Sunday, March 18, 2012

પુનરાવર્તનનો રસ


શિક્ષક માટે એ  રસપ્રદ પડકાર છે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં સંડોવવા કઈ રીતે. શૈક્ષણિક પ્રક્રિયાઓ એટલેકે વિધાર્થીઓ પ્રશ્નો પૂછે અને જવાબો શોધવાના વિકલ્પો જાતે શોધે, ચર્ચામાં તાર્કિક રીતે જોડાય અને કોઈ તારણ લાગી પહોંચે, શિક્ષણતંત્રના ભાગ રૂપી યાંત્રિક પ્રક્રિયાઓમાં પણ જોડાય અને સફળતા પ્રાપ્ત કરે અને આવા બીજા કાર્યો.

ઇતિહાસના એકમોના પુનરાવર્તન માટે અમે જુથકાર્ય આદર્યું. દરેક જુથ માટે એક એકમ. ૧૫ મીનીટમાં ૫ નવા પ્રશ્નો બનાવવાના. જુથનેતાએ નહિ પણ જૂથના સભ્યો એ પ્રશ્નો વર્ગ સમક્ષ રજૂ કરવાના, જવાબ સહીત. દરેક પ્રશ્ન માટે એક ગુણ. તમામ રજુઆતો થઇ જાય પછી શિક્ષક એમાંથી જ્ કેટલાક પ્રશ્નો પૂછે અને ચકાસે કે કેટલા જવાબો યાદ રહ્યા.

આ પ્રવૃત્તિ પાછળ વિચાર એ હતો કે પુનરાવર્તનની યાંત્રિક પ્રક્રિયાને રસપ્રદ કઈ રીતે બનાવવી અને વર્ગના તમામ વિધાર્થીઓ, ખાસ કરીને ધીમા વિધાર્થીઓ તેમાં સક્રિયતાથી જોડાય તેવું શું કરવું.

પ્રશ્ન બનાવવો એ જવાબ આપવા કરતાં અઘરી પ્રક્રિયા છે. પ્રશ્ન બનાવનારને જવાબ ઉપરાંત પ્રશ્નનું ભાષાકીય માળખું પણ ધ્યાને રાખવું પડે અને આખો એકમ, લીટીએ લીટી ધ્યાનથી વાંચવી પડે. આ કામ મોટેભાગે જુથ નેતાએ કર્યું. વળી, જુથસભ્યોએ રજૂઆત કરવાની હતી,તેમના જૂથના ગુણ તેમની રજૂઆત પર આધારિત હતાતેથી તેઓ જવાબદારી અનુભવવા લાગ્યા અને પ્રવૃત્તિમાં સક્રિયતાથી જોડાયા. જુથ નેતા પણ જવાબદારી પૂર્વક સભ્યોને તૈયારી કરાવવા લાગ્યા. આમ વર્ગના દરેક વિધાર્થીને તેની આવડત મુજબનું કામ મળ્યું. આ પ્રવૃત્તિમાં પડકાર એ જ્ પ્રેરણા બન્યો.ગુણાંકન તો એક જાતના પ્રોત્સાહન રૂપે જ્ હતું.

પહેલાં દિવસે આમ કર્યા પછી બીજે દિવસે પ્રવૃત્તિમાં થોડો ફેરફાર કર્યો, કહોને કે પડકાર ઉમેર્યો. હવે બધાં જૂથોએ એવાં જ્ પ્રશ્નો બનાવવાના જેમાં 'કોણ' આવતું હોય. શરૂઆતમા વિધાર્થીઓ સ્થળ,ઘટનાઓ અને સમય સંબંધે પણ 'કોણ'વાળા પ્રશ્નો બનાવી આવ્યાં. પછી એ પ્રશ્ન સ્વરૂપની જાહેરમાં અને વ્યક્તિગત ચર્ચા કરી. એમ લાગ્યું કે પ્રશ્ન સ્વરૂપની આ તબક્કે જે સમાજ ઊભી થઇ તે પ્રમાણમાં વધુ સ્થાયી રહેશે. વળી, એક જુથે પ્રશ્-જવાબો મોઢે રજૂ કર્યા. આવી દરેક રજુઆતને અડધો ગુણ વધુ આપવો એમ ઠેરવ્યું. તેને લીધે તે પછીને દિવસે બધાં જ્  જુથ, એટલેકે વર્ગના તમામ વિદ્યાર્થીઓ પ્રશ્ન-જવાબની મોઢે રજૂઆત કરવા પ્રયત્નશીલ થયા અને મોટાભાગના એમાં સફળ પણ થયા.

પ્રશ્નના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કેળવાયા પછી એમ નક્કી કર્યું કે ભૂલવાળા પ્રશ્ન માટે અડધો ગુણ કાપવો. એ રીતે કેટલાકના ગુણ કપાયા પણ ખરા. પારુલનું જુથમા આજે  વધુ પડતાં ધીમા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી ગયેલું. એ સંજોગોમાં પણ એ જુથે પોતાની રજૂઆત તો કરી જ્. વર્ગના અન્ય વિધાર્થીઓએ પ્રસ્તાવ કર્યો કે પારુલના જૂથના કોઈ ગુણ કાપવા નહિ. ગુણ તો ના જ્ કાપ્યા, જૂથને તાળીઓ અને એક વિશેષ ગુણ આપીને વધાવવામાં આવ્યું.

અહીં પડકાર હતો, સ્પર્ધા નહિ. કેમકે નાના જૂથમાં ભલે કામ કરીએ, આપણે એક સમૂહના જ્ સભ્યો છીએ એ સમજ વર્ગની ચેતનાનો હિસ્સો બની ગયેલ છે.

No comments:

Post a Comment