Saturday, January 28, 2012

શૈક્ષણિક પ્રવાસ (૨)


શૈક્ષણિક પ્રવાસ આયોજન આવડતનું કામ છે. નીપટાવી દેવા પ્રકારનું એ  કામ નથી. પણ, મોટે ભાગે અકસ્માતના ડરના બહાના હેઠળ એ આટોપી દેવાતો હોય છે. જોડીમાં  હાથ પકડી જોવાં લાયક ચીજો-સ્થળો આગળથી મોં ફાડી/વકાસીને પસાર થઇ જતાં વિદ્યાર્થીઓ ! ખરીદવા-ખાવાની લાલચોથી ખરડાયેલા અને પોતે ભૂલ કરી જ બેસશે એવા ડરથી સંકોચાયેલા વિકાસશીલ મન ! શિક્ષકના ડર, નવા વિશ્વના આશ્ચર્યથી ભીની બીક અને માંડ હાથ લાગેલ મોજમોકાનો કસ કાઢી લેવા ઊછળતું  ઉર્જાવાન ચિત્ત ! આ વિકાસશીલતા અને ઉર્જાને વેડફવી બેવકુફી કહેવાય.

પ્રવાસ દરમ્યાન ઊલટી કરતાં બાળકો અને કતાર છોડી ખોવાઈ જતા એક સામાન્ય સમસ્યા છે. બા ળકો ઊલટી કેમ કરે છે? શારીરિક કારણો તો ખરા પણ માનસિક કારણો પણ જવાબદાર હોય છે. વાહનમાં માત્ર શરીર નથી હળડોલાઈ રહ્યું હોતું ; મન કેટલાય ઊંચા ચકડોળ પર હીંચી રહ્યું હોય છે. આ મન મર્કટને ધંધે લગાડી દેવાય તો ઊલટી અટકે. અમે લેટેસ્ટ ડાન્સ સોંગ્સ પર 'પાર્ટી અભી બાકી હૈ' નો મુડ જમાવેલો રાખ્યો. પરિણામ : એક જ છોકરીને ઊલટી થઇ. પ્રવાસની જાહેરાત થઇ એ દિવસથી 'તમે ધારો તમને ઊલટી ના થાય.' ની વિગતવાર ચર્ચા કરવી ચાલુ રાખી હતી.
બાળક કતાર કેમ છોડે છે ?- કશુંક એને આકર્ષી જાય છે. પોતાના માટે કે ભાઈ-બેન માટે કશુંક ખરીદવું, કઈક ખાવું એ તેના માટે સ્વાતંત્ર્ય + જવાબદારી + સ્નેહ + લાલચ + મોજ +... હોય છે. અમે આગળથી જ જણાવી દીધું કે એક સરસ સ્થળ છે જ્યાં તમે ખરીદી કરી શકશો અને અમે એમાં તમને મદદ કરીશું.

જ્યાં 'ગાઈડ' ઉપલબ્ધ હોય ત્યાં એનો ઉપયોગ ટાળવાની વૃત્તિ પણ એક આગવી માનવીય વિચિત્રતા છે. હજારો ખર્ચ કરતાં આપણે કેટલાક સો ખર્ચવામાં ત્રાજવું ઝાલીએ છીએ. ગાઈડ પાસે આગવી છટા અને વિશિષ્ટ માહિતી હોય જ્-ભલે એ અડધા કલાકના સંગમાં બે લીટી હોય. પ્રવાસના સ્થળોએ ગાઈડ કરી લેવો એ ફાયદાનો સોદો છે-શૈક્ષણિક રીતે અને માનવીય અભિગમની રીતે પણ.

બાળકો આપણે સમજીએ છીએ તેથી વધુ સમજતા હોય છે. પ્રવાસ આયોજન કેવી રીતે થયું, તેની વિધિ શુ હોય છે, શુ અડચણો આવી અને એ કેમ કરી પાર પાડી, જે બાળકો નથી આવી શક્યા એમને માટે શિક્ષકો શુ લાગણી અનુભવે છે -આ બધા પ્રશ્નો બાળકોને થાય છે અને એના જવાબ તેઓ જંખે છે. આ જવાબો એમના ઘડતર માટે ઉપયોગી પણ છે. માટે, પ્રવાસ પછી શિક્ષકે પણ 'અમારો પ્રવાસ' નિબંધ લખ્યો. વાંચો આ લિંક પર-અમારો શૈક્ષણિક પ્રવાસ

No comments:

Post a Comment