Showing posts with label ભાષા. Show all posts
Showing posts with label ભાષા. Show all posts

Wednesday, July 25, 2012

ધૂમકેતુ

કાળને અતિક્રમી શકવાની લખાણની ત્રેવડ લેખકની આવડતને પ્રતિબિંબિત કરે છે. ધૂમકેતુની  ‘જુમો ભિસ્તી’ ભણાવતાં અને ધોરણ ૪ના બાળકોમાં  ‘બીકણ સસલી’ પ્રેમને જોઈ એ પ્રતિબિંબ ચિત્તમાં પડઘાયું.
જુમો ભિસ્તી : એક એક વિધાન ભાષાને સાહિત્યની ઊંચાઈ આપે. પાડાનું ‘નમણું’ નામ પાડનાર ‘સાહિત્યપ્રેમી’ની જેમ! જુમો જયારે ‘મારો વે...’ એમ અધૂરું છોડે ત્યારે જુમાનું વેણુ સાથેનું જોડાણ, અન્ય વ્યક્તિઓની ની:સ્પૃહ્યતા અને એ અંગે જુમાની સમજ એમ બધું વ્યક્ત થઇ જાય. “શાંતિ એવી જ જળવાઈ રહી” એમ લખીને લેખક છેલ્લા ફકરામાં જુમાને ‘અશાંત’ પણ લેખે.
શિક્ષક તરીકે જે પડકાર તે એ કે આવી કૃતિનો પોતાના ચિત્તમાં જે પડઘો પડે એની ગુંજ વિદ્યાર્થીઓના ચિત્તમાં ગાજતી કરવી. આદર્શ પઠન સંવેદનોને પહોંચાડવા ઉપયોગી; ભાષાની બારીકાઈઓ ખોલવા ભાષા પ્રવૃત્તિઓ કામ લાગે. આવા પ્રશ્નો પૂછ્યા :
 -પાડાનું નામ કોણે પડ્યું હતું? તે કોણ હતો?(હિંદુ સાહિત્યરસિક મિત્ર)
-સાહિત્યરસિક, કલારસિક ...જેવા શબ્દોની યાદી બનાવીએ.
-અહીં લેખકે મિત્ર આગળ ‘હિંદુ’ વિશેષણ કેમ મુક્યું? એ ના મુક્યું હોત તો ના ચાલત?
-કયા વિધાન આધારે જુમાનો ધર્મ નક્કી કરી શકાય? જુમાના ધર્મ અંગે બીજે ક્યાય નિર્દેશ છે?
-કયા કયા વિધાનો પરથી જુમાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે?
-‘રંગ જોવાં’,’તડકો છાયડો’...આ શબ્દ જુથોને ના બદલે બીજા શબ્દો મૂકી વાક્ય બનાવો અને બોલો. કયું વાક્ય તમને વધુ ગમ્યું?કેમ?
-પહેલી પાંચ લીટીઓ વાંચો. એને ધ્યાને રાખી તમારા ગામ,ફળિયા અને ઘરનું ખુબ ટૂંકમાં વર્ણન લખો.
- સિગન્લ વાળાને ત્યાં બુમ પડતી વખતે જુમો ‘ઓ ભાઈ બહેન’ એમ કેમ બોલે છે? માત્ર ભાઈ કે બહેન કેમ નહી?
-“માણસનું છૈયું ય દેખાતું ન હતું.” આ વાક્ય વડે લેખક શું સૂચવવા માંગે છે?
બીકણ સસલી :
આ એકમની ભાષાની ઊંચાઈ અને ગિજુભાઈની સુક્ષ્મ દ્રષ્ટિ માટે માન થઇ આવે. ટૂંકા પદ્ય વાક્યો, અંત્યાનુપ્રાસ, લિંગ પરિવર્તન, જોડાક્ષરો, કાવ્યમય ફકરાનું પુનરાવર્તન, નવા શબ્દોનો પરિચય મૂકી દેવાની સિફત અને સૌથી ઉચ્ચ તો રસ જાળવી રાખવો !

Wednesday, July 4, 2012

ચિનગારીના તણખા

ધોરણ-૮, કાવ્ય પહેલું, એક જ દે ચિનગારી, પહેલાં ગાન વખતે કોઈ ને ના ગમ્યું! ‘રોદણા જેવું છે’, એમ સામુહિક અભિપ્રાય આવ્યો. પણ, મકરંદ દવેનું ધૂળિયે મારગ તરત ગમ્યું.
કેમ એમ?
ચિનગારીનું અર્થગ્રહણ સહજ-સરળ નથી. એમાં જે તણખાની વાત છે તે તણખાનો પરિચય તો છે પણ તે પ્રત્યક્ષ નથી. જયારે ધૂળિયા મારગની ઉપરવાળી બેંક પહોંચમાં લાગે છે અને રમુજ પમાડે છે. જો કે, બીજા ત્રીજા ગાન પછી, પરિચય વધવાને કારણે ચિનગારી ના તણખા રિસેશમાં ફૂટતા સંભળાયા.
ચિનગારીની ચર્ચા આમ શરુ થઇ :
આ ભટ્ટ કાકાને શું જોઈએ છે?
ચિનગારી
એટલે?
તણખો.
તે એટલા માટે આવડું બધું કાવ્ય શું કામ લલકાર્યું? દિવાસળીનું એક બાકસ ના ખરીદી લે !
ઓ બેન, એવો તણખો નઈ, આ તણખો જુદો છે?
એમ, કયો તણખો છે, બતાવો તો જરી?
એ કે’તા નથી આવડતું પણ આ તણખો દિવાસળી વાળો નથી.
વારું, આ ભાઈએ લોઢું ઘસવામાં સારી જિંદગી શું કામ બગાડી હશે?!
અરે, એમ નઈ, સારી એટલે આખી જિંદગી.
એમ?! સારું. તો પણ લોઢું ઘસવામાં શું કામ? .... પાછી એમની સઘડી નથી સળગતી, તે કેરોસીન નાખે,પેટ્રોલ રેડે, આમ કાવ્ય...? ... સુરજ અને ચાંદો સળગે કદી? શું આ હરીહરદાદા વાત કરતાં હશે?
હવે આ બેનને શું કહેવું?!...કામ કરવામાં જિંદગી ખર્ચી એમ કહે છે. સુરજ તો
...શિક્ષક ભોટ જેવાં પણ વિધાર્થીઓ ચકોર છે. એમની ચિનગારી પેટાયેલી છે.

Sunday, January 8, 2012

ગણિતનું વ્યાકરણ


૧. : ‘વિજાતીય’ અને ‘સજાતીય’ એટલે?
          જિગીષા: જે વિજય પામે તે વિજાતીય અને જે સજા પામે તે સજાતીય.
          હમમ, વિચાર સારો છે પણ આ અર્થો નથી.
          ક્રિષ્ના : વિજ્ઞાન વિષયમાં આવે તે વિજાતીય અને સામાજિક વિજ્ઞાનમાં આવે તે સજાતીય.
          તુક્કો સારો છે પણ આ અર્થ પણ નથી. ચાલો, હિન્ટ આપું, ‘જાતિ’ શબ્દ પરથી આ અર્થોને જોવાં પ્રયત્ન કરો.
          ‘જાતિ’ એટલે?
          એટલે ‘નાત’ જેવું. ‘ધર્મ’ જેવું. (‘જાતિ’ અથવા ‘જુથ’ ના અર્થ સ્પષ્ટ કરવા અલગથી પ્રયોગ કર્યો છે. )
          રીમ્પલ : સજાતીય એટલે સરખી જાતિ વાળુ?
          એકદમ ! તો વિજાતીય એટલે?
          ‘વી’વાળુ ખબર નથી પડતી.
          હિન્ટ આપું,‘સજાતીય’ અને ‘વિજાતીય’ વિરોધાર્થી શબ્દો છે.
          જુદી જાતિ વાળુ?
          બરાબર. સજાતીય એટલે એક સરખી જાતિનું અને વિજાતીય એટલે જુદી જુદી જાતિનું.
૨ : ‘ચલ’ શબ્દ સંભાળતા-વાંચતા તમને શું યાદ આવે?
          પારુલ : ચાલવાનું..
          હવે ‘અચલ’ એટલે?
          જે ચાલતું ના હોય તે.
હું અત્યારે ‘ચલ’ છું કે ‘અચલ’? (શિક્ષક સ્થિર ઉભેલ હતા.)
અચલ.
એટલેકે, હું મારા સ્થાનેથી ખસતી નથી એમ ને?
હા.
એટલેકે હું સ્થિર કહેવું?
હા.
તો, ‘અચલ’ એટલે?
સ્થિર.
અને ‘ચલ’ એટલે?
અસ્થિર.
          તો, ‘ચલ સંખ્યા’ એટલે કેવી સંખ્યા?
          અસ્થિર સંખ્યા ...
          અને ‘અચલ સંખ્યા’ એટલે?
          સ્થિર સંખ્યા.
          તો ૧,૩૨,૨૦૦,૭૫૦૦ આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા છે?
          ચલ/અચલ/ચળ/અચલ....
          વારુ, સંખ્યા રેખા પર ૧નું સ્થાન બદલાય?
          હાસ્તો, દાખલ મુજબ ૧ જુદી જુદી જગ્યાએ મુકવો પડે.
          એ બરાબર. પણ, ૪ અને ૫ની વચ્ચે ૧ મુકાય?
          ના. એ તો ૦ અને ૨ની વછે જ મુકાય.
          અને ૩૨?
          એ ૩૧ અને ૩૩ની વચ્ચે મુકાય.
          એટલેકે આ સંખ્યાઓનું સ્થાન નક્કી છે એમ કહેવાય?
          હા.
          તો આ સંખ્યાઓ કયા પ્રકારની સંખ્યાઓ કહેવાય?
          અચલ !
          ‘સંખ્યાઓની સ્થાન કિંમત’ આ વાત યાદ આવે છે ને?
          હમમ..
          (આ તબક્કે, ઋણ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો પણ નિશ્ચિત સ્થાન ધરાવે છે એ સંખ્યારેખા દોરીને બતાવાયું.અને એ બારામાં પણ ઉપર મુજબ ચર્ચા થઇ.)
          એકદમ. તો ચલ સંખ્યાઓ કઈ?
          એવી સંખ્યા હોય જ નહિ.
          હોય છે. ગણિતમાં જ હોય છે. જેમકે, ધારો કે, આપણા વર્ગમાં અત્યારે ‘x’ પેન્સિલ છે.
          એ તો બધાની પેન્સિલો ગણી કાઢીએ એટલે ખબર પડી જાય.
          હા, પણ ગણ્યા વગર મારે ધારીને કહેવું હોય તો ?
          ધારો કે,આપણા વર્ગમાં અત્યારે ‘x’ ચોપડીઓ છે એવું પણ કહેવાય?
          બિલકુલ કહેવાય. અને ‘x’ ને બદલે ‘abcd’ નો કોઈ પણ મૂળાક્ષર લઇ શકાય.
          કેવી રીતે?
          ધારો કે, આપણી શાળામાં ‘c’ બેન્ચીસ છે. હવે, તમે આવા વાક્યો બનાવી બોલો.
          ધારો કે, આપણી શાળામાં ‘p’  છે. ધારો કે આપણા વર્ગમાં ‘m’ નોટ છે. ધારો કે આપણા વર્ગમાં ‘y’  નકશા છે.
          બરાબર. તો આ x, c ,m, y વગેરે કયા પ્રકારની સંખ્યાઓ થઇ?
          ચલ.
          હવે, ‘ચલ’ અને ‘અચલ’ સંખ્યાઓનો તફાવત લખીએ.(જુથકાર્ય દ્વારા આ તફાવત લખાવાયો અને વર્ગ સમક્ષ દરેક જુથ એ રજૂઆત કરી.

Tuesday, December 27, 2011

ફળદ્રુપતા

'ગુજરાત ફળદ્રુપ જનની છે. એણે વિવિધ ક્ષેત્રોમાં ભડવીરો આપ્યા છે.' આ વિધાન આજે વર્ગમાં ચમક્યું અને પ્રશ્ન ઉઠયો, 'ફળદ્રુપ' એટલે?
'જમીન હોય.'
???
 ક્રિષ્ના ઉવાચ:, 'જે ખુબ ફળ પેદા કરી શકે તે.'
'ફળ' એટલે? વર્ગને જુદે જુદે ખૂણેથી અવાજ રણક્યા, જામ'ફળ', સીતા'ફળ'...અને સફરજન,મોસંબી,બોર...
તો પછી આ વાક્યમાં 'ભડવીર આપ્યા છે' એમ કેમ, 'ફળ આપ્યા છે' એમ કેમ નહિ?
 હમમમ...
ફરીથી. 'ફળ' એટલે?
જવાબમાં હીરલે પૂછ્યું, ''આમાં 'સફળ' શબ્દ...?'
ચાલો, 'સફળ' એટલે?
જીગીષા: 'એ તો સેલ્લું. સ્ વત્તા ફળ.'
બરાબર. પણ 'એટલે?'
' એટલેકે ફળ સાથેનું.'
અમે ફરી ઠેર ના ઠેર.    'ફળ' એટલે?
 'એટલે કશાક કામનું ફળ.'
 ઠીક. 'પરીક્ષામાં સફળ ' એટલે?
'એટલે આખા વર્ષની મહેનતનું પરિણામ.'
સરસ. પણ આ વાક્યમાં 'ભડવીરો આપ્યા છે ... એમ કેમ?
"'ભડ' એટલે?"
તમે 'ભડનો દીકરો' એવા શબ્દો સાંભળ્યા છે?
'હાસ્તો !' (આ શબ્દના નકારાત્મક રૂપના પ્રયોગો પણ તેમણે સાંભળેલા હતા.)
તો ભડ + વીર એટલે?
'એટલે જોરદાર માણસ.'
બરાબર. હવે ફરીથી. 'ફળદ્રુપ જનની' અને 'ભડવીર' એક વાક્યમાં કેમ?
'ખબર નઈ !'
જનની...
.'માતા,માતા. ખબર છે.'
ભડવીર આપે તેવી જનની??
'એટલે જોરદાર દીકરાની મા ? !'
એકદમ. હવે, 'ફળદ્રુપ?'
'        '
આખું વાક્ય જોઈએ. ' ગુજરાત ફળદ્રુપ જનની છે, એણે વિવિધ ક્ષેત્રોમાં ભડવીરો આપ્યા છે.'
'      '
'ગુજરાત' એટલે? નકશામાં દેખાય છે તે? જમીન? કે....?
'જમીન તો ખરી જ પણ...'
આપણે ગુજરાતનો ભાગ કહેવાઈએ?
'હાસ્તો !"
એટલેકે ગુજરાતના લોકો પણ ગુજરાત કહેવાય?
'હા, હા.'
આપણા વાક્યનો અર્થ...
'એટલેકે ગુજરાતના લોકોમાં જોરદાર માણસો થયા છે.'
Perfect ! પણ, અહીં પાછુ 'વિવિધ ક્ષેત્રોમાં' એમ પણ કહ્યું છે.
...
..
.