Saturday, February 11, 2012

વધુ એક મજાનો દિવસ

જામેલા લગ્નગાળાને કારણે વર્ગમાં ૬૦%  જ હાજરી હતી. નવો એકમ શરુ કરવા માટે આમેય શુક્રવાર સારો દહાડો નથી. શનિવારે એકમને આગળ લઇ જવા પુરતો સમય ના મળે અને રવિનું ગાબડું. એટલે અમે પુનરાવર્તન કરવાનું ઠેરવ્યું.
ગણિત ગુજરાતીની જેમ વાંચતા ગયા. નિયમો,સુત્રો ને ગુજરાતીની જેમ સમાનર્થ-વિરુધાર્થ-સંધિ વડે ઉકેલતા ગયા. (દા.ત.: 'રાશ' અને 'રાસ' ) ત્યાં એક વિદ્યાર્થીની નજર ગઈ પૃથ્વીના નકશા પરના પીળા રંગ પર તૂટેલી છતમાંથી પડતા ચાંદરણાં પર. ક્ષણિક એ સૌન્દર્ય સૃષ્ટિને  સૌ દિગ્મૂઢ બની માણી રહ્યા. માસ્તરને પોતાની ફરજનું ભાન થયું એટલે પોતે સૌ પહેલાં સૌન્દર્યમૂઢતા ખંખેરી એ સુંદરતામાં શું વિજ્ઞાન અને ભૂગોળ છે એમ ચર્ચા આદરી. પ્રશ્નો ઉઠાવ્યા પણ જવાબની ઈચ્છા સામે પક્ષે નબળી હતી. એટલે અમે પાછા ફર્યા ગણિત પર. ગણિત થોડું આગળ ગયું ત્યાં એક ચકોર આંખ એ જોયું કે પેલા ચાંદરણાંએ તો જગ્યા બદલી છે ! આ કેમ થયું ? હવે પ્રશ્નો સામેથી આવ્યાં. એટલે એના ભૌગોલિક કારણો માટે મથામણ જામી. સુર્ય કઈ દિશામાં ગયો હશે? પડછાયો કેમ પડે? પડછાયાની લંબાઈ અને પ્રકાશના સ્ત્રોતના સ્થાનનો સંબંધ શું? બપોરના ૧:૩૦ થયા છે એમ જોયું એટલે શિક્ષકે હાથના પડછાયા વડે પક્ષી,સસલું બનાવી બતાવ્યા. ધમાલ મચી ગઈ જાત જાતના પડછાયા-આકારો સર્જવાની. 
રીસેસ પછી શિક્ષક બીજા વર્ગમાં તાસ મુજબ ગયા. ત્યાં પણ ગણિતનું ભાષાકીય પુનરાવર્તન. ધોરણ-૭ માં નકશાની રમત સોંપીને. આમતો આ રમત રમવાનું કહેવું પડતું જ્ નથી, તે  એટલી બધી પ્રિય છે કે વર્ગના ફુરસતના ગાળામાં વિધાર્થીઓ તે રમતા જ્ હોય. આ રમત એટલે એક વિદ્યાર્થી કોઈ સ્થળ કહે અને બીજા એ તે શોધવાનું. (આ રમતના શૈક્ષણિક ફલિતાર્થો જબરજસ્ત છે. તેની વિગતવાર માહિતી બીજી પોસ્ટમાં.) 
ચારની  રીસેસ પછી ધોરણ-૭ માં ડાન્સની પ્રેક્ટિસ કરવાની હતી. 
કોઈ એ પ્રેક્ટિસમાં ના જોડાયું. ગીત વગાડી પોતાને ડીસ્ટર્બ કરવા બદલ  વિદ્યાર્થીઓએ  શિક્ષકને ધમકાવી નાખ્યા.
બધાને નકશાની રમતમાંથી ઉઠવું જ ન હતું.
..
આવું ય બને !

1 comment:

  1. kya baat hai!
    you are a teacher On Line too!

    lovely strokes, really, in so many manners.

    ReplyDelete