Friday, December 30, 2011

સંવેદનશીલ એકમ

ધોરણ ૭- વિજ્ઞાનમાં ' પ્રજનનતંત્ર ' એકમ સુગાળવો અને સંવેદનશીલ ગણાય છે. આ એકમ ભણાવવો એ શિક્ષક માટે પણ પડકારરૂપ બાબત માનવામાં આવે છે. આ વિગત જીવનની ઘટમાળનો એક અગત્યનો હિસ્સો છે, મનુષ્ય પોતે સૃષ્ટિના ચક્રમાં અન્ય તત્વો જેવો પરંતુ અસરકારક ભાગ છે એવો સંદેશ ઉછરતી પેઢીને સ્વસ્થતાથી કઈ રીતે પહોંચાડવો?

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 'પુષ્પ' અંગે પણ એકમ હોય જ છે. અમે પુષ્પ અને માનવ પ્રજનનતંત્ર એકમની સરખામણી કરીએ. બંને એકમમાં કયા શબ્દો સરખા છે ત્યાંથી શરુ કરી એક પ્રકારનું કામ કરતાં પુષ્પના અંગો અને માનવ અંગો શોધવા તરફ જઈ પુષ્પ અને માનવજીવનની  સરખી ક્રિયાઓ તારવીએ. વિદ્યાર્થીઓ જૂથમાં બેસી આ સમાનતા શોધે જે અંતે બોર્ડ પર નોંધાય. શિક્ષકની ભૂમિકા સુચક તરીકેની,  વિગતદોષના થાય તે જોવાની. છેલ્લે ચર્ચા થાય, આ સરખામણીથી આપણે શું શીખ્યા? જવાબમાં શરત એ કે એકમના શબ્દોનો ઉપયોગ કરવાનો નહિ.  મોટાભાગે આવા જવાબ મળે - માણસ અને ફૂલના જીવનની અમુક ક્રિયાઓ સરખી હોય છે. પુષ્પમાંથી ફળ બને કે બીજ બને એમ માણસમાં બાળક બને. 

Tuesday, December 27, 2011

ફળદ્રુપતા

'ગુજરાત ફળદ્રુપ જનની છે. એણે વિવિધ ક્ષેત્રોમાં ભડવીરો આપ્યા છે.' આ વિધાન આજે વર્ગમાં ચમક્યું અને પ્રશ્ન ઉઠયો, 'ફળદ્રુપ' એટલે?
'જમીન હોય.'
???
 ક્રિષ્ના ઉવાચ:, 'જે ખુબ ફળ પેદા કરી શકે તે.'
'ફળ' એટલે? વર્ગને જુદે જુદે ખૂણેથી અવાજ રણક્યા, જામ'ફળ', સીતા'ફળ'...અને સફરજન,મોસંબી,બોર...
તો પછી આ વાક્યમાં 'ભડવીર આપ્યા છે' એમ કેમ, 'ફળ આપ્યા છે' એમ કેમ નહિ?
 હમમમ...
ફરીથી. 'ફળ' એટલે?
જવાબમાં હીરલે પૂછ્યું, ''આમાં 'સફળ' શબ્દ...?'
ચાલો, 'સફળ' એટલે?
જીગીષા: 'એ તો સેલ્લું. સ્ વત્તા ફળ.'
બરાબર. પણ 'એટલે?'
' એટલેકે ફળ સાથેનું.'
અમે ફરી ઠેર ના ઠેર.    'ફળ' એટલે?
 'એટલે કશાક કામનું ફળ.'
 ઠીક. 'પરીક્ષામાં સફળ ' એટલે?
'એટલે આખા વર્ષની મહેનતનું પરિણામ.'
સરસ. પણ આ વાક્યમાં 'ભડવીરો આપ્યા છે ... એમ કેમ?
"'ભડ' એટલે?"
તમે 'ભડનો દીકરો' એવા શબ્દો સાંભળ્યા છે?
'હાસ્તો !' (આ શબ્દના નકારાત્મક રૂપના પ્રયોગો પણ તેમણે સાંભળેલા હતા.)
તો ભડ + વીર એટલે?
'એટલે જોરદાર માણસ.'
બરાબર. હવે ફરીથી. 'ફળદ્રુપ જનની' અને 'ભડવીર' એક વાક્યમાં કેમ?
'ખબર નઈ !'
જનની...
.'માતા,માતા. ખબર છે.'
ભડવીર આપે તેવી જનની??
'એટલે જોરદાર દીકરાની મા ? !'
એકદમ. હવે, 'ફળદ્રુપ?'
'        '
આખું વાક્ય જોઈએ. ' ગુજરાત ફળદ્રુપ જનની છે, એણે વિવિધ ક્ષેત્રોમાં ભડવીરો આપ્યા છે.'
'      '
'ગુજરાત' એટલે? નકશામાં દેખાય છે તે? જમીન? કે....?
'જમીન તો ખરી જ પણ...'
આપણે ગુજરાતનો ભાગ કહેવાઈએ?
'હાસ્તો !"
એટલેકે ગુજરાતના લોકો પણ ગુજરાત કહેવાય?
'હા, હા.'
આપણા વાક્યનો અર્થ...
'એટલેકે ગુજરાતના લોકોમાં જોરદાર માણસો થયા છે.'
Perfect ! પણ, અહીં પાછુ 'વિવિધ ક્ષેત્રોમાં' એમ પણ કહ્યું છે.
...
..
.





Friday, December 23, 2011

ખીલવા ભણી...

નિરાલી(ધોરણ-૭) એવી છોકરી છે જે પોતાની નિરાળાપ અંગે સભાન છે. એનો અવાજ થોડો ઘૂંટાયેલો,થોડો ઘેરાયેલો અને પ્રમાણમાં ધીમો છે. એને પોતાનો અવાજ ગમે છે. એ હળવેથી ખુલી રહી છે અને એ અંગે પણ સભાન છે. એની જ્ઞાનતૃષા કુવા,તળાવ અને દરિયા શોધી કાઢે છે. પોતાના મર્યાદિત વાતાવરણમાંથી એ આપમેળે અંગ્રેજીના નવા શબ્દો શોધી લાવે છે, જુના વર્તમાનપત્રો માંથી રસપ્રદ વિગતો ખોળી કાઢે છે અને અહીં ફોટામાં મુક્યું છે એવું સર્જે પણ છે.





Wednesday, December 21, 2011

પ્રશ્નો : ઉત્તરિત અને અનુત્તરિત

સરખામણી કરવી અને તફાવત પારખવા એ ખુબ ઉપયોગી શૈક્ષણિક પ્રક્રિયાઓ છે. વિવેચનાત્મક ચિંતનની શરૂઆત આ બે પગથીયેથી થાય. સ્મૃતિના સાધનો તરીકે પણ આ બે પ્રક્રિયા ઉપયોગી. 'તે એકદમ ઐશ્વર્યા જેવી દેખાય; ખાલી રંગે જરાક બિપાશા જેવી અને આંખ રામેશ્વરી જેવી.' - આપણે કોઈ વ્યક્તિને આવી રીતે યાદ રાખતા હોઈએ છીએ અથવા યાદ કરતા-કરાવતા હોઈએ છીએ.
આજે ધોરણ ૬ અને ૭ને  સળગતો પ્રશ્ન હતો -આ ચીજ રેતી છે કે મણકા કે બીજું કઈ?
વર્ગના તમામના હાથમાંથી એ 'ચીજ' પસાર કરાવવામાં આવી. એ એટલી જીણી હતી કે બીજાના હાથમાં એને સોપવા હથેળીમાંથી આંગળી વડે એને ખસેડવી પડતી.
હવે ચર્ચા :
 સ્પર્શ કેવો હતો? 
લીસો.
રેતી કેવી હોય?
કરકરી.
દેખાવ?
રંગ રેતી જેવો ખરો પણ રેતી આવી ચળકે નહિ.

ચલો, બિલોરી કાચ વડે જોઈએ.
કેટલાક દાણામાં તો કાણા પણ દેખાયા.

એટલેકે, આ 'ચીજ' રેતી નથી પણ પ્લાસ્ટિકના મણકા છે.

નીચેના પ્રશ્નો ઉઠ્યા પણ એના જવાબો ટાળ્યા- વિસ્મયને ટકાવી રાખવા.  (અને પાઠ્યક્રમ તરફ આગળ ધપવા.)
આટલા ઝીણા?
કેવી રીતે બનાવ્યાં હશે?
આવા મણકામાં દોરો કેવી રીતે પોરાવાય?

અને અમે એમ પણ શીખ્યા કે ઇન્દ્રિયોનો ઉપયોગ શું.


મમ્મીઓ આટલી હોંશિયાર કેમ ?!

વાત જાણે એમ કે બુધવારે યુનિફોર્મ ના હોય અને રંગીન વસ્ત્રો પહેરવાની 'છૂટ' હોય એટલે મન મોર બની થનગાટ કરે ! પણ, એમાં મમ્મી નામનું આંગણું વાંકુ ઉતરે. મમ્મી નવો ડ્રેસ પહેરવા ના દે. આજે વિદ્યાર્થીઓએ આ કથા માંડી'તી.
બાત નીકલી એટલે દુર તલક તો જાય જ ને !(જગજિતસિંહ ખોટું થોડું ગાય?) અને એટલે પહોંચી કે વાળની લટ જરાક ફરકી કે મમ્મીને ખબર પડી જાય. ગમે તેટલું જાળવીને જુઠ બોલીએ, મમ્મી પકડી પાડે. કશું કહીએ નઈ તોય મમ્મીને વાતની ખબર પડી જાય. આવું તો કઈ રીતે થાય?!
'મારી મમ્મી તો બઉ જ ચાલક/જબરી/હોશિયાર' એવા વિશેષણો વર્ગમાં ફૂટવા માંડ્યા. છોકરીઓની નવાઈ ખુટતી જ નહોતી કે મમ્મીઓ ને બધી જ વાતની ખબર કેવી રીતે પડી જતી હશે?

એક મેઈલમાં વાંચેલી વાત મુકું. આ બ્લોગ વયસ્કો વાંચે છે એટલે અને મમ્મીઓ કેટલી એડવાન્સ હોય  છે એ વિગત વહેંચવા માટે.
એન્જીનીઅર થયેલો દીકરો બીજા રાજ્યમાં નોકરીએ લાગ્યો. છએક મહિના પછી ગીજ્જું મમ્મી દીકરાની ખબર કાઢવા ગઈ. મમ્મીને ખ્યાલ આવ્યો કે દીકરાને એક 'ખાસ' બેનપણી છે. પૂછ્યું તો જવાબ,' We are just good friends.' મમ્મી તો અઠવાડિયું રહી, દીકરાના ફ્લેટને ગોઠવી કરીને ગુજરાત પાછી ફરી. પાછા આવ્યાને અઠવાડિયા પછી મમ્મી એ ફોન પર પૂછ્યું, ' ચટણી કેવી લાગી.?' દીકરાએ કહ્યું, 'અરે ખુબ ટેસ્ટી. પણ , ચટણી ફ્રીઝમાં છે એવી ચિઠ્ઠી મારાં ઓશિકા નીચે કેમ મૂકી?'  માં કહે, 'તારી ખાસ બેનપણી પણ એ ચાખી શકે એટલા માટે.' (કેમકે, ગુજેશ કદી ઓશિકા નીચે જુવે નહિ, પણ બેનપણી જો  'ખાસ' હોય તો તેણી ઓશિકા નીચે જરૂર જુએ.)


Friday, December 16, 2011

સફેદ જુઠ

ગઈકાલે ધોરણ ૫ની જિગીષા એના વર્ગશિક્ષક પાસે રજા લેવા ગઈ. કારણમાં એણે કહ્યું કે એના મમ્મી-પપ્પાની લગ્ન એનીવર્સરી ઉજવવાની છે એટલે. નીરુબેને રજા તો આપી, પણ એમને નવાઈ લાગી એનીવર્સરી ઉજવણીની વાતની. આપણે જાણીએ જ છીએ કે જ્યાં લગ્ન સાત સાત જન્મોનું જોડાણ મનાતું હોય ત્યાં કઈ એનીવર્સરીઓ ના ઉજવાય. અને એમાંય જે પરિવેશમાંથી અમારા વિદ્યાર્થીઓ આવે છે ,આ વિચાર જ ના હોય કોઈ ના મનમાં. એટલે આજે જિગીષા આવી ત્યારે નીરુબેને એને વિગતો પૂછી. એણે જણાવ્યું કે તેઓ આખો પરિવાર સ્પેશિઅલ રિક્ષા કરી ફિલ્મ જોવા ગયા હતા. આણંદ લક્ષ્મી ટોકીઝમાં ૩ થી ૬ના શોમાં  'બોડી ગાર્ડ' ફિલ્મ જોઈ , મેંગો જ્યુસ પીધો,ખમણ ખાધા અને પછી ઘેર આવ્યા. પપ્પાએ મમ્મીને સોનાનું મંગલસુત્ર આપ્યું અને મમ્મીએ પપ્પાને ઘડિયાળ આપી.
સોનાનું મંગલસુત્ર અને ૩ થી ૬નો ફિલ્મ શો. સ્પષ્ટ હતું કે આ દીકરી જુઠું બોલી રહી હતી.
કેમ?
એને રજા જોઈતી હતી એતો સ્પષ્ટ કારણ. પણ એનીવર્સરીની વાર્તા ઘડી કાઢવાનું કારણ શું હોઈ શકે?.
કદાચ એણે કોઈ ફિલ્મ કે સિરીઅલમાં આવી વાતો જોઈ-સાંભળી હશે. એના મનમાં આવી ઉજવણીની ઈચ્છાઓ પનપી હશે.વાસ્તવિક જીવનમાં તો એ શક્ય નથી. એણે કલ્પનાઓના રંગ પૂરીને મમ્મી-પપ્પાના પ્રેમનું આ સ્વરૂપ અને ભાઈ-બહેનો સાથે આનંદનો એક કાલ્પનિક વિકલ્પ ઘડી કાઢ્યો હશે.

આ કલ્પનાને જુઠ કેમ કહેવી?
આ સફેદ જુઠની શુભ્રતા કોઈ સત્ય કરતાં ઓછી ખરી?
એ દીકરીને જુઠ્ઠી ગણી એના આનંદને શા માટે પીંખવો !

શું કહો છો?


અખતરો...

શારીરિક શિક્ષણમાં 'અવાજના પ્રદુષણ' અંગે ચર્ચા જામી હતી. વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે અવાજ આટલો બધો નુકસાનકારક હોઈ શકે ! રીમ્પલ કહે, 'હવે અમે ઓછો અવાજ કરીશું. ક્યાંક તમારું બ્લડ પ્રેશર વધે અને તમને હાર્ટ એટેક આવે અને તમે મરી જાઓ તો અમને ભણાવે કોણ?'
વારુ, અમારી ચર્ચા તો જામશે આગળ. પણ, આ અનુસંધાને મને એક વાર્તા વહેંચવાનું મન થયું. માણો.

જુના સમયની વાત છે. વર્ગના બાળકોને શાંત કરવાના તમામ ઉપાયો અજમાવી ચુકેલ શિક્ષક નિરાશ થઇ ગયા. એક દિ છેલ્લા તાસમાં માથું પકડી બેસી ગયા. કહે,' તમારા અવાજની હવે તો એવી અસર થઇ છે કે જો વર્ગમાં શાંતિ સ્થપાય તો આશ્ચર્યથી મને હાર્ટ એટેક આવી જાય.'

બીજે દિ શિક્ષકે વર્ગમાં પગ મુક્યો તો વર્ગમા નિરવતા સ્થપાયેલી હતી. ખુબ ખુબ પૂછ્યા પછી શિક્ષકના માનીતા વિદ્યાર્થીએ કહ્યું, ' તમે ગઈ કાલે કહેલી વાત અમે પ્રાયોગિક અખતરો કરી ચકાસતા હતા.'

અહીં કમલ હસનનું ક્લાસિક 'પુષ્પક ' યાદ આવે. જોયું છે ને ?!

Tuesday, December 13, 2011

પણ ડેબોરાહ તો...

આ સત્રની શરૂઆતે વર્ગમાં  પુનરાવર્તન ચાલી રહ્યું હતું. ધોરણ ૭માં ઇતિહાસના તમામ એકમોનું વિહંગાવલોકન કરવા અગત્યની ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતીકેન્દ્રી પ્રશ્નોત્તર થયા. વાત કોન્સ્ટેટીનોપલ પર આવી અને તેના સ્થાનિક મહત્વ સમજવા નકશો ખોલી અમે ચર્ચા કરી. આ દરમ્યાન , શિક્ષક ક્યારેક બ્રિટન,ક્યારેક ઇંગ્લેન્ડ તો ક્યારેક યુ.કે એમ બોલતા રહ્યા જેથી એ એક જ દેશના નામ છે એમ દ્રઢ થાય. અચાનક ક્રિષ્નાએ પૂછ્યું, ' બેન, અંગેજો એટલે જ બ્રિટીશ?' 'હા.'  'તો ડેબોરાહ અંગ્રેજ છે?' 'હા.' 'પણ, એ તો સારી છે?' 
ઇતિહાસશિક્ષક આ તક જવા દે? કેમકે , આવા પ્રશ્નો અને એના જવાબો પામવાની મથામણ જ તો શિક્ષણ છે.
અમે નવેસરથી પાઠ્યપુસ્તકમાં આવતી મુખ્ય ઘટનાઓ નોંધી. યાદી બનાવી કે આ ઘટનામાં અંગ્રેજોની ભૂમિકા 'સારી' કહેવાય કે 'ખરાબ' અને કેમ એ સારું કહેવાય અને કેમ ખરાબ. એ પરથી સારું અને ખરાબ કોને કહેવું એ ચર્ચા કરી. તે પછીના તાસમાં ક્રાંતિવીરોનો એકમ લીધો. દરેક જૂથ એક ક્રાંતિકારીની વિગત વાંચે અને એને કરેલ કામ સારું કહેવાય કે ખરાબ એની વર્ગમાં રજૂઆત કરે. કેટલાકને લાગ્યું કે આવા તોફાનો બિનજરૂરી હતા તો કેટલાકના મત મુજબ તો આથી પણ વધારે તોડફોડ અને હિંસાત્મક પગલાં લેવા જોઈતાં હતા. એ ક્રાંતિકારીઓના પગલા અને અત્યારે તોડફોડ કરતાં દેખાવ્કારોમાં શું તફાવત, અત્યારના દેખાવકારોની તોડફોડ વાજબી ગણવી કે નહિ એમ ચર્ચા કરી. એક સુરે સૌ સહમત થયા કે અત્યારે તો આવી તોડફોડ કોઈ રીતે વાજબી ના ગણાય. તો કોઈ પગલું કેટલું વાજબી છે એ નક્કી કરવામાં એ ક્યારે અને કેમ થયું એ સંદર્ભો જરૂરી ખરા કે કેમ એમ ચર્ચા થઇ.
સહાયકારી યોજનામાં તે સમયના રાજાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી. કોઈ પોતાના સ્વાર્થ માટે આપણને  છેતરી રહ્યું છે એમ ના સમજે તેને સારો રાજા ગણવો કે નબળો? સારા રાજાના લક્ષણો કયા? આ પ્રશ્નો ચર્ચાયા અને ઉત્તરો પાટિયે  નોંધાયા.
આપણી શાળાની એક સારી વ્યક્તિ અને એક તમને ના ગમતી વ્યક્તિનું નામ તમારી નોટમાં લખો, કોઈને બતાવવું નહિ. જે વ્યક્તિ નબળી લાગી તેના સારા લક્ષણો કહો. શું લાગે છે? દરેક જગ્યાએ સારા-નબળા માણસો હોય. દરેક માણસમાં કઈક સારું તો કઈક નબળાઈ હોય. થોડાક માણસોને લીધે કન્યાશાળા કે ચિખોદ્રા ખરાબ છે એમ કહેવાય?
'ડેબોરાહ સારી છે.' આ વિધાનમાંથી 'પણ' અને 'તો' નીકળી ગયેલા જોવાનું ગમ્યું, ઇતિહાસ શિક્ષકને .

મીઠો મૂંઝારો

અમારા વિદ્યાર્થીઓમાં નાસ્તાના પડીકાની બે વેરાઈટી પ્રસિદ્ધ છે. એ નાસ્તો હલકી ગુણવત્તાવાળો આવે છે. પણ, બે-પાંચ રૂપિયાના એ પડીકા વિદ્યાર્થીઓને પોસાય એટલે... શિક્ષકગણ તરફથી અવારનવાર આવા પડીકાંને બદલે સીંગ-ચણા કે જામફળ-શિંગોડા જેવા ઋતુજન્ય ફળો ખરીદવાની સલાહ અપાય, એના આરોગ્યલક્ષી ફાયદા અને પડીકાઓના ગેરફાયદા રજુ કરાય. પ્લાસ્ટિક પ્રદુષણ તો ખરું જ. પણ, પડીકાંના આકર્ષણના ય ઘણા કારણો છે.
ખેર, એક સવારે પ્રાર્થના સંમેલનમાં આચાર્યશ્રી કમલાબેનએ આ વિગતો ફરી ફરી દોહરાવી અને જરા કડક અવાજ પણ કર્યો. એ જ દિવસે રીસેસમાં ધોરણ ૨ની કિંજલ કમલાબેનને  હાથ ખેચી કાર્યાલયની બહાર લઇ ગઈ અને પછી, એક પડીકું ધર્યું. 'આમાંથી મારો નાસ્તો કરો !' કિંજલના પ્રેમાગ્રહ આગળ બેન વિવશ. એ સમયે કિંજલને કયા ફાયદા-ગેરફાયદા યાદ દેવડાવવા? !


એ રમતો હજી જીવે છે.

સંસ્કૃતિક અને સમાજિક પરિવેશ જે ઝડપે બદલાઇ રહ્યા છે, જુનું કઈક બચેલું જોવા મળે તો આપણી જૂની જાતને 'હાશ, બચી ગયા !' એવો આનંદ થાય. બાળકોની રમતોમાં હવે જાતભાતના પ્લાસ્ટીકના રમકડાં ઉમેરાઈ ગયા છે. સાધન સંપન્ન પરિવારોના બાળકો પાસે મીકેનીકલ અને ટેકનીકલ રમકડાં આવી ગયાં છે. સાધન વગરની રમતોમાં મારામારીનું પ્રમાણ વધી ગયેલું જણાય છે. અને રમતનો વારો તો ત્યારે આવે ને કે બાળક શાળા-ટ્યુશન અને ટી.વી.માંથી નવરું પડે ! જો કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં રીસેસમાં બાળકોને સાધનો વગર રમતાં જોવા અનેરો લહાવો છે.
ગત ૩૦મી એ , આખર તારીખે, કેટલાક વિદ્યાર્થીઓને સૂચવ્યું કે શાળામાં રહીને રમવું હોય તો રોકવ. આંગળીને વેઢે ગણાય એટલી કન્યાઓ રોકાઈ. અમે વહીવટી કામ કરી રહ્યા હતા. થોડા સમય પછી વિચાર આવ્યો કે જોઈએ તો ખરા, છોકરીઓ શું રમે છે? જોયું તો ઘરગત્તા રમાઈ રહ્યું હતું. મેદાનના જુદે જુદે ખૂણે ત્રણ ઘર બનેલાં. એક વાત તો ગમી જ ગઈ કે છોકરીઓ ઘરગત્તા રમે છે. પણ, જે દીલ ને બાગ બાગ કરી ગયું એ આ રમતના સાધનો. નળિયાના ટુકડા, અરીસાના કાચ, બાટલીના કાચ, જાતભાતના ઢાંકણ, પાંદડા ભગવાનની છબી. આ બધું એમણે રસ્તામાંથી શોધી કાઢેલું. આ 'કચરા'ને એમણે ઘરના અમુક-તમુક સાધન તરીકે જોયું હતું, એ કલ્પનાઓ સુંદર હતી. અમે પણ એ ઘરોમાં મહેમાન થઇ ચા પીવા જવાનું ઠેરવ્યું. હવે એવડી મોટી તપેલી ક્યાંથી લાવવી? એક કન્યા કહે, 'હું બઝારમાં આંટો મારી આવું. કઈક તો એવું મળી જ જશે જેણે મોટી તપેલી કહી શકાય.'
એ ચા અત્યંત સ્વાદિષ્ટ હતી !
 માનવ મન ઉત્ક્રાંત થતું ગયું એમ એણે પોતાના પરિવેશની ચીજોનું,પોતાની ઊર્મિઓનું નામકરણ કરવું શરુ કર્યું. એ જૂની ચિત્તવૃત્તિના  બીજ આમ જનીનોમાં સચવાયેલા જોવા અને સાથે સાથે નવા નામકરણની સર્જનાત્મકતા,કલ્પનાશીલતા જોવી...શિક્ષકને તો મજ્જો મજ્જો જ થઇ જાય કે !

Monday, December 12, 2011

શરીર સ્વાસ્થ્ય માટેના જોડકણાં



ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે
 , તે ઘરડા પણ થાય જવાન.

રોટલાકઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,
મૂળોમોગરી
ગાજર ને બોરજે ખાય રાતે તે રહે  રાજી.

હિંગમરચું અને આમલી
સોપારી અને તેલ,
શોખ હોય તો પણસ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ 
રસ ને મધ મેળવીચાટે જો પરમ ચતુર,
શ્વાસ
શરદીઅને વેદનાભાગે તેના જરૂર.

ખાંડમીઠું
 અને સોડા ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં  વિવેકબુદ્ધિથી  વપરાય.

ફણગાવેલા કઠોળ જે 
ખાયતે લાંબોપોહળો અને તગડો થાય
દૂધ-સાકરએલચીવરીયાળી અને દ્રાક્ષ ગાનારા સૌ
 ખાય

લીંબુ કહેહું ગોળ ગોળભલે રસ છે મારો ખાટો,
સેવન 
કરો જો મારું તોપિત્ત ને મારું હું લાતો.

ચણો કહેહું ખરબચડોપીળો પીળો રંગ જણાય,
ચણા
 દાળ ને ગોળ જે ખાયતે ઘોડા જેવો થાય.

મગ કહેહું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો 
માણસ ઉઠાડું માંદુ

કારેલું કહેકડવોકડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારોડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહેમારામાં
 ગુણ એક પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહેમારામાં અવગુણ એક નહીંપણ ગુણ 
છે પુરા વીસ

ઉનાળો જોગીનોશિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહેદર્દ નામ કદી  
લે  જોગીનું