Saturday, February 4, 2012

મોંજ- ૧


બધા વિદ્યાર્થીઓને  તો શૈક્ષણિક પ્રવાસમાં જોડી શકાતા નથી. એ વસવસો શિક્ષકોને કોતર્યા કરે. આ વખતે વિચાર આવ્યો-કેમ આ કોતરણ માંથી નવીન શિલ્પ ન ઘડવું! જાહેરાત કરી કે આપણે ગામના કે ગામની નજીકના  કોઈક એવા સ્થળે નાનકડી પદયાત્રા કરીશું.એમાં તો કોઈ આર્થિક બંધન નડે નહિ ને !
પ્રવાસ પછીના બીજે દિવસેથી કાજલની ઉઘરાણી શરુ. દિવસમાં એક વાર, મોટે ભાગે તો શાળા પ્રવેશ કરતાં જ્ એ પૂછે- આપણે પેલુ ફરવા જવાનું એ ક્યારે? ક્યાં ?  જો જવાબમાં નિર્ધાર ના દેખાય તો હુકમનું પત્તું ઉગામે,- તમારે અમને લઇ જ્ જવા નથી. અમારી આગળ જુઠ્ઠું બોલી પતાવો છો ! એટલે એને જવાબ દેવામાં પણ ચોક્કસ રહેવું પડે, " આચાર્યબેન ને વાત કરવી પડે, આપણું શૈક્ષણિક કાર્ય બગડે નહિ તે જોવું પડે, વિચારવું પડે, એમ થોડું નીકળી પડાય છે ?!" જો કે આ દલીલોના પણ વિધાર્થીઓ પાસે રચનાત્મક જવાબો હોય છે. આચાર્યબેનને વાત કરી? એનું ઉઘરાણું. મોટાબેન ફ્રી છે, વાત કરી લો, એવી સમયસુચકતા. ચાલો, વર્ગમાં જ્ ચર્ચા કરી આયોજન કરી લઈએ, એવા ઉપાયો.

આવી મીઠી દડમજલ ચાલતી હતી અને પ્રજાસત્તાક દિન આવી પહોચ્યો. એ દિવસે ધ્વજવંદન કાર્યક્રમ પછી પેલી પદયાત્રાએ જઈ શકાય કે? કાજલએ ઉઘરાણી + સુચન + જિદ્દ +હુકમ આદર્યો અને બીજી કેટલીક વિધાર્થીનીઓ એની સાથે જોડાઈ. શિક્ષકને લાગ્યું કે આ સુઝાવ નક્કામો તો નથી જ. "ચાલો ત્યારે !"  એમ ઠેરવ્યું.
ધ્વજવંદન સુધી માંડ ધિરજ રહી. ક્યાં જવું ? એક્સપ્રેસ હાઈવે નજીક પડે. ત્યાં ભૂગોળનું કેટલુંક કામ કરી શકાય એટલે શિક્ષકને તેની લાલચ. પણ એટલા ટૂંકાણમાં પતાવી નાખવા વિદ્યાર્થીઓ તૈયાર ન હતાં. વળી, તે રસ્તાનો કેટલોક ભાગ ગંદો છે. એમ એના પર ચોકડી વાગી. આંખની હોસ્પિટલ. ત્યાં બગીચામાં રમવાની મજા આવે, પાણીની સગવડ. પણ, ત્યાં તો ગમે ત્યારે જઈ શકાય અને આમ પણ બધાં ગૌરી વ્રત વખતે અને અવારનવાર ત્યાં જતાં જ્ હોય છે. નિશાનું ઘર. ગામની બહાર ખેતરો વચ્ચે આવેલું રમણિય સ્થળ. વળી તેના પરિવારજનો અમારા ઉબાડું આક્રમણને પ્રેમથી ઝીલે એવાં માયાળું. પણ શિક્ષકના વાહનને ક્યાં મુકવું? ગ્રામ પંચાયતમાં મુકાય. તો પછી શિક્ષકની પદયાત્રા લાંબી થઇ જાય. ખુબ બહસને અંતે એક્સપ્રેસ હાઈવેની બીજી તરફ આવેલા હર્ષિતાને ઘરે જવું એમ ઠેરવ્યું. હર્ષિતા તો આજે આવી નહોતી! વાંધો નહિ. આપણે તો ફક્ત અલગારી રખડપટ્ટી કરવી છે ને ! પાણી તો રસ્તામાં આવતા કોઈ પણ ઘરેથી મળી રહેશે!

હવે નવી સમસ્યા ઊભી થઇ. ઘરે કહ્યા વગર જઈએ અને મોડું થાય તો માતા-પિતા ચિંતા કરે, અને ધીબી ય નાખે. નજીકના વિધાર્થીઓ દોડાદોડ ઘરે કહી આવ્યા. કેટલાક વિધાર્થીઓએ કહ્યું કે અમુક કલાક સુધી તો એમના વાલી ચિંતા નહિ કરે. અને, આમ પણ દરેક વાલી પાસે શિક્ષકનો મોબાઈલ નંબર તો હતો જ્. જે વાલીને ચિંતા થશે એ ફોન કરશે. જે વિદ્યાર્થીઓના વાલી વધુ કડક હતાં એમને શિક્ષકે ફોન કરી દીધો.

શિક્ષકનું વાહન ગ્રામપંચાયતના આંગણાને હવાલે કરી અમારી રખડું ટોળી ઉપડી.

No comments:

Post a Comment