૩ની વચ્ચે મુકાય.
          એટલેકે આ સંખ્યાઓનું સ્થાન નક્કી છે એમ કહેવાય?
          હા.
          તો આ સંખ્યાઓ કયા પ્રકારની સંખ્યાઓ કહેવાય?
          અચલ !
          ‘સંખ્યાઓની સ્થાન કિંમત’ આ વાત યાદ આવે છે ને?
          હમમ..
          (આ તબક્કે, ઋણ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો પણ નિશ્ચિત સ્થાન ધરાવે છે એ સંખ્યારેખા દોરીને બતાવાયું.અને એ બારામાં પણ ઉપર મુજબ ચર્ચા થઇ.)
          એકદમ. તો ચલ સંખ્યાઓ કઈ?
          એવી સંખ્યા હોય જ નહિ.
          હોય છે. ગણિતમાં જ હોય છે. જેમકે, ધારો કે, આપણા વર્ગમાં અત્યારે ‘x’ પેન્સિલ છે.
          એ તો બધાની પેન્સિલો ગણી કાઢીએ એટલે ખબર પડી જાય.
          હા, પણ ગણ્યા વગર મારે ધારીને કહેવું હોય તો ?
          ધારો કે,આપણા વર્ગમાં અત્યારે ‘x’ ચોપડીઓ છે એવું પણ કહેવાય?
          બિલકુલ કહેવાય. અને ‘x’ ને બદલે ‘abcd’ નો કોઈ પણ મૂળાક્ષર લઇ શકાય.
          કેવી રીતે?
          ધારો કે, આપણી શાળામાં ‘c’ બેન્ચીસ છે. હવે, તમે આવા વાક્યો બનાવી બોલો.
          ધારો કે, આપણી શાળામાં ‘p’  છે. ધારો કે આપણા વર્ગમાં ‘m’ નોટ છે. ધારો કે આપણા વર્ગમાં ‘y’  નકશા છે.
          બરાબર. તો આ x, c ,m, y વગેરે કયા પ્રકારની સંખ્યાઓ થઇ?
          ચલ.
          હવે, ‘ચલ’ અને ‘અચલ’ સંખ્યાઓનો તફાવત લખીએ.(જુથકાર્ય દ્વારા આ તફાવત લખાવાયો અને વર્ગ સમક્ષ દરેક જુથ એ રજૂઆત કરી.

Friday, January 6, 2012

પોલીસશિક્ષક

આજે અમારી શાળામાં ભણાવવા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનેથી સાથીદારો આવ્યા હતા. પી.એસ.આઈ. શ્રી મહેતા અને શ્રી ભ્રહ્મભટ્ટએ  તેમના ટ્રાફીક સંચાલક મિત્રો સાથે મળીને ટ્રાફીક સપ્તાહ નિમિત્તે ઉગતી પેઢીને માહિતગાર કરી. શ્રી.મહેતા સાહેબે પૂછ્યું ,'તમારે કોઈ પ્રશ્ન છે?' વિદ્યાર્થીઓએ આ મુજબના પ્રશ્નો પૂછ્યા : યુનિફોર્મ કેમ જુદા જુદા છે? ટોપી કેમ ત્રાંસી પહેરો છો? ખભે તારા શા માટે લગાવેલા છે? પોલીસ બનવું હોય તો કેવી રીતે બનાય? પી.એસ.આઈ.સાહેબે તમામ પ્રશ્નોના ઉત્તરોની વિગતે છણાવટ કરી.
શ્રી બ્રહમભટ્ટ સાહેબે શપથ લેવડાવ્યા કે આપેલ ચોપાનિયાં એક વિદ્યાર્થી પાંચ વયસ્કને વંચાવશે. વિદ્યાર્થીઓએ પોતે બનાવેલ ઓરિગામી-કાગળ કામના શૈક્ષણિક સાધનો વડે તમામ પોલીસમિત્રોનો શાળા વતી આભાર માન્યો. આ કાર્યક્રમની ઝલક આપતી તસવીરો જોવા બાજુની લિંક પર ક્લિક કરો.પોલીસમિત્ર

Thursday, January 5, 2012

શિક્ષકનો જીવ


અમારા ગામમાં ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલય છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ તેનો ભરપુર ઉપયોગ કરે. અવારનવાર ‘લાયબ્રેરીવાળા દાદા’ની વાત પણ કરે. જે સંખ્યામાં વિધાર્થીઓ પુસ્તકાલયનો ઉપયોગ કરે, એ ‘દાદા’ને મળવાનું મન થયું. પુસ્તકાલયની મુલાકાતનું બહાનું ય હતું. એ મુલાકાતમાં જાણવા મળ્યું કે આ દાદા, એટલેકે લાયબ્રેરિયન તો નિવૃત્ત શિક્ષક છે ! આ ગામ એમની જન્મભૂમી કે કર્મભુમી નહિ, પણ, સંજોગોવસાત્ પાછલી અવસ્થામાં આ ગામમાં સ્થાયી થવાનું થયું અને એમાં પુસ્તકાલય સાથે જોડાયા. રંગભાઈ અમીન. ગોધરા,ડૉ.પોલન વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પુસ્તકાલયના મુલાકાતીને સહજ આવકાર ઉપરાંત પુસ્તકો અંગેના સૂચનો પણ આપે. શિક્ષકનો જીવ ખરો ને !