Saturday, January 28, 2012

શૈક્ષણિક પ્રવાસ-૨૦૧૨ (૧)


ભૌતિકતાના આક્રમણને કારણે અને વ્યવસ્થાપન આવડતની ઉણપને કારણે નિમ્ન મધ્યમવર્ગના બાળકોના મનમાં કેટલાક અભાવો ઘર કરી ગયા હોય છે. બાળકને મોજ કરવા મોકા કે વસ્તુની જરૂરત હોતી નથી. પણ, એવી 'જરૂરત' ઊભી કરાઈ હોય છે. અને એમાંથી જન્મે છે સ્થૂળ મજાનું આકર્ષણ, ચમકદમકનું આંજણ. પ્રવાસ એટલે આવી મજાનું એક બહાનું. એમાં તે વળી શૈક્ષણિક તત્વ ક્યાંથી હોય?
બાળકોને 'બિચારા' માણવાની ભૂલ કરી બેઠેલા શિક્ષકો પણ પ્રવાસમાં મજાને પ્રાથમિકતા આપીને શૈક્ષણિક હેતુઓને નજરઅંદાજ કરી બેસતા હોય છે. વિગતો-માહિતીના ડોઝને શૈક્ષણિક હેતુમાં ખપાવી દેવાનો કેફ પણ ઓછો નથી હોતો. ' પ્રવાસ દરમ્યાન અન્+આયાસ કેટલીક બાબતો તો  શીખાઈ જ જતી હોય છે' : આ હકિકતની રેતમાં મોં સંતાડતા આળશ-મૃગો તો ખરા જ.


સામાન્ય સ્થિતિમાં સામાન્ય કામ આપતી આપણી પંચેન્દ્રિયો પ્રવાસ જેવી જુદી સ્થિતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવતી હોય છે. તો કેમ કરી આ ઈન્દ્રિયો અને તેમની ઉર્જાને શૈક્ષિણક કામે લગાડવી ?
પ્રવાસ પહેલાની પ્રવાસીઓની બેઠકમાં નીચેના ઈંજન વડે ઉર્જાને એક દિશા ચિંધવામાં આવી.

 નીચે જેવી વિગતો પર ધ્યાન આપવું અને નોંધી લેવી :
-વાહનોના રસપ્રદ નંબર અને સુત્રો
-પક્ષીઓના રંગ,કદ અને ચાંચનો આકાર
-વૃક્ષો : પરિચિત, અપરિચિત
-કોઈ એક અજાણી વ્યક્તિ સાથે વાત કરવી
-ખેતરમાં શુ હતું?
-સાંભળેલા અવાજો
-પથ્થર,માટી અને પાણીનો રંગ,સ્પર્શ અને સ્વાદ          
-કઈ બાબતની નવાઈ લાગી?
-શેનો ડર લાગ્યો?
- કયા પ્રશ્નો થયા?

નોંધપોથી સાથે લેવાઈ અને એમાં નોંધાયું પણ ખરું. સામાન્ય કરતાં ઓછી શૈક્ષણિક ક્ષમતા ધરાવતી એક વિદ્યાર્થીની નોંધનું એક પાનું અહીં શામેલ છે.


શાળા-શૈક્ષણિક સંસ્થા પ્રવાસ યોજે તો એ શૈક્ષણિક હોવો ઘટે, ક્ષણિક મોજ પુરતો નહિ.

No comments:

Post a Comment