Monday, October 1, 2012

આજનો દીપક

પ્રાર્થના સંમેલનમાં ‘આજનું ગુલાબ’ અને ‘આજનો દીપક’ હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સ્વાભાવિક બાબત છે.
એવું જ અમારી શાળા બાબતે પણ.
પણ, ગઈ કાલે જેમનો પ્રાર્થના સંમેલન સંચાલનનો વારો હતો તે વિદ્યાર્થીની જૂથએ પૂછ્યું : ગાંધીબાપુને આજનો દીપક બનાવાય કે?
કેમ નહી !
તો , ગાંધીજીના ફોટાને ‘આજનો દીપક’ વાળું કાર્ડ પહેરાવી શાળા પરિવારે ગાયું : Happy Birthday Dear Gandhiji, Happy birthday to You.
અને ભાદરવી પૂનમની પ્રસાદ ભેટથી સૌએ મોં મીઠું કર્યું.

Friday, September 21, 2012

ઝલક

અહીં મુકેલ તસ્વીરો તો પરીણામ છે, પ્રક્રિયાની મજા કેટલી ઝીલાઈ એ તો જોનારા નક્કી કરે.
ગત માસ દરમ્યાન ધોરણ ૮ માં થયેલ અભ્યાસિક પ્રવૃત્તિઓની ઝલક મુકી છે અહીં.
@અંગ્રેજીના બીજા પાઠને લગભગ છ વાર જુદી જુદી રીતે (અંગ્રેજીમાં જ, ગુજરાતીમાં અનુવાદ નો તો પ્રશ્ન જ નથી.) વર્ગમાં કહેવાયા પછી એકમના content words નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ લખેલ વાર્તા.
@ એક થી પાંચ વર્ણોની સંખ્યાવાળા શબ્દો વિચારવા, તેમને એક વાક્યમાં ગૂંથવા અને તે વાક્યને મઠારતા જવું...
@નિબંધ માટે નવા વિષયો : પાંચ વર્ષ પછીનું ચિખોદ્રા
@ગણિતમાં વ્યાખ્યાઓ સ્વરૂપે , વર્ગની ભાષામાં લખું તો ગુજરાતીમાં આપેલ વ્યાખ્યાઓનું ગણિતની ભાષામાં લેખન, માહિતીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું
@વર્ગખંડ ચર્ચાઓ પછી હિન્દીમાં ગામ-શહેરની તુલનાનું જુથકાર્ય
@ચિત્ર પરથી હિન્દીમાં કવિતા લેખન
@એવું જ વિજ્ઞાનમાં ...વર્ગની ચર્ચાઓને આધારે ચિત્ર બનાવવું અને તેની વિગતો લખવી..















Monday, August 13, 2012

પાયલની પરંપરા રણકે છે

થોડા સમય પહેલાં જીગીષાએ કહ્યું : છોકરી પાંચમામાં આવતાં જ રંગોળી શીખી જાય , નઈ બેન?! કોઈ શીખવે કે ના શીખવે.
એના સામાન્યીકરણ પાછળ ત્રણ વર્ષથી ચાલતી ઘટના છે.
પાયલ એ ઘટનાનું પ્રમુખ પાત્ર.
પાયલ સર્જનશીલ છોકરી. ચિત્ર ખુબ સરસ દોરે અને આગવી સૌન્દર્ય સુઝ.
એમ તો એ ચોથા ધોરણમાં પણ પોતાના વર્ગમાં રંગોળી બનાવતી જ , પાંચમાંમાં એનો રંગ આખી શાળાને અડ્યો.
પાંચમાં ધોરણના તે સમયના શિક્ષક રેણુકાબેનના પ્રોત્સાહનને કારણે પાયલ ખીલી અને શાળા મહેંકી.
રંગોળી હરીફાઈ જેવી (પણ તંદુરસ્ત હો !) ચડસાચડસી બધાં વર્ગોની છોકરીઓમાં થવા લાગી.
વર્ગ સફાઈનો વારો હોય એ ટુકડી જ રંગોળી કરે એટલે લગભગ દરેક છોકરીનો વારો આવે અને એમાં કેટલીક છોકરીઓમાં સંતાયેલું સૌન્દર્ય હીર ઝળક્યું.
રંગોળી તો અગાઉ પણ થતી પણ એમાં વૈવિધ્ય ઉમેરાયું.
ભાત,સામગ્રીમાં રોજ નવીનતા આવતી ગઈ.
અને હા, તમામ સામગ્રી બિનખર્ચાળ.
જુદાં જુદાં રંગની માટી-ઝીણા કપડાં વળે ચાળીને, રાખ, કોલસા અને ઈંટને ઘસી એના રંગ,વળી તે ચીજો ભેગાં કરી બનાવેલા નવા રંગ, લાદીના ટુકડા, પોતાના ડ્રેસમાંથી નીકળી ગયેલી લેસ,ટીલડી અને એવું બધું, બટન, જુના સેટ,બુટ્ટી...
વયસ્કોને મન જે નકામું હોય તે તમામ અહીં સુંદરતામાં ઉમેરો કરતુ હતું.
પહેલી રીશેશમાં બધાં વર્ગોની રંગોળીઓ પરસ્પર ‘જોવાઈ જાય ‘ અને પછી એના ઉપર સૌન્દર્યચર્ચા ચાલતી રહે, બીજા દિવસ સુધી.
‘આ’ને રંગોળી કહેવાય કે ચિત્ર?  એ અંગે ખ્યાલો બનતા ગયાં.
સંજોગોવશાત પાયલ તો બીજે ગામ, બીજી શાળામાં ગઈ છે, પણ પોતાની પાછળ સુંદર પરંપરાનો રણકાર મુકતી ગઈ.
આશા કે એની નવી શાળામાં પણ તેને રણકવાની, રણકાવવાની તક મળતી હશે.











Wednesday, July 25, 2012

ધૂમકેતુ

કાળને અતિક્રમી શકવાની લખાણની ત્રેવડ લેખકની આવડતને પ્રતિબિંબિત કરે છે. ધૂમકેતુની  ‘જુમો ભિસ્તી’ ભણાવતાં અને ધોરણ ૪ના બાળકોમાં  ‘બીકણ સસલી’ પ્રેમને જોઈ એ પ્રતિબિંબ ચિત્તમાં પડઘાયું.
જુમો ભિસ્તી : એક એક વિધાન ભાષાને સાહિત્યની ઊંચાઈ આપે. પાડાનું ‘નમણું’ નામ પાડનાર ‘સાહિત્યપ્રેમી’ની જેમ! જુમો જયારે ‘મારો વે...’ એમ અધૂરું છોડે ત્યારે જુમાનું વેણુ સાથેનું જોડાણ, અન્ય વ્યક્તિઓની ની:સ્પૃહ્યતા અને એ અંગે જુમાની સમજ એમ બધું વ્યક્ત થઇ જાય. “શાંતિ એવી જ જળવાઈ રહી” એમ લખીને લેખક છેલ્લા ફકરામાં જુમાને ‘અશાંત’ પણ લેખે.
શિક્ષક તરીકે જે પડકાર તે એ કે આવી કૃતિનો પોતાના ચિત્તમાં જે પડઘો પડે એની ગુંજ વિદ્યાર્થીઓના ચિત્તમાં ગાજતી કરવી. આદર્શ પઠન સંવેદનોને પહોંચાડવા ઉપયોગી; ભાષાની બારીકાઈઓ ખોલવા ભાષા પ્રવૃત્તિઓ કામ લાગે. આવા પ્રશ્નો પૂછ્યા :
 -પાડાનું નામ કોણે પડ્યું હતું? તે કોણ હતો?(હિંદુ સાહિત્યરસિક મિત્ર)
-સાહિત્યરસિક, કલારસિક ...જેવા શબ્દોની યાદી બનાવીએ.
-અહીં લેખકે મિત્ર આગળ ‘હિંદુ’ વિશેષણ કેમ મુક્યું? એ ના મુક્યું હોત તો ના ચાલત?
-કયા વિધાન આધારે જુમાનો ધર્મ નક્કી કરી શકાય? જુમાના ધર્મ અંગે બીજે ક્યાય નિર્દેશ છે?
-કયા કયા વિધાનો પરથી જુમાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે?
-‘રંગ જોવાં’,’તડકો છાયડો’...આ શબ્દ જુથોને ના બદલે બીજા શબ્દો મૂકી વાક્ય બનાવો અને બોલો. કયું વાક્ય તમને વધુ ગમ્યું?કેમ?
-પહેલી પાંચ લીટીઓ વાંચો. એને ધ્યાને રાખી તમારા ગામ,ફળિયા અને ઘરનું ખુબ ટૂંકમાં વર્ણન લખો.
- સિગન્લ વાળાને ત્યાં બુમ પડતી વખતે જુમો ‘ઓ ભાઈ બહેન’ એમ કેમ બોલે છે? માત્ર ભાઈ કે બહેન કેમ નહી?
-“માણસનું છૈયું ય દેખાતું ન હતું.” આ વાક્ય વડે લેખક શું સૂચવવા માંગે છે?
બીકણ સસલી :
આ એકમની ભાષાની ઊંચાઈ અને ગિજુભાઈની સુક્ષ્મ દ્રષ્ટિ માટે માન થઇ આવે. ટૂંકા પદ્ય વાક્યો, અંત્યાનુપ્રાસ, લિંગ પરિવર્તન, જોડાક્ષરો, કાવ્યમય ફકરાનું પુનરાવર્તન, નવા શબ્દોનો પરિચય મૂકી દેવાની સિફત અને સૌથી ઉચ્ચ તો રસ જાળવી રાખવો !

Wednesday, July 4, 2012

ચિનગારીના તણખા

ધોરણ-૮, કાવ્ય પહેલું, એક જ દે ચિનગારી, પહેલાં ગાન વખતે કોઈ ને ના ગમ્યું! ‘રોદણા જેવું છે’, એમ સામુહિક અભિપ્રાય આવ્યો. પણ, મકરંદ દવેનું ધૂળિયે મારગ તરત ગમ્યું.
કેમ એમ?
ચિનગારીનું અર્થગ્રહણ સહજ-સરળ નથી. એમાં જે તણખાની વાત છે તે તણખાનો પરિચય તો છે પણ તે પ્રત્યક્ષ નથી. જયારે ધૂળિયા મારગની ઉપરવાળી બેંક પહોંચમાં લાગે છે અને રમુજ પમાડે છે. જો કે, બીજા ત્રીજા ગાન પછી, પરિચય વધવાને કારણે ચિનગારી ના તણખા રિસેશમાં ફૂટતા સંભળાયા.
ચિનગારીની ચર્ચા આમ શરુ થઇ :
આ ભટ્ટ કાકાને શું જોઈએ છે?
ચિનગારી
એટલે?
તણખો.
તે એટલા માટે આવડું બધું કાવ્ય શું કામ લલકાર્યું? દિવાસળીનું એક બાકસ ના ખરીદી લે !
ઓ બેન, એવો તણખો નઈ, આ તણખો જુદો છે?
એમ, કયો તણખો છે, બતાવો તો જરી?
એ કે’તા નથી આવડતું પણ આ તણખો દિવાસળી વાળો નથી.
વારું, આ ભાઈએ લોઢું ઘસવામાં સારી જિંદગી શું કામ બગાડી હશે?!
અરે, એમ નઈ, સારી એટલે આખી જિંદગી.
એમ?! સારું. તો પણ લોઢું ઘસવામાં શું કામ? .... પાછી એમની સઘડી નથી સળગતી, તે કેરોસીન નાખે,પેટ્રોલ રેડે, આમ કાવ્ય...? ... સુરજ અને ચાંદો સળગે કદી? શું આ હરીહરદાદા વાત કરતાં હશે?
હવે આ બેનને શું કહેવું?!...કામ કરવામાં જિંદગી ખર્ચી એમ કહે છે. સુરજ તો
...શિક્ષક ભોટ જેવાં પણ વિધાર્થીઓ ચકોર છે. એમની ચિનગારી પેટાયેલી છે.

Sunday, June 24, 2012

નવાજુની

આ વર્ષે અમારી શાળામાં આઠમું ધોરણ ઉમેરાયું અને સાથે પરિવારમાં ૩૫ સભ્યો પણ.
આ નવા સભ્યો આમ તો અમારા ગામના જ. પણ, મૂળ ગામથી થોડે દુર, ખેતરો વચ્ચે, નિતાંત કુદરતમાં જીવતાં પરા વિસ્તારમાંથી આવતા બાળકો.
ચિખોદ્રા અને પરા ભલે એક ગામ ગણાય, ચોખ્ખો ફર્ક દેખાય કેટલીક બાબતોમાં.
ગામડા અને શહેર જેવો ફર્ક છોકરીઓના વર્તનમાં પ્રગટે.
પરાની છોકરી પ્રમાણમાં ઉઘાડભર્યું વ્યક્તિત્વ,એવું ખુલ્લાપણું અમારી છોકરીઓમાં ઓછું.
એટલા સુક્ષ્મ ભેદ કે અહીં તે કેવી રીતે મુકવા એમાં મુંઝાઉં છું.
વારુ,
ગયે અઠવાડિયે જીગીષાની આગેવાની હેઠળ ‘જૂની’ વિધાર્થીનીઓએ ફરિયાદ કરી : આ ‘નવી’ છોકરીઓ વર્ગ-શાળાના કામમાં સહકાર આપતી નથી.
તમે શિખવાડો. એમના દોસ્ત બનો. ધીમેથી ભળશે તેઓ.
બધું કરી જોયું. તમે એમને ‘બોલો’ તો કઈ થાય.
શનિવારે ઉપરોક્ત વાત થઇ હતી. શિક્ષક સમજી ગયાં કે ‘જૂની’ વિધાર્થીનીઓ શિક્ષક પાસે શું ‘બોલાવવાની’ અપેક્ષા રાખી રહી છે.
સોમવારે ‘જુનીઓ’ એ યાદ દેવડાવ્યું :બેન, પેલું બોલવાનું હતું તે !
આમ ‘બોલવામાં’ આવ્યું.
સાતમા ધોરણમાં આ શાળામાં ભણી ના હોય તેવી છોકરીઓ આંગળી ઊંચી કરે.
આંગળીઓ ઊંચી થઇ.
હવે, મારે તમને કેટલાંક પ્રશ્નો પૂછવા છે. માત્ર તમારે જ જવાબ આપવાના. તમે કયા ગામમાંથી આવો છો?
ચિખોદ્રા. (શિક્ષકને જવાબમાં પરાના નામની અપેક્ષા હતી.તમામ વિધાર્થીઓએ ચિખોદ્રા જવાબ આપ્યો.)
તમારી શાળાનું નામ શું?
જલાનગર/ગમોટપુરા/લક્ષ્મીપુરા.
ફરીથી પૂછું છું : તમારી શાળાનું નામ શું? (આ તબક્કે ‘જૂની’ વિધાર્થીનીઓના હોંઠ મલક્યા. તેઓ શિક્ષકની ટેવથી વાકેફ હતાં )
ફરી એ જ જવાબ.
જો એ જ જવાબ હોય તો મેં પ્રશ્ન ફરી કેમ પૂછ્યો? તો, આપણા વર્ગમાં હું ફરી એ જ પ્રશ્ન પૂછું તેનો અર્થ એમ થાય કે જવાબ આપવામાં કઈક વધુ વિચાર કરવાની જરૂર છે. ચાલો, ત્રીજી વાર : તમારી શાળાનું નામ શું?
તે વિદ્યાર્થીનીઓ આ રીતે ટેવાયેલી નહોતી. છતાં, એક છોકરીએ જવાબ આપ્યો : ચિખોદ્રા.
શિક્ષકે સ્પષ્ટીકરણ કર્યું કે ‘હાલ’ તેમની શાળાનું નામ શું એમ તેઓ પૂછી રહ્યાં છે.
તમને આ શાળામાં ફાવે છે? કોઈ મુશ્કેલી? ફરિયાદ?
ફાવે છે.(સ્મિત સાથે.)
તો, મને એમ કેમ લાગે છે કે તમને નથી ફાવતું?
...
આ શાળા તમારી પણ ખરી કે નહી?
હા.
પણ, તમારા વર્તનમાં તો એવું જણાતું નથી !
...
તમારા વર્તનમાં એવું શું ઉમેરાય કે જેથી અમને શિક્ષકોને લાગે કે આ શાળા તમારી અને તમે આ શાળાના છે?
આ ક્ષણે જે સ્મિત ફરક્યું એણે શિક્ષકને તો કહી દીધું કે મેળવણે દહીં જમાવવા માંડ્યું છે. પણ, એ મેળવણી વર્તનોમાં બોલકી રીતે વ્યક્ત થાય એ પણ જરૂરી છે.
તો, તમેં મને તમારા વર્તનથી જતાવો કે આ શાળા તમારી છે. એ માટે તમારે જે કઈ જાણવું હશે તે આ છોકરીઓ પાસેથી જાણો. તમારી જૂની શાળાની અમને વાતો કરો.
‘જુનીઓ’ થોડી નિરાશ તો થઇ પણ એમને ખબર છે કે એમના શિક્ષક આવા જ રસ્તા અપનાવશે. એટલે, જોડાઈ ગઈ ‘નવીઓ’ ને માર્ગદર્શન આપવામાં.

Monday, May 7, 2012

આગ

@સાતમાની સાનિયા એ પુરા ગાંભીર્યથી પૂછ્યું : તમને ખબર છે, તારા કેવી રીતે બને?
બ્રહ્માંડ અંગેની ચપટીક માહિતીથી ખદબદતા શિક્ષકના મગજે ઉથલો માર્યો કે હહ્, ખબર જ્ હોય ને ! પણ, ત્યાં મિત્રતાનો અંશ સળવળી બોલ્યો, પહેલાં એની વાત સાંભળ પછી તારી ટકટક કર. એટલે શિક્ષકે પૂછ્યું , કેવી રીતે બને તારા?
સાબુના ફીણમાંથી ! એના અવાજનો રણકાર કહેતો હતો કે એ માહિતીની એને કેટલી ખાતરી છે.
હમ્મ, તને કઈ રીતે ખબર પડી?
નહાવા બેસીએને ત્યારે સાબુનું ફીણ થાયને એમાં પ્રકાશ ચમકતો હોય. પછી એ પરપોટા ફૂટે ત્યારે એમાંથી તારા બની જાય!
પરપોટા ફૂટે એમાંથી તારા બને અને પરપોટાનો પ્રકાશ એ પ્રક્રિયામાં ભૂમિકા ભજવે.-આ વિગત ભૌતિકશાસ્ત્ર મુજબ પણ ખરી જ્ છે ને !


 ત્રીજાની ઈવા એ રાતના તપનું જોયું ને પૂછ્યું : તાપણાં વડે અજવાળું કેમ આવે?



શો જવાબ આપવો એ ના સુઝ્યું એટલે વળતો પ્રશ્ન : મને ખબર નથી, તુ જ્ કહે ને !
તાપણામાં સુરજ પેસી ગયો હોય !
એમ?
હા, જો ને, સુરજ પણ અજવાળું આપે છે ને સવારે.
બીલકુલ.

Saturday, May 5, 2012

સત્રાંત


પરિણામપત્રમાં શિક્ષકે વાલીને આપવાના સુચન વાળું ખાનું આમ ભરાયું : આપણી વ્હાલીની પ્રગતિના પ્રયત્નોની સફળતાના અભિનંદન !

Friday, April 27, 2012

તાંત્રિક માં-બાપ

શિક્ષણ તંત્ર અને શાળાઓ બાળકોને સમજવામાં, ‘સાચું’ શિક્ષણ આપવામાં, બાળકોની સર્જનાત્મકતાને પોષવામાં નિષ્ફળ ગયાં છે એમ અવારનવાર જાહેર કરવામાં આવે છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયિક અનુભવ થકી અને સમાજના એક સભ્ય તરીકે મારું એક મંતવ્ય ઘડાયું છે અને તે છે કે બાળક સંબંધી ઉપરોક્ત ભૂલોની દોષગ્રંથિથી પોતાને બચાવવા માં-બાપ અને સમાજ આ રાગ આલાપ્યા કરે છે. હકીકતે, બાળ ઉછેરમાં માં-બાપ નિષ્ફળ પુરવાર થયા છે.
માં-બાપ પર આ ‘આરોપ’ મૂકી શિક્ષણ તંત્ર કે શાળાઓની ભૂલો છાવરવાનો અહીં ઈરાદો નથી. એ આગવી સમસ્યા છે જે પણ ઉકેલવી રહી. પણ, તંત્ર કે શાળા પહેલાં બાળક માં-બાપ પાસે છે, તો બહારની સંસ્થાઓ ઉપર દોષારોપણ કરનારાઓએ પોતે કયા ઉપાયો અમલમાં મુક્યા? પોતાના બાળકના પ્રફુલ્લન માટે તેમણે પોતાની કક્ષાએ કયા પ્રયત્નો કર્યા? અહીં એવાં માં-બાપની વાત છે જેઓ પોતાના બાળકોને માટે ‘સારી’ શાળા પસંદ કરવા સામાજિક અભિયાનો આદરે છે, લાગવગો અને ડોનેશનની તૈયારી રાખે છે અને ...અને તેઓ ‘શિક્ષણ’ એટલે શું તે જાણે પણ છે.
મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગના આ માં-બાપ એકદમ સ્વાર્થી જણાય છે. બાળકને ભણાવવાનો તેમનો હેતુ પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે એવી સફળ કારકિર્દી પોતાનું સંતાન પામે તેવો હોય છે, નહી કે પોતાના, હા , એમના પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય. આવા માં-બાપ બાળકને શાળા ઉપરાંત સંગીત,નૃત્ય,ચિત્ર,નાટક,તરણ,કરાટે જેવી ‘પ્રવૃત્તિઓ’ના વર્ગો ભરવા ‘ખર્ચા’ કરશે, વેકેશનમાં બાળકને ‘ટ્રેકિંગ’ કે ‘નેચર કેમ્પ’માં મોકલશે અને ઓડકાર ખાશે કે પોતે બાળકને વિવધ ક્ષેત્રોની તાલીમ પૂરી પાડી એનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી લીધી છે. બેશક, આ પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસના પાસા છે. પણ, કેટલાં માં-બાપ પોતાના સંતાનોને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં સહમત થાય છે? કારકિર્દી તો દુર રહી, પોતાના બાળકને કયા ક્ષેત્રમાં રસ છે એ પણ તેઓ ચકાસતા નથી. ‘મારા પપ્પુ-પિન્કીને કોમ્પ્યુટર-આઈ.ટીમાં ખુબ રસ છે એટલે અમે તેને તેમાં પ્રોત્સાહન આપીએ છીએ.’ આ શાહમૃગીયો વિકલ્પ વારંવાર કાને અથડાય છે. બધાને ખબર છે કે આઈ.ટી એ ડોલરિયો શોખ છે ! અને આવા ‘રસ’ ધરાવતાં કેટલા તેજસ્વી તારલઓએ આઈ.ટી.માં ક્રાંતિકારી શોધ કરી?
બે બેડરૂમની સગવડ ધરાવતા આ માં-બાપના ઘરમાં બાળવાર્તાઓનું એક કબાટ સમાતું નથી. મહિને એક-બે વાર રેસ્ટોરાંમાં જમવાનું બજેટ ધરાવતા આ કુટુંબો પાસે બાળવાર્તાઓ ખરીદવાની સગવડ નથી હોતી. હા, કેટલાંક માં-બાપ પુસ્તકો ખરીદે છે, ‘સફળતાના નવ રત્નો’, ‘વૈજ્ઞાનિક રમકડાં બનાવો’, ગણિત ગમ્મત, પંચતંત્રની વાર્તાઓ વગેરે. આવા પુસ્તકોની ખરીદી પાછળ પણ ગણતરી તો ‘મારા સંતાનને કારકિર્દીમાં સફળ થવામાં ઉપયોગી બને’ એવી જ હોય છે. એટલે વાર્તાઓ ઠેબે ચઢે છે. આવા માં-બાપ એ પોતે દસ નવલકથાઓ વાંચી નથી અને પોતાનું સંતાન (ઈતર !)વાંચન રસિક ના બની જાય એની તેઓ પુરેપુરી દરકાર રાખે છે. તેઓને સંતાનની સફળતાની ચિંતા છે, સુખની નહી. અથવા તો તેઓ સફળતાને સુખ માનતા લાગે છે.
આ માં-બાપ ડરે છે, કયાંક મારું સંતાન સ્વતંત્ર ના થઇ જાય ! સ્વતંત્રતા અને સ્વછંદતાની તેમની  વ્યાખ્યાઓ શબ્દકોશ કરતાં જૂદી, સામાજિક દ્રષ્ટિ થકી ઉધાર મેળવેલી છે. તેમને સંતાન કહ્યાગરું જોઈએ છે અને ત્યારે તેમને પેલી સર્જનાત્મકતાની ગેરહાજરી સાલતી નથી.
શિક્ષણ તંત્ર, શાળાઓ અને શિક્ષકો પર દોષારોપણ એ સહેલી છટકબારી છે, બેઠક ખંડમાં ચર્ચાતા મનોરંજક-રસપ્રદ વિષયોમાંનો એક વિષય. ના તો એથી કોઈ ઉકેલ આવવાનો કે ના એ ચર્ચા બંધ થવાની. શાળાઓની તાંત્રિકતા-યાંત્રિકતામાં પોતાનું બાળક પીસાય નહી એવી દરકાર કરનારા માં-બાપ ઘરેલું શિક્ષણ તરફ વળ્યા છે. પણ, તેઓને જે શાળાઓનો અનુભવ છે તે ખાનગી શાળાઓ છે, જેમનો મૂળમંત્ર ‘સફળતા’ છે. આવા નાનકડા વર્ગને બાદ કરતાં મોટા ભાગના શિક્ષિત માં-બાપ પોતાના સંતાનના સ્વાભાવિક પ્રફુલ્લનને રોકવાના ષડયંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
કોઈ પણ તંત્રને પોતાને ટકાવવામાં રસ હોય, અહીં જેમની વાત માંડી છે તે માં-બાપ પણ આવા તાંત્રિક છે.

Wednesday, March 28, 2012

દિયા


દિયા અમારી શાળામાં ત્રણ વર્ષ પહેલાં પ્રવેશી અને પ્રવેશતાં જ્ શાળા પરિવારની લાડકી થઇ ગઈ. તે તેજસ્વી વિધાર્થી છે, તેની ચકોર આંખોની ચમક અમારા સૌના આનંદનું માધ્યમ બની રહી. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તે એટલી જ્ સક્રિય.

મોટા વિધાર્થીનીઓ પણ તેની બહેનપણીઓ. ધોરણ ૭મા છેલ્લા તાસમાં કઈ નવું સંભળાય એટલે તે શીખવા પહોંચી જાય. તેનામાં શીખવાની ખુબ ધગશ છે. જો તેને રજા પડે તો વર્ગશિક્ષકની પાછળ પડીને પુનરાવર્તન કરાવડાવે. તે માયાળું છે અને બધાં જોડે ભળે છે પણ તેને જુથનેતા બનવું નથી ગમતું. તેને વાર્તા પુસ્તકો વાંચવા ય ખુબ ગમે છે.

આ વર્ષે તેનામાં એક પરીવર્તન આવ્યું છે.

દિયાને એક બહેન છે, હીના. તે આ વર્ષે પહેલાં ધોરણમાં દાખલ થઈ. બસ, ત્યારથી દિયા ઠરેલ થઇ ગઈ છે. તેનું આ ઠરેલપણું તેના ચહેરા પર અને વર્તનમાં પ્રગટે છે.

આજે, ધોરણ ૫,૬,૭ના ચુનિંદા વિધાર્થીઓ સાથે લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે વિધાનગર જવા વિદ્યાર્થીઓ વાનમાં ગોઠવાઈ રહ્યા હતાં ત્યાં દિયા ધસી આવી ; ‘ મને લઇ જાવને! મારે જોવું છે.’

પણ આ તો ૫-૬-૭ માટે જ્ છે, તુ પાંચમામાં આવીશ ત્યારે તારે જવાનું થશે જ્.

ના પણ આજે લઇ જાવ ને. મને જોવાનું ગમે છે.

આ મુલાકાત માટે વિજ્ઞાનની પ્રાથમિક સમજ હોય તો શૈક્ષણિક રીતે સારું પડે. પણ, શિક્ષક સમજતા હતા કે દિયા જેવા વિદ્યાર્થીઓ માટે આવી મુલાકાતો કેટલી અસરકારક બની શકે. વાનમાં જગ્યા ન હતી. શિક્ષકે વાનમાના વિધાર્થીઓને પૂછ્યું, ‘દિયાની જગ્યા થશે?’

અરે, ખોળામાં બેસાડી લઈશું.

‘સારિકાને ય આવવું છે.’ દિયાએ તેની બેનપણીની વકીલાત કરી.

ભલે,મોટાબેનની અને તમારા બેનની રજા લઇ આવો.

બંને કમળાબેન(આચાર્ય) સમક્ષ ગઈ પણ કઈ બોલી ના શકી. આવી બાબતમાં તો કમળાબેનની સંમતી હોય જ્.

અચાનક દિયા કહે, ‘ના, હું નહિ આવું. મારી બેનનું જોવું પડે.’

અરે પણ આપણે પાંચ વાગતામાં તો પાછા આવી જ્ જઈએ છીએ.

સારિકા આવી, દિયા ના આવી.

Monday, March 26, 2012

ભોગોલિક પ્રવૃત્તિ


આ પ્રવૃત્તિ પ્રથમ સત્રની, ભૂગોળના બીજા જ્ એકમ(ધો-૭,પાઠ-૧૫)ની છે. પણ, તે સમયે શિક્ષકને લાગ્યું કે હજી આ પ્રવૃત્તિ કરવાનો સમય ‘પાક્યો’ નથી.


ભૂગોળ એટલે અંકગણિત,ભૂમિતિ અને વિજ્ઞાનનું શરબત. તેની સંકલ્પનોની ગૂંથણીને વારંવાર જુદી જુદી રીતે જોવી પડે.


 અમે આ એકમ પરંપરાગત રીતે ભણ્યા : વ્યાખ્યાઓ સમજી, પારિભાષિક શબ્દોની સંધિ છૂટી પાડી તેમને ઉકેલ્યા, આકૃતિઓ દોરી, પ્રશ્નો પૂછ્યા ને જવાબો લખ્યા. માહિતી માટે અને પરીક્ષા માટે તે ઉપયોગી છે. પણ,કોઈ સમાચાર કે કોઈ દૈનિક ઘટનાને સંદર્ભે ભૂગોળની પાયાની સંકલ્પનાઓ અવારનવાર અને વારંવાર ચર્ચાતી રહી. એક દિવસ શાળાના મેદાનમાં હળવું વંટોળ ઉઠ્યું અને ધૂળની ડમરી ચકરી ફરવા લાગી,કે  સમાચાર વંચાયા કે બે દિવસ પછી વધુ ઠંડી પડશે કે પછી તાજેતરમાં રાજસ્થાનમાં હવાના દબાણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાત પર ધુળી ચાદર છવાઈ...અમારે કેમ-કેવીરીતે તેની ભૌગોલિક ચર્ચાઓ થાય. અમે ભૂમિતિની પાયાની સંકલ્પનાઓ અંગેના કેટલાક વીડીઓ પણ જોયા.


આજે અમે આ મુજબ પ્રવૃત્તિ કરી.


પૃથ્વીનો ગોળો, પાણી ભરવાનો નળો અને દોરી વડે.


વર્ગખંડમાં દિશાઓ નક્કી કરી.નળાને બનાવ્યો સુર્ય. પૃથ્વીના ગોળાને સુર્યની ઉત્તરે ગોઠવ્યો, ધરી ઉત્તર તરફ નમેલી રહે ત રીતે. જાણવા પ્રયત્ન કર્યો- કયો ધ્રુવ સુર્યની નજીક છે, ઉત્તર કે દક્ષિણ? પહેલાં નરી આંકે અને પછી દોરી વડે અંતર માપી-સરખાવીને.


હવે, પૃથ્વીના ગોળાને ૯૦અંશ ખસેડી સુર્યની દક્ષિણે ગોઠવો, ધરી ઉત્તર તરફ જ્ નમેલી. ચકાસ્યું, કયો ધ્રુવ નજીક? નરી આખે નક્કી કરવામાં મુશ્કેલી પડી. અગાઉની જેમ જ્ દોરી વડે બંને ધ્રુવોનું સૂર્યથી અંતર માપ્યું અને સરખાવ્યું.


ફરી ૯૦અંશની ફુદરડી અને પૃથ્વી પ્રતિકૃતિ ગોઠવાઈ સુર્યની દક્ષિણે. ફરી માપન,સરખામણી.


એ જ્ રીતે પૂર્વમાં ગોઠવીને.


આ પ્રવૃત્તિને પાઠ્યપુસ્તકની આકૃતિ સાથે સરખાવીને જવાબો આપવા કહ્યું : પૃથ્વીગોળો ઉત્તર/પશ્ચિમ/દક્ષિણ/પૂર્વમાં હતો ત્યારે કઈ તારીખ? થોડીક ગડમથલ પછી વિદ્યાર્થીઓએ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા.


વિધાર્થીઓના સાચા જવાબો એ આ પ્રવૃત્તિની સફળતાનો માપદંડ નથી. આ જવાબો તો વિધાર્થીઓ સ્વાધ્યાયપોથીમાં અને ઉત્તરવહીમાં લખી ચૂકયા જ્ છે. આવી પ્રવૃત્તિઓ કરાવવી કેમ જરૂરી છે તે તો આ પ્રવૃત્તિ પછીના પ્રશ્નો પરથી તારવી શકાય : પૃથ્વી નમેલી ના હોય તો શું થાય? વિડીઓ જોયાં એમાં તો પૃથ્વી નમેલી જણાતી નથી તો આટલી ચોક્કસ રીતે કેમ કહી શકાય કે પૃથ્વી નમેલી છે? આપણને પૃથ્વીની ગતિનો અનુભવ કેમ નથી થતો? પૃથ્વી ક્યાં રહેલી છે? પૃથ્વી ગોળ છે તો આપણે પડી કેમ નથી જતા? પૃથ્વી તો સપાટ દેખાય છે, તો ગોળ ...? આપણે ક્યાં રહીએ છીએ, ગોળાની અંદર કે સપાટી પર?


આમાથી કેટલાક પ્રશ્નો વારંવાર પુછાતા રહે છે. તે પ્રશ્નો વારંવાર પૂછાય છે તેનો અર્થ એ કે જે-તે સંકલ્પના વધુ સપષ્ટ કરવાની જરૂર છે, અને તે પણ નવી રીતે. તો આવા પ્રશ્નોનું તો સ્વાગત જ્ હોય ને!

વખાણવી ગમે તેવી ખીચડી


 ધોરણ ૩ની જયશ્રીએ આજે વધાઈ ખાધી : બેન, મને ખીચડી બનાવતાં આવડી ગઈ!


વીણાબેને તેના ઉમળકાને વધાવતા કહ્યું, ‘ સરસ ! કેવી રીતે બનાવી?’


તેલ મુક્યું, જીરું નાખ્યું, લસણ નાખ્યું , પછી ખીચડી નાખી.


અચ્છા. પછી?


બસ. એટલું.


પાણી ના નાખ્યું?


ના.


પાણી વગર ખીચડી થઇ? કેવી રીતે?


આટલું જ્. થઇ ગઈ.


મૂંઝાવાનો વારો વીણાબેનનો હતો. બીજા કેટલાક પ્રશ્નોના જવાબોને અંતે જયશ્રી બોલી, ‘ પણ બેન, ધોળી ખીચડી તો બનાવેલી હતી. એમાંથી પીળી મેં બનાવી.!’

Friday, March 23, 2012

ભૂગોળનું ગણિતવિજ્ઞાન


આ પ્રયોગ અમે ૨૨ ડીસેમ્બર’ ૧૧ એ શરુ કર્યો હતો, બપોરે ૧ વાગ્યે.

સૌ પહેલાં અમે અમારા બધાના પડછાયા માપ્યા. પછી એક લાકડીનો પડછાયો માપ્યો. શિક્ષકે જણાવ્યું કે હવે દર ૧૫ દિવસે આપણે આ લાકડીનો પડછાયો માપવાનો છે અને સાથે પ્રશ્ન મુક્યો – આ લાકડીનો જ્ કેમ, કોઈ માણસનો કેમ નહિ તે વિચારો.
ચાલુ વર્ગે કેટલીક મિનીટો માટે મેદાનમાં જવું કયા બાળકને ના ગમે ! એટલે પ્રયોગ સામે તો કોઈને વાંધો ન હતો. પણ, આ પ્રયોગ કરવાથી શું થશે તેવું પરિણામ તાત્કાલિક નજર સામે ના દેખાતા તેમના ચિત્તમાં ખળભળાટ થતો હતો. વળી, પહેલાં બે-ત્રણ માપન દરમ્યાન તો પડછાયાના માપમા કોઈ નોંધપાત્ર ફેરફાર ના દેખાયો એટલે કેટલાક તો અકળાયા પણ ખરા, ‘ તમને આવા નકામા પ્રયોગો સુઝે છે !’. જો કે, શિક્ષક પપ્રત્યેની મુલ્ય આધારિત શ્રદ્ધાને કારણે અને મેદાનમા આવવા મળે તે કારણે પ્રયોગ તો જારી રહ્યો.
દર પંદર દિવસે અમે બપોરના એક વાગ્યે પડછાયો માપતા રહ્યા અને તે માપ નોંધાતા રહ્યા.
જાન્યુઆરીના અંત દરમ્યાનથી પડછાયાની લંબાઈમાં નોંધપાત્ર ફેર પડ્યો હતો. તેને કારણે સૌને વિસ્મય થયું-આવું કેમ, કઈ રીતે? હજી જવાબ આપવાનો સમય પાક્યો નહોતો.

આખરે આવી ૨૧ માર્ચ.

લાકડીના પડછાયાની ટૂંકાઈ જોઈ બધા ઉદગારોમા સરી પડ્યા. એ પછી તો અમે અમારા ગામના અક્ષાંશ પણ માપ્યા,એ પડછાયાની મદદથી જસ્તો .
એ પછી પાઠ્યપુસ્તકમા ભૂગોળના એકમ (ધોરણ ૭, એકમ-૧૫,૧૬) વાંચ્યા ! અમારા જવાબો એમાં હતા.

Tuesday, March 20, 2012

અરમાન ટેસ્ટ

કેટલાક ઘરેલું/સામાજિક કારણોથી બાળકોમાં દવા,દાક્તર,દવાખાનાનો ડર પેસીને ઘર કરી ગયો હોય છે. એમાંય ઇન્જેક્શન! તૌબા તૌબા.

'અરમાન ' કાર્યક્રમ અંતર્ગત  પ્રાર્થના સંમેલન સમેટાવાના ટાણે પી.એચ.સી.એથી દક્તારનું કહેણ આવ્યું કે 'hb ટેસ્ટ કરવાનો છે' અને સંમેલનમાં ઉન્હ્કારા શરુ થઇ ગયા. શિક્ષક પર પ્રશ્નોની ઝડી : દવાખાને જવાનું છે? કયા વર્ગે? કેમ? ઇન્જેક્શન મૂકશે? શાનો ટેસ્ટ? hb એટલે શું?

છેલ્લા બે પ્રશ્નો તો શૈક્ષણિક હતા પણ શિક્ષકે બડા પ્રશ્નોનો એક જ્ ઉત્તર આપવાનું યોગ્ય માન્યું : વર્ગમાં જઈને  વાત કરીએ.
વર્ગમાં પેસતાંજ્ ભાવુંક્તામાં ડૂબેલા એ જ્ પ્રશ્નો.
શિક્ષક : તમારા બધાં પ્રશ્નોના જવાબ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં છે.પાન નં ...(જેના પર રક્તકણ-શ્વેતકણની આકૃતિ - વિગતો અને હિમોગ્લોબીન અંગે માહિતી હતી.) ખોલો અને વાંચો. 
થોડા કંટાળા, થોડી ચીઢ અને થોડાક કુતુહલ સાથે પુસ્તક ખોલ્યું અને વાંચ્યું.
આમાં કોઈ જવાબ નથી.
છે, જુઓ,શોધો.
એટલે લોહી ટેસ્ટ કરવા દવાખાને જવાનું છે? (થોડાક ઉંહકારા,સીસકારા ઉઠયા .)
હા અને ના.
નથી જવાનું?
જવાનું તો છે. પણ hb ટેસ્ટ માટે.
hb એટલે?
જુઓ પુસ્તકમાં ! (પુસ્તકમાં hb એમ લખેલું નથી એ વાત શિક્ષક જાણતા હતાં .)
થોડી હા-ના પછી જીગીષાએ પકડ્યું- hb એટલે હિમોગ્લોબીન?
એકદમ.
હહ્, કેવી રીતે?
મોટેથી બોલીને ચકાસો કે હિમોગ્લોબીન અને hb બોલવામાં શું સરખું બોલાય છે.
અચ્છા, એમ. સારું પણ hb તપાસવા ટાંકણી ઘોંચે ને? 
શિક્ષક :પણ, hb શું કામ તપાસવાનું?
એતો માંદા છે કે નહિ એ જાણવા .
બરાબર. પણ, આપણને આપણું hb શા માટે ખબર હોવી જોઈએ?
તમે કહો.
પુસ્તકમાં જુઓ, હિમોગ્લોબીન શું કામ કરે?
ઓક્સિજન શોષવામાં મદદ કરે.
બરાબર. ઓક્સિજન વગર તો ચાલે ને માણસને !
કેવી ગાંડા જેવી વાત કરો છો. ઓક્સિજન વગર તો માણસ મરી ના જાય ?
તો સમજાય છે હિમોગ્લોબીનનું મહત્વ?
....
hb ના પ્રમાણની આપણી તંદુરસ્તી પર ખુબ બધી અસરો છે. લોહી ચોખ્ખું તો આપણે સ્વસ્થ અને સાજા.
હા, એ તો ભણ્યા છીએ હવે.
તો બોલો, કોણ આવશે hb ટેસ્ટ કરાવવા દવાખાને?
પણ ટાંકણી ?
એનો ય રસ્તો બતાવું, તમને રસ હોય તો.
બતાવો,બતાવો.

જયારે ટેકનીશીયન ટાંકણી મારે ત્યારે બરાબર આંગળી સામે જોઈ રહેવાનું.
દેકારો થઇ ગયો- હોતું હોય. બધાં એમ શીખવે કે ઇન્જેક્શન મુકાતું હોય ત્યારે બીજી દિશામાં જોવાનું અને તમે કહો કે એ જ્ જગ્યાએ જોવાનું.
હા, નહિ જોવું એક રસ્તો છે અને જોવું બીજો રસ્તો. અને તમને રસ હોય તો...
સારું,સારું, પૂરી વાત કરો.(આવું કેટલાક એ  કહ્યું.)
તો, ટાંકણી ક્યાં વાગે છે,આંગળીને ત્યારે શું થાય છે, લોહી ગરમ છે કે ઠડું લાગે છે, કેટલું લોહી બહાર નીકળે છે એમ બધું જોવાનું ...
કિંજલ : હા, અને આવું જોવાં રહીએ એમાં ખોવાઈ જઈએ તો ટાંકણી વાગ્યાની બીક જ્ ખબર ના પડે.

એકદમ ! તો, જઈએ  કે દવાખાને?

 શિક્ષકે કોઈને ફરજ ના પાડી. વારેઘડીએ એમ કહેવું ચાલુ રાખ્યું કે તમને આ ટેસ્ટની અગત્યતા લાગતી હોય તો આવો.સાનિયા એન્ડ સાનિયા ના આવ્યાં. દવાખાને 'ઓ બેન !' એવાં બે-ત્રણ દ્રશ્યો તો રચાયા જ્.  ક્રિષ્ના તો સ્ટુલ પર બેસી પણ એટલી ઠંડી પડી ગઈ અને ક્ષણિક ચક્કર પણ આવી ગયા કે એનો ટેસ્ટ મુલતવી રાખ્યો. જેમ જેમ ટેસ્ટ કરતાં ગયા અને ટેકનીશીયન બેન આંકડા બોલતા ગયા, વિધાર્થીઓના હાયકારા શરુ થયા પણ જુદાં પ્રકારના. પોતાનું hb  ઓછુ છે અને એટલેકે પોતે શારીરિક સ્વસ્થ નથી એ બાબતે ચિંતા ઉમેરાયા એ અવાજોમા.

અસ્મીન અને સાનિયા પેલી બે સાનીયાઓને કોઈક રીતે દવાખાને લઇ આવ્યાં અને તેમનું hb પણ મપાયું.