Friday, February 17, 2012

સુર સંગમ


સંગીતની નવી નવી કેડીઓમાં જાત્રા કરાવવાના ઉદ્દેશથી જ્ ગુજરાતી સુગમ સંગીતના ભાગ રૂપી ગીતો  શાળામાં ગવડાવવા શરુ કરવામાં આવ્યાં હતાં. મોટે ભાગે આ શિક્ષણ વર્ગ-પ્રાર્થના સંમેલનમાં થાય. એટેલે કે, સમુહમાં. એવામાં કુદરતે કોને કોકિલ કંઠ આપ્યો છે એ પકડવું છુટી જતુ હોય છે. (આ પ્રયત્ન વિશે જોડેની લિંક પર ક્લિક કરો:ગુર્જરી સંગીત

એન.એસ .પટેલ કોલેજના MSW/BSW/MHRM ના વિદ્યાર્થીઓ અમારી શાળામાં નિયમિત આવે છે ,છેલ્લા ત્રણેક વર્ષથી. શાળા પરિવાર સાથે ચર્ચા કરી કયા પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય તેની વિચારણા કરી જુદી જુદી પ્રવૃત્તિઓ તે વિદ્યાર્થીઓ કરાવતા હોય છે. આ એક સુખદ ફેરફાર છે-મહિને એક કે બે તાસ કોઈક જુદી જ્ પ્રવૃત્તિ, જુદા જ્ વ્યક્તિઓ કરાવવા આવે.

હિમાની દેસાઈ 
આ વખતે આવેલા MHRMના  વિદ્યાર્થીઓના જુથ એ રજૂઆત કરી કે તેઓ 'સુર સંગમ' પ્રવૃત્તિ કરાવવા માંગે છે. અમારા સામુહિક સંગીત શિક્ષણને  તેમણે વ્યક્તિગત બનાવવાની આ સારી તક હતી. એટલે આ તક અમે ઝડપી લીધી. ધોરણ ૫થી ૭ના તમામ વર્ગોમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઓડીસન કર્યું. આ અનુભવ તેમને માટે સુખદ આશ્ચર્ય હતો. કેમકે અગાઉના અનુભવો પરથી તેમણે કવિતાઓ, ફિલ્મી ગીતો કે ભજનોની અપેક્ષા રાખી હતી. અહીં તો સુગમ સંગીતના ક્લાસિક ગીતો ઓડીસનમાં ગવાતાં હતાં. વળી, હિમાની દેસાઈ, જે ખુદ સારી ગાયક  છે, તેણે ગીતના સૂરને ઊંચો કે નીચો લેવાનું માર્ગદર્શન આપ્યું તો એ પણ એટલી જ્ સરળતાથી વિદ્યાર્થીઓએ ઝીલ્યુ. દરેક વર્ગમાંથી દસ વિદ્યાર્થીઓ અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યાં.

દિવ્યા અને ડૉ.પ્રતિક્ષા પટેલ 
સ્પર્ધા એ પહેલી ફેબ્રુઆરીએ  હતી. સ્પર્ધકોમાં અનેરો ઉત્સાહ હતો. રોજ શિક્ષક આગળ પ્રેક્ટિસ કરી જાય. મોબાઈલ પર ધ્યાનથી ગીત સાંભળે અને સુરની બારીકી અંગે શિક્ષકને પૂછે. સ્પર્ધાને દિવસે તન્વી આવીને પૂછે,' બેન, ***  ગીત ગાઉ? '  ના, આવા ગીત શાળામાં ના ગવાય. (આઇટમ ગીત હતું.) તન્વીએ પોતાનું ગીત બદલ્યું. સ્પર્ધકો અને શ્રોતા સૌ આતુર હતાં સાંજ ના ૩ કલાક માટે.


સુચિતાબેન 
MHRMના વિદ્યાર્થીઓ હિમાની દેસાઈ,સાગર સોની, અમિત સીંગ અને આકાશ પટેલએ વિદ્યાર્થીઓની મદદથી સ્પર્ધા માટેની વ્યવસ્થા ગોઠવી. નિર્ણાયક તરીકે  એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજના ઉપાચાર્ય  ડૉ.પ્રતિક્ષા પટેલ અને સારા ગાયક એવા ઇકોનોમિક્સ વ્યાખ્યાતા શ્રી સુચિતા સાધુને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

અમારા ૪૦ ગાયકો એ એક પછી એક આવીને અમારી સાંજને સુરભીની કરવા માંડી. નિર્ણાયકો પણ ગીતોના વૈવિધ્યનો આનંદ માણી રહ્યા હતાં. અચાનક એક વિધાર્થીએ *** ગીત શરુ કર્યું. આચાર્ય,શિક્ષકો, આયોજક વિધાર્થીઓ અને નિર્ણાયકો ક્ષણિક આંચકો ખાઈ ગયા. પણ, જે ભોળા ભાવે પેલી વિધાર્થીની 'તે' ગીત રજૂ કરતી હતી,અને શબ્દોના અર્થને સમજ્યા વગર જે ભાવથી શ્રોતા વિધાર્થીઓ ગીત સાંભળી રહ્યા હતાં, વડીલોએ ઈશારામાં નક્કી કરી લીધું કે તેને અટકાવવી નહિ. વળી, ઓટીઝમ ખામી વળી નેન્સીએ  અંગ્રેજી કવિતા મોઢે ગાઈ ત્યારે તો તમામ શ્રોતાઓ સમજી ગયા કે તેનું ઇનામ પાકું. સ્પર્ધકોની આવડતથી આનંદિત થઇ નિર્ણાયકોએ પોતાના તરફથી ૪ પ્રોત્સાહક ઇનામો જાહેર કર્યા.
નેન્સી અને કમળાબેન

નેન્સીનું ઇનામ તો પાક્કું જ્ હતું. ત્રીજું ઇનામ દિવ્યા (ધો-૭)ને 'સાવરિયો' ગીત બદલ, બીજું ઇનામ પારુલ (ધો-૭) ને મીઠાં સૂરે સંસ્કૃત પ્રાર્થના બદલ અને પ્રથમ ઇનામ આરતી (ધો-૬)ને સુરની બારીકીઓ સાથે 'તેરી મેરી' ફિલ્મ ગીત બદલ આપવાની નિર્ણાયકોએ નક્કી કર્યું.

આરતી 
સુચીતાબેનએ દરેક વિજેતાની વિશિષ્ટ આવડત જણાવી અને કયા માપદંડને આધારે તેમણે વિજેતાઓ પસંદ કર્યા હતાં તેની છણાવટ કરી. પ્રતિક્ષાબેનએ ગીતોની પસંદગીને બિરદાવી. આવા સુંદર આયોજન બદલ તેમણે તેમના વિધાર્થીઓને અભિનંદન આપ્યા અને શાળા પરિવારનો આભાર માન્યો. શાળાના આચાર્યશ્રી કમળાબેનએ પોતાની વિધાર્થીઓની આવડત બદલ ગૌરવ વ્યક્ત કર્યું અને આવા કાર્યક્રમની તક ઊભી કરવા બદલ એન.એચ.પટેલ કોલેજનો આભાર માન્યો.

આરતી માટે તો આ સુખદ આંચકો જ્ હતો. પોતે સામાન્ય આવડત ધરાવતી છોકરી છે એવું દ્રઢપણે માનતી આરતી આજે શાળાની પ્રથમ હરોળની ગાયિકા સાબિત થઇ હતી.

સુચીતાબેનના મીઠાં કંઠે ગવાયેલો 'સાવરિયો' અને  તાલીમાર્થીઓએ વહેંચેલ ચોકલેટ મમળાવતાં મમળાવતાં સૌ છુટા પડ્યા.

1 comment: