Wednesday, July 25, 2012

ધૂમકેતુ

કાળને અતિક્રમી શકવાની લખાણની ત્રેવડ લેખકની આવડતને પ્રતિબિંબિત કરે છે. ધૂમકેતુની  ‘જુમો ભિસ્તી’ ભણાવતાં અને ધોરણ ૪ના બાળકોમાં  ‘બીકણ સસલી’ પ્રેમને જોઈ એ પ્રતિબિંબ ચિત્તમાં પડઘાયું.
જુમો ભિસ્તી : એક એક વિધાન ભાષાને સાહિત્યની ઊંચાઈ આપે. પાડાનું ‘નમણું’ નામ પાડનાર ‘સાહિત્યપ્રેમી’ની જેમ! જુમો જયારે ‘મારો વે...’ એમ અધૂરું છોડે ત્યારે જુમાનું વેણુ સાથેનું જોડાણ, અન્ય વ્યક્તિઓની ની:સ્પૃહ્યતા અને એ અંગે જુમાની સમજ એમ બધું વ્યક્ત થઇ જાય. “શાંતિ એવી જ જળવાઈ રહી” એમ લખીને લેખક છેલ્લા ફકરામાં જુમાને ‘અશાંત’ પણ લેખે.
શિક્ષક તરીકે જે પડકાર તે એ કે આવી કૃતિનો પોતાના ચિત્તમાં જે પડઘો પડે એની ગુંજ વિદ્યાર્થીઓના ચિત્તમાં ગાજતી કરવી. આદર્શ પઠન સંવેદનોને પહોંચાડવા ઉપયોગી; ભાષાની બારીકાઈઓ ખોલવા ભાષા પ્રવૃત્તિઓ કામ લાગે. આવા પ્રશ્નો પૂછ્યા :
 -પાડાનું નામ કોણે પડ્યું હતું? તે કોણ હતો?(હિંદુ સાહિત્યરસિક મિત્ર)
-સાહિત્યરસિક, કલારસિક ...જેવા શબ્દોની યાદી બનાવીએ.
-અહીં લેખકે મિત્ર આગળ ‘હિંદુ’ વિશેષણ કેમ મુક્યું? એ ના મુક્યું હોત તો ના ચાલત?
-કયા વિધાન આધારે જુમાનો ધર્મ નક્કી કરી શકાય? જુમાના ધર્મ અંગે બીજે ક્યાય નિર્દેશ છે?
-કયા કયા વિધાનો પરથી જુમાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે?
-‘રંગ જોવાં’,’તડકો છાયડો’...આ શબ્દ જુથોને ના બદલે બીજા શબ્દો મૂકી વાક્ય બનાવો અને બોલો. કયું વાક્ય તમને વધુ ગમ્યું?કેમ?
-પહેલી પાંચ લીટીઓ વાંચો. એને ધ્યાને રાખી તમારા ગામ,ફળિયા અને ઘરનું ખુબ ટૂંકમાં વર્ણન લખો.
- સિગન્લ વાળાને ત્યાં બુમ પડતી વખતે જુમો ‘ઓ ભાઈ બહેન’ એમ કેમ બોલે છે? માત્ર ભાઈ કે બહેન કેમ નહી?
-“માણસનું છૈયું ય દેખાતું ન હતું.” આ વાક્ય વડે લેખક શું સૂચવવા માંગે છે?
બીકણ સસલી :
આ એકમની ભાષાની ઊંચાઈ અને ગિજુભાઈની સુક્ષ્મ દ્રષ્ટિ માટે માન થઇ આવે. ટૂંકા પદ્ય વાક્યો, અંત્યાનુપ્રાસ, લિંગ પરિવર્તન, જોડાક્ષરો, કાવ્યમય ફકરાનું પુનરાવર્તન, નવા શબ્દોનો પરિચય મૂકી દેવાની સિફત અને સૌથી ઉચ્ચ તો રસ જાળવી રાખવો !

Wednesday, July 4, 2012

ચિનગારીના તણખા

ધોરણ-૮, કાવ્ય પહેલું, એક જ દે ચિનગારી, પહેલાં ગાન વખતે કોઈ ને ના ગમ્યું! ‘રોદણા જેવું છે’, એમ સામુહિક અભિપ્રાય આવ્યો. પણ, મકરંદ દવેનું ધૂળિયે મારગ તરત ગમ્યું.
કેમ એમ?
ચિનગારીનું અર્થગ્રહણ સહજ-સરળ નથી. એમાં જે તણખાની વાત છે તે તણખાનો પરિચય તો છે પણ તે પ્રત્યક્ષ નથી. જયારે ધૂળિયા મારગની ઉપરવાળી બેંક પહોંચમાં લાગે છે અને રમુજ પમાડે છે. જો કે, બીજા ત્રીજા ગાન પછી, પરિચય વધવાને કારણે ચિનગારી ના તણખા રિસેશમાં ફૂટતા સંભળાયા.
ચિનગારીની ચર્ચા આમ શરુ થઇ :
આ ભટ્ટ કાકાને શું જોઈએ છે?
ચિનગારી
એટલે?
તણખો.
તે એટલા માટે આવડું બધું કાવ્ય શું કામ લલકાર્યું? દિવાસળીનું એક બાકસ ના ખરીદી લે !
ઓ બેન, એવો તણખો નઈ, આ તણખો જુદો છે?
એમ, કયો તણખો છે, બતાવો તો જરી?
એ કે’તા નથી આવડતું પણ આ તણખો દિવાસળી વાળો નથી.
વારું, આ ભાઈએ લોઢું ઘસવામાં સારી જિંદગી શું કામ બગાડી હશે?!
અરે, એમ નઈ, સારી એટલે આખી જિંદગી.
એમ?! સારું. તો પણ લોઢું ઘસવામાં શું કામ? .... પાછી એમની સઘડી નથી સળગતી, તે કેરોસીન નાખે,પેટ્રોલ રેડે, આમ કાવ્ય...? ... સુરજ અને ચાંદો સળગે કદી? શું આ હરીહરદાદા વાત કરતાં હશે?
હવે આ બેનને શું કહેવું?!...કામ કરવામાં જિંદગી ખર્ચી એમ કહે છે. સુરજ તો
...શિક્ષક ભોટ જેવાં પણ વિધાર્થીઓ ચકોર છે. એમની ચિનગારી પેટાયેલી છે.

Sunday, June 24, 2012

નવાજુની

આ વર્ષે અમારી શાળામાં આઠમું ધોરણ ઉમેરાયું અને સાથે પરિવારમાં ૩૫ સભ્યો પણ.
આ નવા સભ્યો આમ તો અમારા ગામના જ. પણ, મૂળ ગામથી થોડે દુર, ખેતરો વચ્ચે, નિતાંત કુદરતમાં જીવતાં પરા વિસ્તારમાંથી આવતા બાળકો.
ચિખોદ્રા અને પરા ભલે એક ગામ ગણાય, ચોખ્ખો ફર્ક દેખાય કેટલીક બાબતોમાં.
ગામડા અને શહેર જેવો ફર્ક છોકરીઓના વર્તનમાં પ્રગટે.
પરાની છોકરી પ્રમાણમાં ઉઘાડભર્યું વ્યક્તિત્વ,એવું ખુલ્લાપણું અમારી છોકરીઓમાં ઓછું.
એટલા સુક્ષ્મ ભેદ કે અહીં તે કેવી રીતે મુકવા એમાં મુંઝાઉં છું.
વારુ,
ગયે અઠવાડિયે જીગીષાની આગેવાની હેઠળ ‘જૂની’ વિધાર્થીનીઓએ ફરિયાદ કરી : આ ‘નવી’ છોકરીઓ વર્ગ-શાળાના કામમાં સહકાર આપતી નથી.
તમે શિખવાડો. એમના દોસ્ત બનો. ધીમેથી ભળશે તેઓ.
બધું કરી જોયું. તમે એમને ‘બોલો’ તો કઈ થાય.
શનિવારે ઉપરોક્ત વાત થઇ હતી. શિક્ષક સમજી ગયાં કે ‘જૂની’ વિધાર્થીનીઓ શિક્ષક પાસે શું ‘બોલાવવાની’ અપેક્ષા રાખી રહી છે.
સોમવારે ‘જુનીઓ’ એ યાદ દેવડાવ્યું :બેન, પેલું બોલવાનું હતું તે !
આમ ‘બોલવામાં’ આવ્યું.
સાતમા ધોરણમાં આ શાળામાં ભણી ના હોય તેવી છોકરીઓ આંગળી ઊંચી કરે.
આંગળીઓ ઊંચી થઇ.
હવે, મારે તમને કેટલાંક પ્રશ્નો પૂછવા છે. માત્ર તમારે જ જવાબ આપવાના. તમે કયા ગામમાંથી આવો છો?
ચિખોદ્રા. (શિક્ષકને જવાબમાં પરાના નામની અપેક્ષા હતી.તમામ વિધાર્થીઓએ ચિખોદ્રા જવાબ આપ્યો.)
તમારી શાળાનું નામ શું?
જલાનગર/ગમોટપુરા/લક્ષ્મીપુરા.
ફરીથી પૂછું છું : તમારી શાળાનું નામ શું? (આ તબક્કે ‘જૂની’ વિધાર્થીનીઓના હોંઠ મલક્યા. તેઓ શિક્ષકની ટેવથી વાકેફ હતાં )
ફરી એ જ જવાબ.
જો એ જ જવાબ હોય તો મેં પ્રશ્ન ફરી કેમ પૂછ્યો? તો, આપણા વર્ગમાં હું ફરી એ જ પ્રશ્ન પૂછું તેનો અર્થ એમ થાય કે જવાબ આપવામાં કઈક વધુ વિચાર કરવાની જરૂર છે. ચાલો, ત્રીજી વાર : તમારી શાળાનું નામ શું?
તે વિદ્યાર્થીનીઓ આ રીતે ટેવાયેલી નહોતી. છતાં, એક છોકરીએ જવાબ આપ્યો : ચિખોદ્રા.
શિક્ષકે સ્પષ્ટીકરણ કર્યું કે ‘હાલ’ તેમની શાળાનું નામ શું એમ તેઓ પૂછી રહ્યાં છે.
તમને આ શાળામાં ફાવે છે? કોઈ મુશ્કેલી? ફરિયાદ?
ફાવે છે.(સ્મિત સાથે.)
તો, મને એમ કેમ લાગે છે કે તમને નથી ફાવતું?
...
આ શાળા તમારી પણ ખરી કે નહી?
હા.
પણ, તમારા વર્તનમાં તો એવું જણાતું નથી !
...
તમારા વર્તનમાં એવું શું ઉમેરાય કે જેથી અમને શિક્ષકોને લાગે કે આ શાળા તમારી અને તમે આ શાળાના છે?
આ ક્ષણે જે સ્મિત ફરક્યું એણે શિક્ષકને તો કહી દીધું કે મેળવણે દહીં જમાવવા માંડ્યું છે. પણ, એ મેળવણી વર્તનોમાં બોલકી રીતે વ્યક્ત થાય એ પણ જરૂરી છે.
તો, તમેં મને તમારા વર્તનથી જતાવો કે આ શાળા તમારી છે. એ માટે તમારે જે કઈ જાણવું હશે તે આ છોકરીઓ પાસેથી જાણો. તમારી જૂની શાળાની અમને વાતો કરો.
‘જુનીઓ’ થોડી નિરાશ તો થઇ પણ એમને ખબર છે કે એમના શિક્ષક આવા જ રસ્તા અપનાવશે. એટલે, જોડાઈ ગઈ ‘નવીઓ’ ને માર્ગદર્શન આપવામાં.

Monday, May 7, 2012

આગ

@સાતમાની સાનિયા એ પુરા ગાંભીર્યથી પૂછ્યું : તમને ખબર છે, તારા કેવી રીતે બને?
બ્રહ્માંડ અંગેની ચપટીક માહિતીથી ખદબદતા શિક્ષકના મગજે ઉથલો માર્યો કે હહ્, ખબર જ્ હોય ને ! પણ, ત્યાં મિત્રતાનો અંશ સળવળી બોલ્યો, પહેલાં એની વાત સાંભળ પછી તારી ટકટક કર. એટલે શિક્ષકે પૂછ્યું , કેવી રીતે બને તારા?
સાબુના ફીણમાંથી ! એના અવાજનો રણકાર કહેતો હતો કે એ માહિતીની એને કેટલી ખાતરી છે.
હમ્મ, તને કઈ રીતે ખબર પડી?
નહાવા બેસીએને ત્યારે સાબુનું ફીણ થાયને એમાં પ્રકાશ ચમકતો હોય. પછી એ પરપોટા ફૂટે ત્યારે એમાંથી તારા બની જાય!
પરપોટા ફૂટે એમાંથી તારા બને અને પરપોટાનો પ્રકાશ એ પ્રક્રિયામાં ભૂમિકા ભજવે.-આ વિગત ભૌતિકશાસ્ત્ર મુજબ પણ ખરી જ્ છે ને !


 ત્રીજાની ઈવા એ રાતના તપનું જોયું ને પૂછ્યું : તાપણાં વડે અજવાળું કેમ આવે?



શો જવાબ આપવો એ ના સુઝ્યું એટલે વળતો પ્રશ્ન : મને ખબર નથી, તુ જ્ કહે ને !
તાપણામાં સુરજ પેસી ગયો હોય !
એમ?
હા, જો ને, સુરજ પણ અજવાળું આપે છે ને સવારે.
બીલકુલ.

Saturday, May 5, 2012

સત્રાંત


પરિણામપત્રમાં શિક્ષકે વાલીને આપવાના સુચન વાળું ખાનું આમ ભરાયું : આપણી વ્હાલીની પ્રગતિના પ્રયત્નોની સફળતાના અભિનંદન !

Friday, April 27, 2012

તાંત્રિક માં-બાપ

શિક્ષણ તંત્ર અને શાળાઓ બાળકોને સમજવામાં, ‘સાચું’ શિક્ષણ આપવામાં, બાળકોની સર્જનાત્મકતાને પોષવામાં નિષ્ફળ ગયાં છે એમ અવારનવાર જાહેર કરવામાં આવે છે. સરકારી શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયિક અનુભવ થકી અને સમાજના એક સભ્ય તરીકે મારું એક મંતવ્ય ઘડાયું છે અને તે છે કે બાળક સંબંધી ઉપરોક્ત ભૂલોની દોષગ્રંથિથી પોતાને બચાવવા માં-બાપ અને સમાજ આ રાગ આલાપ્યા કરે છે. હકીકતે, બાળ ઉછેરમાં માં-બાપ નિષ્ફળ પુરવાર થયા છે.
માં-બાપ પર આ ‘આરોપ’ મૂકી શિક્ષણ તંત્ર કે શાળાઓની ભૂલો છાવરવાનો અહીં ઈરાદો નથી. એ આગવી સમસ્યા છે જે પણ ઉકેલવી રહી. પણ, તંત્ર કે શાળા પહેલાં બાળક માં-બાપ પાસે છે, તો બહારની સંસ્થાઓ ઉપર દોષારોપણ કરનારાઓએ પોતે કયા ઉપાયો અમલમાં મુક્યા? પોતાના બાળકના પ્રફુલ્લન માટે તેમણે પોતાની કક્ષાએ કયા પ્રયત્નો કર્યા? અહીં એવાં માં-બાપની વાત છે જેઓ પોતાના બાળકોને માટે ‘સારી’ શાળા પસંદ કરવા સામાજિક અભિયાનો આદરે છે, લાગવગો અને ડોનેશનની તૈયારી રાખે છે અને ...અને તેઓ ‘શિક્ષણ’ એટલે શું તે જાણે પણ છે.
મધ્યમ-ઉચ્ચ મધ્યમવર્ગના આ માં-બાપ એકદમ સ્વાર્થી જણાય છે. બાળકને ભણાવવાનો તેમનો હેતુ પોતાની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે એવી સફળ કારકિર્દી પોતાનું સંતાન પામે તેવો હોય છે, નહી કે પોતાના, હા , એમના પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય. આવા માં-બાપ બાળકને શાળા ઉપરાંત સંગીત,નૃત્ય,ચિત્ર,નાટક,તરણ,કરાટે જેવી ‘પ્રવૃત્તિઓ’ના વર્ગો ભરવા ‘ખર્ચા’ કરશે, વેકેશનમાં બાળકને ‘ટ્રેકિંગ’ કે ‘નેચર કેમ્પ’માં મોકલશે અને ઓડકાર ખાશે કે પોતે બાળકને વિવધ ક્ષેત્રોની તાલીમ પૂરી પાડી એનો સર્વાંગી વિકાસ થાય તેની કાળજી લીધી છે. બેશક, આ પ્રવૃત્તિઓ સર્વાંગી વિકાસના પાસા છે. પણ, કેટલાં માં-બાપ પોતાના સંતાનોને આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં સહમત થાય છે? કારકિર્દી તો દુર રહી, પોતાના બાળકને કયા ક્ષેત્રમાં રસ છે એ પણ તેઓ ચકાસતા નથી. ‘મારા પપ્પુ-પિન્કીને કોમ્પ્યુટર-આઈ.ટીમાં ખુબ રસ છે એટલે અમે તેને તેમાં પ્રોત્સાહન આપીએ છીએ.’ આ શાહમૃગીયો વિકલ્પ વારંવાર કાને અથડાય છે. બધાને ખબર છે કે આઈ.ટી એ ડોલરિયો શોખ છે ! અને આવા ‘રસ’ ધરાવતાં કેટલા તેજસ્વી તારલઓએ આઈ.ટી.માં ક્રાંતિકારી શોધ કરી?
બે બેડરૂમની સગવડ ધરાવતા આ માં-બાપના ઘરમાં બાળવાર્તાઓનું એક કબાટ સમાતું નથી. મહિને એક-બે વાર રેસ્ટોરાંમાં જમવાનું બજેટ ધરાવતા આ કુટુંબો પાસે બાળવાર્તાઓ ખરીદવાની સગવડ નથી હોતી. હા, કેટલાંક માં-બાપ પુસ્તકો ખરીદે છે, ‘સફળતાના નવ રત્નો’, ‘વૈજ્ઞાનિક રમકડાં બનાવો’, ગણિત ગમ્મત, પંચતંત્રની વાર્તાઓ વગેરે. આવા પુસ્તકોની ખરીદી પાછળ પણ ગણતરી તો ‘મારા સંતાનને કારકિર્દીમાં સફળ થવામાં ઉપયોગી બને’ એવી જ હોય છે. એટલે વાર્તાઓ ઠેબે ચઢે છે. આવા માં-બાપ એ પોતે દસ નવલકથાઓ વાંચી નથી અને પોતાનું સંતાન (ઈતર !)વાંચન રસિક ના બની જાય એની તેઓ પુરેપુરી દરકાર રાખે છે. તેઓને સંતાનની સફળતાની ચિંતા છે, સુખની નહી. અથવા તો તેઓ સફળતાને સુખ માનતા લાગે છે.
આ માં-બાપ ડરે છે, કયાંક મારું સંતાન સ્વતંત્ર ના થઇ જાય ! સ્વતંત્રતા અને સ્વછંદતાની તેમની  વ્યાખ્યાઓ શબ્દકોશ કરતાં જૂદી, સામાજિક દ્રષ્ટિ થકી ઉધાર મેળવેલી છે. તેમને સંતાન કહ્યાગરું જોઈએ છે અને ત્યારે તેમને પેલી સર્જનાત્મકતાની ગેરહાજરી સાલતી નથી.
શિક્ષણ તંત્ર, શાળાઓ અને શિક્ષકો પર દોષારોપણ એ સહેલી છટકબારી છે, બેઠક ખંડમાં ચર્ચાતા મનોરંજક-રસપ્રદ વિષયોમાંનો એક વિષય. ના તો એથી કોઈ ઉકેલ આવવાનો કે ના એ ચર્ચા બંધ થવાની. શાળાઓની તાંત્રિકતા-યાંત્રિકતામાં પોતાનું બાળક પીસાય નહી એવી દરકાર કરનારા માં-બાપ ઘરેલું શિક્ષણ તરફ વળ્યા છે. પણ, તેઓને જે શાળાઓનો અનુભવ છે તે ખાનગી શાળાઓ છે, જેમનો મૂળમંત્ર ‘સફળતા’ છે. આવા નાનકડા વર્ગને બાદ કરતાં મોટા ભાગના શિક્ષિત માં-બાપ પોતાના સંતાનના સ્વાભાવિક પ્રફુલ્લનને રોકવાના ષડયંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
કોઈ પણ તંત્રને પોતાને ટકાવવામાં રસ હોય, અહીં જેમની વાત માંડી છે તે માં-બાપ પણ આવા તાંત્રિક છે.

Wednesday, March 28, 2012

દિયા


દિયા અમારી શાળામાં ત્રણ વર્ષ પહેલાં પ્રવેશી અને પ્રવેશતાં જ્ શાળા પરિવારની લાડકી થઇ ગઈ. તે તેજસ્વી વિધાર્થી છે, તેની ચકોર આંખોની ચમક અમારા સૌના આનંદનું માધ્યમ બની રહી. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ તે એટલી જ્ સક્રિય.

મોટા વિધાર્થીનીઓ પણ તેની બહેનપણીઓ. ધોરણ ૭મા છેલ્લા તાસમાં કઈ નવું સંભળાય એટલે તે શીખવા પહોંચી જાય. તેનામાં શીખવાની ખુબ ધગશ છે. જો તેને રજા પડે તો વર્ગશિક્ષકની પાછળ પડીને પુનરાવર્તન કરાવડાવે. તે માયાળું છે અને બધાં જોડે ભળે છે પણ તેને જુથનેતા બનવું નથી ગમતું. તેને વાર્તા પુસ્તકો વાંચવા ય ખુબ ગમે છે.

આ વર્ષે તેનામાં એક પરીવર્તન આવ્યું છે.

દિયાને એક બહેન છે, હીના. તે આ વર્ષે પહેલાં ધોરણમાં દાખલ થઈ. બસ, ત્યારથી દિયા ઠરેલ થઇ ગઈ છે. તેનું આ ઠરેલપણું તેના ચહેરા પર અને વર્તનમાં પ્રગટે છે.

આજે, ધોરણ ૫,૬,૭ના ચુનિંદા વિધાર્થીઓ સાથે લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે વિધાનગર જવા વિદ્યાર્થીઓ વાનમાં ગોઠવાઈ રહ્યા હતાં ત્યાં દિયા ધસી આવી ; ‘ મને લઇ જાવને! મારે જોવું છે.’

પણ આ તો ૫-૬-૭ માટે જ્ છે, તુ પાંચમામાં આવીશ ત્યારે તારે જવાનું થશે જ્.

ના પણ આજે લઇ જાવ ને. મને જોવાનું ગમે છે.

આ મુલાકાત માટે વિજ્ઞાનની પ્રાથમિક સમજ હોય તો શૈક્ષણિક રીતે સારું પડે. પણ, શિક્ષક સમજતા હતા કે દિયા જેવા વિદ્યાર્થીઓ માટે આવી મુલાકાતો કેટલી અસરકારક બની શકે. વાનમાં જગ્યા ન હતી. શિક્ષકે વાનમાના વિધાર્થીઓને પૂછ્યું, ‘દિયાની જગ્યા થશે?’

અરે, ખોળામાં બેસાડી લઈશું.

‘સારિકાને ય આવવું છે.’ દિયાએ તેની બેનપણીની વકીલાત કરી.

ભલે,મોટાબેનની અને તમારા બેનની રજા લઇ આવો.

બંને કમળાબેન(આચાર્ય) સમક્ષ ગઈ પણ કઈ બોલી ના શકી. આવી બાબતમાં તો કમળાબેનની સંમતી હોય જ્.

અચાનક દિયા કહે, ‘ના, હું નહિ આવું. મારી બેનનું જોવું પડે.’

અરે પણ આપણે પાંચ વાગતામાં તો પાછા આવી જ્ જઈએ છીએ.

સારિકા આવી, દિયા ના આવી.