Saturday, February 4, 2012

મોંજ -૨


શિક્ષકના મનમાં શૈક્ષણિક લાલચોના બુદબુદ ઉછળવા લાગ્યા. પણ, ટોળીની ખેંચતાણ વિચારવાની ક્ષણિક તક આપે તો ને ! એટલે શિક્ષકે પોતાની જવાબદારીની પછેડી વિધાર્થીઓને શિરે ઓઢાડી, " આજે આપણે જે કઈ રમીએ-ફરીએ-વાત કરીએ એ કયા વિષયમાં કામ લાગે એમ છે અને કઈ રીતે એ તમારે કહેવાનું અને શક્ય બને તો લખવાનું."
ગામના લોકોનું ધ્યાન ખેંચતી અમારી ટોળી હેતલના ઘર પાસે પહોંચી. તેના પરિવારના સભ્યો ટોળીને મળવા આવ્યા. હેતલે તકનો લાભ લઇ દાદા પાસેથી આ રખડપટ્ટીની મંજૂરી લઇ લીધી. હેતલના ઘરે એક કૂતરો અને મોરનું બચ્ચું પાળેલાં છે. તેમની સાથે ગેલ કરી. આગળ તેજલ મળી. તે આજે શાળાએ આવી નહોતી પણ ત્યાંથી ટોળીમાં ભળી ગઈ. આગળથી ધોરણ-૬ ની કિંજલ પણ જોડાઈ. હેતલ (૨) શાળાએ તો આવી હતી અને એણે ટોળીના પરાક્રમોમાં જોડાવું હતું પણ એને લગ્નપ્રસંગે બહારગામ જવાનું હતું !

આજે જિગીષા ગાઈડની ભૂમિકામાં હતી. તે શિક્ષકને માહિતી આપતી હતી : આ વડ ૧૦૦ વર્ષથી પણ જુનો છે. આ રોડ નવો બન્યો,ગઈ સાલ જ્.... વળી, તેને ખબર હતી કે આ રસ્તે તેના પપ્પા મળશે. પપ્પાને જોઈ આનંદથી શિક્ષકના હાથ પર લટકી ! ત્યાં કલકલિયો નજરે પડ્યો. એ તો એની આદત મુજબ નિરાંતે બેઠો રહી અમને દર્શન સુખ આપતો રહ્યો. તેજલએ કહ્યું કે આવું જ્ બીજું એક પક્ષી હોય છે, એ બે પક્ષીમાં ભૂલ પડી જાય.

બીજા કેટલાંક વિધાર્થીઓના ઘર આવ્યાં. પરિવાર ઓછો ઓછો થઇ પાણી લઇ આવ્યો, ખુરશીઓ પાથરી દીધી. પણ, અમારી ટોળીને સમય ક્યાં હતો મેમાનગતિ માણવાનો ! આંગણાનું લીંપણ, ભૂરી વાછરડી, કૂવો, દાદીનો ડહાપણભર્યો ચહેરો એ બધું અંતરમાં લીંપીને આગળ વધ્યા.

દસ ફૂટને અંતરે એક્સપ્રેસ વે નીચેથી પસાર થતું ગરનાળું  હતું. એમાં બુમ પાડી ને દોડવું કે ઉભા રહી ઉપરથી પસાર થતા વાહનોના અવાજ સાંભળવા? રખડુંટોળીને શાંત રહેવું મંજુર ન હતું. એટલે સર્વાનુમતે પહેલાં વિકલ્પ પર પસંદગી ઉતરી. ત્રિસેક ફૂટ લાંબા ગરનાળા તરફ બધાંએ ઊંચા સૂરે હડી કાઢી.

બીજી તરફ કેસરી-ગુલાબી-કરકરી-છુટ્ટી માટી અને પાણીનો એક વહોળો હતો. વહોળામાં અમારી ટોળીએ માનસિક તરસ છીપાવવા પાણી પીધું. અસ્મીન અને સાનિયા માટે નવું વિશ્વ ઉઘાડી રહ્યું હતું. અમારા ઊંચા સુર હર્ષિતાના ઘરમાં પડઘાયા. એના પરિવારને આજે મોસાળું લઇ જવાનું હતું એટલે તેઓ અમારા આક્રમણથી દ્વિધામાં પડ્યા અને પ્રશ્નો પૂછી હર્ષિતાને પરેશાન કરી.(આ તો હર્ષિતાએ પાછળથી અમને કહ્યું.)
હર્ષિતા પાણી લઇ આવી અને કહે, ગરમ છે. શિક્ષકને નવાઈ લાગી, આટલી ઝડપથી પીવાનું પાણી ગરમ કરીને લાવી? મોટર ચાલુ કરી કુવામાંથી કાઢી લીધું, શિયાળો છે ને ! હર્ષિતા અને તેની મમ્મીના મુખ પરની રેખો વાંચી શિક્ષકે કહ્યું કે અમે તો એમ જ્ આવ્યાં છીએ અને થોડી વાર આજુબાજુ ફરીને જતાં રહેશું.

ખેતરોની વચ્ચે આવેલાં મકાનો અને એક તરફ એક્સપ્રેસ વે પર ઝડપથી પસાર થઇ રહેલા જાત જાતના વાહનો.અમારી આંખો ઉજાણી કરતી હતી. ત્યાં કેટલાક તારોડિયા જોયાં.આ પક્ષીના કદ અને રંગછટાએ સૌના મન જીતી લીધાં.

કેટલીક છોકરીઓને ખબર હતી કે નજીકમાં તળાવ છે અને ચોખ્ખું છે. 'ચાલો  ત્યારે.' એટલી જ્ વાર! શિક્ષકે હર્ષિતાના દાદાને સમય હોય તો અમારી સાથે જોડાઈ વાતો કરવા કહ્યું. દાદાતો ભળી ગયા ટોળીમાં અને જ્ઞાન પ્રદાન આરંભ્યું., " આ મકાનોને farm house કહેવાય." છોકરીઓ દાદાને અંગ્રેજી બોલતા જોઈ આનંદોલ્લાસમાં ઉછળી પડી. દાદાએ જણાવ્યું કે પોતે old SSC પાસ છે. પછી તો અંગ્રેજી શિક્ષણ શરુ થઇ ગયું, ચાલતાં ચાલતો.

એક ઘટાદાર કેડી પસાર કરી પહોંચ્યા તળાવે.

 તળાવના સુર્યમઢ્યા ચમકીલા પાણીને હિલોળે સૌ ચડ્યા. પાણીમાં પથ્થર નાખી એના વલયો જોયાં. બોરડી મળી આવી પછી તો પૂછાવી જ શુ ! તળાવમાં કેટલીક ડૂબક બતકો હતી એમની રમત જોવાની મજા માણી. દાદા પાસેથી ગામની વાતો સાંભળી. દાદાને 'તમે કહો છો દાદાજી' ગીત સંભળાવ્યું. પકડદાવ રમ્યા. તળાવમાં પડતા પ્રતિબિંબોના ચિત્રો અંતરમાં ઉમેર્યા. ચોક્કસ રીતે સુઈ જઈને સુર્ય બનાવ્યો. મરેલી માછલીના દાંત ગણ્યા. વ્રુક્ષની ટોચે પાંખ સુકવતા કાજીયા જોયા. ફોટા પાડવા માટે ઝગડા-ત્રાગાં કર્યા.

આ દરમ્યાન કીર્તિ એક ખૂણે ચુપ ચાપ નિજાનંદમાં બેસી રહી.

લગભગ દોઢેક કલાક પસાર થઇ ગયો હતો.તાપ ચઢવા લાગ્યો હતો. વારાફરતી બધાને યાદ આવ્યું કે પોતે સવારે કઈ પેટપૂજા વગર આવ્યાં છે  અને વધુ મોડું થશે તો જમવામાં મેથીપાક મળશે!  એટલે ટોળી ગામ-શાળા તરફ પાછી ફરી.

અંતરમાં ઉમેરાયેલા ડહાપણને ડખોળવાનું શિક્ષકને મન ના થયું એટલે કયા વિષયમાં શું શીખ્યા એ પુછવાનું ટાળ્યું.

5 comments:

  1. પ્રવાસના પ્રસ્તાવ પછી વિદ્યાર્થીનીઓની ઉઘરાણી અને આયોજનથી માંડીને પ્રવાસ પૂરો કયો ત્યાં સુધીનું વર્ણન એટલું સરસ છે કે મને લાગ્યું કે હું પણ આ પ્રવાસમાં તમારી સાથેજ હતો! ફોટાઓએ ચાર ચાંદ લગાવી દીધા..એક મીઠ્ઠી ફરિયાદ છે, કાં તો તમે આળસુ છે લખવામાં અથવા કંજૂસ છો, તમારી પાસે જીવનલક્ષી અને ઉપયોગી અનુભવોનો ખજાનો છે પણ તમ વહેંચવામાં કંજૂસાઈ કરો છો...

    ReplyDelete
  2. હાશ ! મને આ વાંચી, એ બેન પોસ્ટ વાંચ્યા કરતા કોમેન્ટ વાંચી આનંદ થયો !

    ReplyDelete
  3. ઉમેરણ : સાનિયાએ કહ્યું હતું કે, લો ! કેટલી મઝા આવે છે.અને એ પણ કોઈ પૈસાના ખર્ચ વગર. તેજલ ઘણા પક્ષીઓને ઓળખાતી હતી, તેમની ખાસિયતો સહીત.

    ReplyDelete