Sunday, January 15, 2012

પુસ્તક પસંદગી

અમારા વિદ્યાર્થીઓ પુસ્તકાલયનો બહોળો ઉપયોગ કરે છે; શાળા પુસ્તકાલયના ભાગ રૂપ વર્ગ પુસ્તકાલય તો ખરું જ્. ઉપરાંત ગ્રામ પુસ્તકાલય પણ. એટલે  સર્વ શિક્ષા અભિયાન આયોજિત પુસ્તક પસંદગી મેળામાં જવા ૫ થી ૭ના તમામ થનગની ઉઠ્યા. પણ, લઇ જવાના તો ગણીને ૩ને. રિસામણાં અને શિક્ષકને પક્ષપાતી કહેવા લગીના પ્રયત્નો આદર્યા. પણ, અંતે આચાર્ય અને શિક્ષકની પસંદગી પારદર્શકતા સમક્ષ સૌ એકમત થયા. પસંદગીનું ધોરણ એ હતું કે કોણે સૌથી વધુ પુસ્તકો વાંચ્યા છે?, કોણ પોતાના વાંચન અંગે અભિપ્રાયો લખે છે? અને કોણ વાંચનમાંથી કઈક્ નવું શોધી પ્રાર્થના સભામાં અને વર્ગમાં રજૂ કરે છે? આમ, નિરાલી, જિગીષા અને અસ્મીન પુસ્તક પસંદગી માટે પસંદ થયા.

મેળાના સ્થળે ત્રણેયના મોઢાં આનંદથી ખુલી ગયા. આપણે ત્યાં આવું પુસ્તકાલય હોય તો કેવી મજા પડે ! અમને વિદ્યાનગરનું પુસ્તકાલય જોવાં લઇ જશો? મને તો એમ થાય કે અહીં બેસીને બધાં જ્ પુસ્તકો વાંચી કાઢું.

એમને બધાં જ પુસ્તકો ખરીદવા હતા. અમે  ઠેરવ્યું કે મોટા કદના, વધુ લાંબા લખાણવાળા પુસ્તકો લેવા નહી. મોટા કદના પુસ્તકો નાના હાથોને સાચવવા મુશ્કેલ પડે અને વધુ લખાણ રસભંગ કરે. રંગીન ચિત્રો અને મોટા કદના અક્ષરોવાળા પુસ્તકોને પ્રાધાન્ય આપ્યું. એવું પુસ્તક હાથ લાગે ત્યારે સાતમા ધોરણની ત્રણેય છોકરીઓ વડીલની અદાથી કહે, 'આ પુસ્તક ૧ થી ૪ વાળાને કામ લાગે એવું છે.!' અમુક પુસ્તકોમાં વચ્ચેથી એક ફકરો વાંચી જોયો કે લખાણ રસપ્રદ અને સરળ છે કે નહિ. ગિજુભાઈ, નાનાભાઈ ભટ્ટ જેવા લેખકોના પુસ્તકો તો તુર્ત જ્ નક્કી કરી લેવાયા અને એમ કેમ કર્યું એના કારણો પણ ચર્ચ્યા.  ગણિતના અમુક પુસ્તકો વર્ગખંડ માટે બિનઉપયોગી જણાયા.હિન્દી, અંગ્રેજીના પુસ્તકો ઓછા છે એમ લાગ્યું અને ઇતિહાસના પુસ્તકો ખુબ હતાં. આમ, પુસ્તકો નક્કી કરી અમે હિસાબ માંડ્યો, ફક્ત ૧૧૨૦૦ થયા!  પહેલાં ખુબ બધાં લાગતા ૪૫૦૦ રૂપિયા હવે ખુબ ઓછા લાગવા લાગ્યા. ચિંતા થવા લાગી કે પોતાને ખુબ ગમી ગયેલું પુસ્તક ક્યાંક રદ તો નહિ થાય ને ! રદ કરતાં કરતાં ૬૫૦૦ સુધી તો ગયા પણ પછી હામ હરી ગયા અને સી.આર.સી.સી. રજનીભાઈને શિરે જવાબદારી ઓઢાડી અમે નીકળી આવ્યા.

No comments:

Post a Comment