Monday, October 1, 2012

આજનો દીપક

પ્રાર્થના સંમેલનમાં ‘આજનું ગુલાબ’ અને ‘આજનો દીપક’ હવે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સ્વાભાવિક બાબત છે.
એવું જ અમારી શાળા બાબતે પણ.
પણ, ગઈ કાલે જેમનો પ્રાર્થના સંમેલન સંચાલનનો વારો હતો તે વિદ્યાર્થીની જૂથએ પૂછ્યું : ગાંધીબાપુને આજનો દીપક બનાવાય કે?
કેમ નહી !
તો , ગાંધીજીના ફોટાને ‘આજનો દીપક’ વાળું કાર્ડ પહેરાવી શાળા પરિવારે ગાયું : Happy Birthday Dear Gandhiji, Happy birthday to You.
અને ભાદરવી પૂનમની પ્રસાદ ભેટથી સૌએ મોં મીઠું કર્યું.

Friday, September 21, 2012

ઝલક

અહીં મુકેલ તસ્વીરો તો પરીણામ છે, પ્રક્રિયાની મજા કેટલી ઝીલાઈ એ તો જોનારા નક્કી કરે.
ગત માસ દરમ્યાન ધોરણ ૮ માં થયેલ અભ્યાસિક પ્રવૃત્તિઓની ઝલક મુકી છે અહીં.
@અંગ્રેજીના બીજા પાઠને લગભગ છ વાર જુદી જુદી રીતે (અંગ્રેજીમાં જ, ગુજરાતીમાં અનુવાદ નો તો પ્રશ્ન જ નથી.) વર્ગમાં કહેવાયા પછી એકમના content words નો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ લખેલ વાર્તા.
@ એક થી પાંચ વર્ણોની સંખ્યાવાળા શબ્દો વિચારવા, તેમને એક વાક્યમાં ગૂંથવા અને તે વાક્યને મઠારતા જવું...
@નિબંધ માટે નવા વિષયો : પાંચ વર્ષ પછીનું ચિખોદ્રા
@ગણિતમાં વ્યાખ્યાઓ સ્વરૂપે , વર્ગની ભાષામાં લખું તો ગુજરાતીમાં આપેલ વ્યાખ્યાઓનું ગણિતની ભાષામાં લેખન, માહિતીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું
@વર્ગખંડ ચર્ચાઓ પછી હિન્દીમાં ગામ-શહેરની તુલનાનું જુથકાર્ય
@ચિત્ર પરથી હિન્દીમાં કવિતા લેખન
@એવું જ વિજ્ઞાનમાં ...વર્ગની ચર્ચાઓને આધારે ચિત્ર બનાવવું અને તેની વિગતો લખવી..Monday, August 13, 2012

પાયલની પરંપરા રણકે છે

થોડા સમય પહેલાં જીગીષાએ કહ્યું : છોકરી પાંચમામાં આવતાં જ રંગોળી શીખી જાય , નઈ બેન?! કોઈ શીખવે કે ના શીખવે.
એના સામાન્યીકરણ પાછળ ત્રણ વર્ષથી ચાલતી ઘટના છે.
પાયલ એ ઘટનાનું પ્રમુખ પાત્ર.
પાયલ સર્જનશીલ છોકરી. ચિત્ર ખુબ સરસ દોરે અને આગવી સૌન્દર્ય સુઝ.
એમ તો એ ચોથા ધોરણમાં પણ પોતાના વર્ગમાં રંગોળી બનાવતી જ , પાંચમાંમાં એનો રંગ આખી શાળાને અડ્યો.
પાંચમાં ધોરણના તે સમયના શિક્ષક રેણુકાબેનના પ્રોત્સાહનને કારણે પાયલ ખીલી અને શાળા મહેંકી.
રંગોળી હરીફાઈ જેવી (પણ તંદુરસ્ત હો !) ચડસાચડસી બધાં વર્ગોની છોકરીઓમાં થવા લાગી.
વર્ગ સફાઈનો વારો હોય એ ટુકડી જ રંગોળી કરે એટલે લગભગ દરેક છોકરીનો વારો આવે અને એમાં કેટલીક છોકરીઓમાં સંતાયેલું સૌન્દર્ય હીર ઝળક્યું.
રંગોળી તો અગાઉ પણ થતી પણ એમાં વૈવિધ્ય ઉમેરાયું.
ભાત,સામગ્રીમાં રોજ નવીનતા આવતી ગઈ.
અને હા, તમામ સામગ્રી બિનખર્ચાળ.
જુદાં જુદાં રંગની માટી-ઝીણા કપડાં વળે ચાળીને, રાખ, કોલસા અને ઈંટને ઘસી એના રંગ,વળી તે ચીજો ભેગાં કરી બનાવેલા નવા રંગ, લાદીના ટુકડા, પોતાના ડ્રેસમાંથી નીકળી ગયેલી લેસ,ટીલડી અને એવું બધું, બટન, જુના સેટ,બુટ્ટી...
વયસ્કોને મન જે નકામું હોય તે તમામ અહીં સુંદરતામાં ઉમેરો કરતુ હતું.
પહેલી રીશેશમાં બધાં વર્ગોની રંગોળીઓ પરસ્પર ‘જોવાઈ જાય ‘ અને પછી એના ઉપર સૌન્દર્યચર્ચા ચાલતી રહે, બીજા દિવસ સુધી.
‘આ’ને રંગોળી કહેવાય કે ચિત્ર?  એ અંગે ખ્યાલો બનતા ગયાં.
સંજોગોવશાત પાયલ તો બીજે ગામ, બીજી શાળામાં ગઈ છે, પણ પોતાની પાછળ સુંદર પરંપરાનો રણકાર મુકતી ગઈ.
આશા કે એની નવી શાળામાં પણ તેને રણકવાની, રણકાવવાની તક મળતી હશે.Wednesday, July 25, 2012

ધૂમકેતુ

કાળને અતિક્રમી શકવાની લખાણની ત્રેવડ લેખકની આવડતને પ્રતિબિંબિત કરે છે. ધૂમકેતુની  ‘જુમો ભિસ્તી’ ભણાવતાં અને ધોરણ ૪ના બાળકોમાં  ‘બીકણ સસલી’ પ્રેમને જોઈ એ પ્રતિબિંબ ચિત્તમાં પડઘાયું.
જુમો ભિસ્તી : એક એક વિધાન ભાષાને સાહિત્યની ઊંચાઈ આપે. પાડાનું ‘નમણું’ નામ પાડનાર ‘સાહિત્યપ્રેમી’ની જેમ! જુમો જયારે ‘મારો વે...’ એમ અધૂરું છોડે ત્યારે જુમાનું વેણુ સાથેનું જોડાણ, અન્ય વ્યક્તિઓની ની:સ્પૃહ્યતા અને એ અંગે જુમાની સમજ એમ બધું વ્યક્ત થઇ જાય. “શાંતિ એવી જ જળવાઈ રહી” એમ લખીને લેખક છેલ્લા ફકરામાં જુમાને ‘અશાંત’ પણ લેખે.
શિક્ષક તરીકે જે પડકાર તે એ કે આવી કૃતિનો પોતાના ચિત્તમાં જે પડઘો પડે એની ગુંજ વિદ્યાર્થીઓના ચિત્તમાં ગાજતી કરવી. આદર્શ પઠન સંવેદનોને પહોંચાડવા ઉપયોગી; ભાષાની બારીકાઈઓ ખોલવા ભાષા પ્રવૃત્તિઓ કામ લાગે. આવા પ્રશ્નો પૂછ્યા :
 -પાડાનું નામ કોણે પડ્યું હતું? તે કોણ હતો?(હિંદુ સાહિત્યરસિક મિત્ર)
-સાહિત્યરસિક, કલારસિક ...જેવા શબ્દોની યાદી બનાવીએ.
-અહીં લેખકે મિત્ર આગળ ‘હિંદુ’ વિશેષણ કેમ મુક્યું? એ ના મુક્યું હોત તો ના ચાલત?
-કયા વિધાન આધારે જુમાનો ધર્મ નક્કી કરી શકાય? જુમાના ધર્મ અંગે બીજે ક્યાય નિર્દેશ છે?
-કયા કયા વિધાનો પરથી જુમાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે?
-‘રંગ જોવાં’,’તડકો છાયડો’...આ શબ્દ જુથોને ના બદલે બીજા શબ્દો મૂકી વાક્ય બનાવો અને બોલો. કયું વાક્ય તમને વધુ ગમ્યું?કેમ?
-પહેલી પાંચ લીટીઓ વાંચો. એને ધ્યાને રાખી તમારા ગામ,ફળિયા અને ઘરનું ખુબ ટૂંકમાં વર્ણન લખો.
- સિગન્લ વાળાને ત્યાં બુમ પડતી વખતે જુમો ‘ઓ ભાઈ બહેન’ એમ કેમ બોલે છે? માત્ર ભાઈ કે બહેન કેમ નહી?
-“માણસનું છૈયું ય દેખાતું ન હતું.” આ વાક્ય વડે લેખક શું સૂચવવા માંગે છે?
બીકણ સસલી :
આ એકમની ભાષાની ઊંચાઈ અને ગિજુભાઈની સુક્ષ્મ દ્રષ્ટિ માટે માન થઇ આવે. ટૂંકા પદ્ય વાક્યો, અંત્યાનુપ્રાસ, લિંગ પરિવર્તન, જોડાક્ષરો, કાવ્યમય ફકરાનું પુનરાવર્તન, નવા શબ્દોનો પરિચય મૂકી દેવાની સિફત અને સૌથી ઉચ્ચ તો રસ જાળવી રાખવો !

Wednesday, July 4, 2012

ચિનગારીના તણખા

ધોરણ-૮, કાવ્ય પહેલું, એક જ દે ચિનગારી, પહેલાં ગાન વખતે કોઈ ને ના ગમ્યું! ‘રોદણા જેવું છે’, એમ સામુહિક અભિપ્રાય આવ્યો. પણ, મકરંદ દવેનું ધૂળિયે મારગ તરત ગમ્યું.
કેમ એમ?
ચિનગારીનું અર્થગ્રહણ સહજ-સરળ નથી. એમાં જે તણખાની વાત છે તે તણખાનો પરિચય તો છે પણ તે પ્રત્યક્ષ નથી. જયારે ધૂળિયા મારગની ઉપરવાળી બેંક પહોંચમાં લાગે છે અને રમુજ પમાડે છે. જો કે, બીજા ત્રીજા ગાન પછી, પરિચય વધવાને કારણે ચિનગારી ના તણખા રિસેશમાં ફૂટતા સંભળાયા.
ચિનગારીની ચર્ચા આમ શરુ થઇ :
આ ભટ્ટ કાકાને શું જોઈએ છે?
ચિનગારી
એટલે?
તણખો.
તે એટલા માટે આવડું બધું કાવ્ય શું કામ લલકાર્યું? દિવાસળીનું એક બાકસ ના ખરીદી લે !
ઓ બેન, એવો તણખો નઈ, આ તણખો જુદો છે?
એમ, કયો તણખો છે, બતાવો તો જરી?
એ કે’તા નથી આવડતું પણ આ તણખો દિવાસળી વાળો નથી.
વારું, આ ભાઈએ લોઢું ઘસવામાં સારી જિંદગી શું કામ બગાડી હશે?!
અરે, એમ નઈ, સારી એટલે આખી જિંદગી.
એમ?! સારું. તો પણ લોઢું ઘસવામાં શું કામ? .... પાછી એમની સઘડી નથી સળગતી, તે કેરોસીન નાખે,પેટ્રોલ રેડે, આમ કાવ્ય...? ... સુરજ અને ચાંદો સળગે કદી? શું આ હરીહરદાદા વાત કરતાં હશે?
હવે આ બેનને શું કહેવું?!...કામ કરવામાં જિંદગી ખર્ચી એમ કહે છે. સુરજ તો
...શિક્ષક ભોટ જેવાં પણ વિધાર્થીઓ ચકોર છે. એમની ચિનગારી પેટાયેલી છે.

Sunday, June 24, 2012

નવાજુની

આ વર્ષે અમારી શાળામાં આઠમું ધોરણ ઉમેરાયું અને સાથે પરિવારમાં ૩૫ સભ્યો પણ.
આ નવા સભ્યો આમ તો અમારા ગામના જ. પણ, મૂળ ગામથી થોડે દુર, ખેતરો વચ્ચે, નિતાંત કુદરતમાં જીવતાં પરા વિસ્તારમાંથી આવતા બાળકો.
ચિખોદ્રા અને પરા ભલે એક ગામ ગણાય, ચોખ્ખો ફર્ક દેખાય કેટલીક બાબતોમાં.
ગામડા અને શહેર જેવો ફર્ક છોકરીઓના વર્તનમાં પ્રગટે.
પરાની છોકરી પ્રમાણમાં ઉઘાડભર્યું વ્યક્તિત્વ,એવું ખુલ્લાપણું અમારી છોકરીઓમાં ઓછું.
એટલા સુક્ષ્મ ભેદ કે અહીં તે કેવી રીતે મુકવા એમાં મુંઝાઉં છું.
વારુ,
ગયે અઠવાડિયે જીગીષાની આગેવાની હેઠળ ‘જૂની’ વિધાર્થીનીઓએ ફરિયાદ કરી : આ ‘નવી’ છોકરીઓ વર્ગ-શાળાના કામમાં સહકાર આપતી નથી.
તમે શિખવાડો. એમના દોસ્ત બનો. ધીમેથી ભળશે તેઓ.
બધું કરી જોયું. તમે એમને ‘બોલો’ તો કઈ થાય.
શનિવારે ઉપરોક્ત વાત થઇ હતી. શિક્ષક સમજી ગયાં કે ‘જૂની’ વિધાર્થીનીઓ શિક્ષક પાસે શું ‘બોલાવવાની’ અપેક્ષા રાખી રહી છે.
સોમવારે ‘જુનીઓ’ એ યાદ દેવડાવ્યું :બેન, પેલું બોલવાનું હતું તે !
આમ ‘બોલવામાં’ આવ્યું.
સાતમા ધોરણમાં આ શાળામાં ભણી ના હોય તેવી છોકરીઓ આંગળી ઊંચી કરે.
આંગળીઓ ઊંચી થઇ.
હવે, મારે તમને કેટલાંક પ્રશ્નો પૂછવા છે. માત્ર તમારે જ જવાબ આપવાના. તમે કયા ગામમાંથી આવો છો?
ચિખોદ્રા. (શિક્ષકને જવાબમાં પરાના નામની અપેક્ષા હતી.તમામ વિધાર્થીઓએ ચિખોદ્રા જવાબ આપ્યો.)
તમારી શાળાનું નામ શું?
જલાનગર/ગમોટપુરા/લક્ષ્મીપુરા.
ફરીથી પૂછું છું : તમારી શાળાનું નામ શું? (આ તબક્કે ‘જૂની’ વિધાર્થીનીઓના હોંઠ મલક્યા. તેઓ શિક્ષકની ટેવથી વાકેફ હતાં )
ફરી એ જ જવાબ.
જો એ જ જવાબ હોય તો મેં પ્રશ્ન ફરી કેમ પૂછ્યો? તો, આપણા વર્ગમાં હું ફરી એ જ પ્રશ્ન પૂછું તેનો અર્થ એમ થાય કે જવાબ આપવામાં કઈક વધુ વિચાર કરવાની જરૂર છે. ચાલો, ત્રીજી વાર : તમારી શાળાનું નામ શું?
તે વિદ્યાર્થીનીઓ આ રીતે ટેવાયેલી નહોતી. છતાં, એક છોકરીએ જવાબ આપ્યો : ચિખોદ્રા.
શિક્ષકે સ્પષ્ટીકરણ કર્યું કે ‘હાલ’ તેમની શાળાનું નામ શું એમ તેઓ પૂછી રહ્યાં છે.
તમને આ શાળામાં ફાવે છે? કોઈ મુશ્કેલી? ફરિયાદ?
ફાવે છે.(સ્મિત સાથે.)
તો, મને એમ કેમ લાગે છે કે તમને નથી ફાવતું?
...
આ શાળા તમારી પણ ખરી કે નહી?
હા.
પણ, તમારા વર્તનમાં તો એવું જણાતું નથી !
...
તમારા વર્તનમાં એવું શું ઉમેરાય કે જેથી અમને શિક્ષકોને લાગે કે આ શાળા તમારી અને તમે આ શાળાના છે?
આ ક્ષણે જે સ્મિત ફરક્યું એણે શિક્ષકને તો કહી દીધું કે મેળવણે દહીં જમાવવા માંડ્યું છે. પણ, એ મેળવણી વર્તનોમાં બોલકી રીતે વ્યક્ત થાય એ પણ જરૂરી છે.
તો, તમેં મને તમારા વર્તનથી જતાવો કે આ શાળા તમારી છે. એ માટે તમારે જે કઈ જાણવું હશે તે આ છોકરીઓ પાસેથી જાણો. તમારી જૂની શાળાની અમને વાતો કરો.
‘જુનીઓ’ થોડી નિરાશ તો થઇ પણ એમને ખબર છે કે એમના શિક્ષક આવા જ રસ્તા અપનાવશે. એટલે, જોડાઈ ગઈ ‘નવીઓ’ ને માર્ગદર્શન આપવામાં.

Monday, May 7, 2012

આગ

@સાતમાની સાનિયા એ પુરા ગાંભીર્યથી પૂછ્યું : તમને ખબર છે, તારા કેવી રીતે બને?
બ્રહ્માંડ અંગેની ચપટીક માહિતીથી ખદબદતા શિક્ષકના મગજે ઉથલો માર્યો કે હહ્, ખબર જ્ હોય ને ! પણ, ત્યાં મિત્રતાનો અંશ સળવળી બોલ્યો, પહેલાં એની વાત સાંભળ પછી તારી ટકટક કર. એટલે શિક્ષકે પૂછ્યું , કેવી રીતે બને તારા?
સાબુના ફીણમાંથી ! એના અવાજનો રણકાર કહેતો હતો કે એ માહિતીની એને કેટલી ખાતરી છે.
હમ્મ, તને કઈ રીતે ખબર પડી?
નહાવા બેસીએને ત્યારે સાબુનું ફીણ થાયને એમાં પ્રકાશ ચમકતો હોય. પછી એ પરપોટા ફૂટે ત્યારે એમાંથી તારા બની જાય!
પરપોટા ફૂટે એમાંથી તારા બને અને પરપોટાનો પ્રકાશ એ પ્રક્રિયામાં ભૂમિકા ભજવે.-આ વિગત ભૌતિકશાસ્ત્ર મુજબ પણ ખરી જ્ છે ને !


 ત્રીજાની ઈવા એ રાતના તપનું જોયું ને પૂછ્યું : તાપણાં વડે અજવાળું કેમ આવે?શો જવાબ આપવો એ ના સુઝ્યું એટલે વળતો પ્રશ્ન : મને ખબર નથી, તુ જ્ કહે ને !
તાપણામાં સુરજ પેસી ગયો હોય !
એમ?
હા, જો ને, સુરજ પણ અજવાળું આપે છે ને સવારે.
બીલકુલ.