Monday, August 13, 2012

પાયલની પરંપરા રણકે છે

થોડા સમય પહેલાં જીગીષાએ કહ્યું : છોકરી પાંચમામાં આવતાં જ રંગોળી શીખી જાય , નઈ બેન?! કોઈ શીખવે કે ના શીખવે.
એના સામાન્યીકરણ પાછળ ત્રણ વર્ષથી ચાલતી ઘટના છે.
પાયલ એ ઘટનાનું પ્રમુખ પાત્ર.
પાયલ સર્જનશીલ છોકરી. ચિત્ર ખુબ સરસ દોરે અને આગવી સૌન્દર્ય સુઝ.
એમ તો એ ચોથા ધોરણમાં પણ પોતાના વર્ગમાં રંગોળી બનાવતી જ , પાંચમાંમાં એનો રંગ આખી શાળાને અડ્યો.
પાંચમાં ધોરણના તે સમયના શિક્ષક રેણુકાબેનના પ્રોત્સાહનને કારણે પાયલ ખીલી અને શાળા મહેંકી.
રંગોળી હરીફાઈ જેવી (પણ તંદુરસ્ત હો !) ચડસાચડસી બધાં વર્ગોની છોકરીઓમાં થવા લાગી.
વર્ગ સફાઈનો વારો હોય એ ટુકડી જ રંગોળી કરે એટલે લગભગ દરેક છોકરીનો વારો આવે અને એમાં કેટલીક છોકરીઓમાં સંતાયેલું સૌન્દર્ય હીર ઝળક્યું.
રંગોળી તો અગાઉ પણ થતી પણ એમાં વૈવિધ્ય ઉમેરાયું.
ભાત,સામગ્રીમાં રોજ નવીનતા આવતી ગઈ.
અને હા, તમામ સામગ્રી બિનખર્ચાળ.
જુદાં જુદાં રંગની માટી-ઝીણા કપડાં વળે ચાળીને, રાખ, કોલસા અને ઈંટને ઘસી એના રંગ,વળી તે ચીજો ભેગાં કરી બનાવેલા નવા રંગ, લાદીના ટુકડા, પોતાના ડ્રેસમાંથી નીકળી ગયેલી લેસ,ટીલડી અને એવું બધું, બટન, જુના સેટ,બુટ્ટી...
વયસ્કોને મન જે નકામું હોય તે તમામ અહીં સુંદરતામાં ઉમેરો કરતુ હતું.
પહેલી રીશેશમાં બધાં વર્ગોની રંગોળીઓ પરસ્પર ‘જોવાઈ જાય ‘ અને પછી એના ઉપર સૌન્દર્યચર્ચા ચાલતી રહે, બીજા દિવસ સુધી.
‘આ’ને રંગોળી કહેવાય કે ચિત્ર?  એ અંગે ખ્યાલો બનતા ગયાં.
સંજોગોવશાત પાયલ તો બીજે ગામ, બીજી શાળામાં ગઈ છે, પણ પોતાની પાછળ સુંદર પરંપરાનો રણકાર મુકતી ગઈ.
આશા કે એની નવી શાળામાં પણ તેને રણકવાની, રણકાવવાની તક મળતી હશે.











1 comment:

  1. એક કન્યાશાળાનાં શિક્ષિકા પોતાની શાળાને માટે ખાસ બ્લોગ બનાવે એ ખુબ જ અભિનંદનીય બાબત છે. આવાં સમર્પિત ગુરુજનો પાસે ભણતી કન્યાઓ કેટલું મોટું ભાથું લઈ ને બહાર નીકળતી હશે! તક મળ્યે મુલાકાત લેવાની ઈચ્છા થઈ જાય એવી તમારી પ્રવૃત્તિઓની વખતોવખત જાણ થતી રહે છે.

    ReplyDelete