Friday, February 17, 2012

ચાંદી જ ચાંદી



આજે ડરતાં ડરતાં 'બે ફૂલ ચઢાવે...ઈશ્વર પડ્યો નથી રસ્તામાં' ગીત વર્ગમાં કરાવવું શરુ કર્યું. ડરતાં ડરતાં એટલા માટે કે ગીત ગંભીર પ્રકારનું-શબ્દો અને સુર પણ. આવું બોઝિલ ગીત જીવનથી છલકાતાં બાળકોને કરાવવું યોગ્ય કે નહિ! ઈરાદો સુરની રમત-કાન સરવા કરવાની ટેવ વિકસાવવાનો. છુપી લાલચ એ કે આ ગીતના શબ્દો એટલા સરળ છે કે અર્થગ્રહણ આપોઆપ થાય. એમ વિચારીને શરૂઆત કરી કે વિધાર્થીઓને ગમશે તો જ્ આગળ વધીશું નહિ તો પડતું મુકીશું.

હીટ ગયો આ પ્રયોગ તો.

ખુબ ગમ્યું બધાને. ત્રણેક વાર ગાયું એટલામાં તો મોઢે પણ થઇ ગયું. સુરની બારીકીઓ પારખી,પકડી અને પ્રેમથી ગળે લગાડી. સાથળ પર થાપ આવતી વિદ્યાર્થીનીઓ જોઈને થયું કે મને તો ઈશ્વર સસ્તામાં મળી ગયા.

માસ્તરે પૂછ્યું : શું ગમ્યું આ ગીતમાં?
જવાબો :રસ્તામાં-સસ્તામાં.  ઋષિઓ જાપ જપતા રહી ગયાને શબરીના બોર અમર થઇ ગયા.આખું ગીત જ્ ગમ્યું.કેટલું સરસ છે!

ગવડાવતી વખતે નેન્સીએ પૂછ્યું,'આ અમારું ગીત છે?' શિક્ષક કઈ કહે તે પહેલાં સાનિયા એ પતાવ્યું,'બધાનું છે. ચાલો બેન, આગળ ગવડાવો.'  મક્કા શબ્દ ગવાય એટલી વાર અસ્મીનની આંખ ચમકે. શિક્ષકે અર્થગ્રહણ કરાવવાની લાલચ માંડ માંડ રોકી રાખી છે. 'નહિ મળે એ સોના-ચાંદી..' એમ શિક્ષકે ઉપાડ્યું તો તરત ટોક્યા- ચાંદી શબ્દ પહેલાં આવે. ચાંદી-સોનામાં એમ.

એમ.

સાંભળો ત્યારે : ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. ગાયક-જનાર્દન રાવળ. શબ્દ&સંગીત-અવિનાશ વ્યાસ

No comments:

Post a Comment