Friday, December 16, 2011

સફેદ જુઠ

ગઈકાલે ધોરણ ૫ની જિગીષા એના વર્ગશિક્ષક પાસે રજા લેવા ગઈ. કારણમાં એણે કહ્યું કે એના મમ્મી-પપ્પાની લગ્ન એનીવર્સરી ઉજવવાની છે એટલે. નીરુબેને રજા તો આપી, પણ એમને નવાઈ લાગી એનીવર્સરી ઉજવણીની વાતની. આપણે જાણીએ જ છીએ કે જ્યાં લગ્ન સાત સાત જન્મોનું જોડાણ મનાતું હોય ત્યાં કઈ એનીવર્સરીઓ ના ઉજવાય. અને એમાંય જે પરિવેશમાંથી અમારા વિદ્યાર્થીઓ આવે છે ,આ વિચાર જ ના હોય કોઈ ના મનમાં. એટલે આજે જિગીષા આવી ત્યારે નીરુબેને એને વિગતો પૂછી. એણે જણાવ્યું કે તેઓ આખો પરિવાર સ્પેશિઅલ રિક્ષા કરી ફિલ્મ જોવા ગયા હતા. આણંદ લક્ષ્મી ટોકીઝમાં ૩ થી ૬ના શોમાં  'બોડી ગાર્ડ' ફિલ્મ જોઈ , મેંગો જ્યુસ પીધો,ખમણ ખાધા અને પછી ઘેર આવ્યા. પપ્પાએ મમ્મીને સોનાનું મંગલસુત્ર આપ્યું અને મમ્મીએ પપ્પાને ઘડિયાળ આપી.
સોનાનું મંગલસુત્ર અને ૩ થી ૬નો ફિલ્મ શો. સ્પષ્ટ હતું કે આ દીકરી જુઠું બોલી રહી હતી.
કેમ?
એને રજા જોઈતી હતી એતો સ્પષ્ટ કારણ. પણ એનીવર્સરીની વાર્તા ઘડી કાઢવાનું કારણ શું હોઈ શકે?.
કદાચ એણે કોઈ ફિલ્મ કે સિરીઅલમાં આવી વાતો જોઈ-સાંભળી હશે. એના મનમાં આવી ઉજવણીની ઈચ્છાઓ પનપી હશે.વાસ્તવિક જીવનમાં તો એ શક્ય નથી. એણે કલ્પનાઓના રંગ પૂરીને મમ્મી-પપ્પાના પ્રેમનું આ સ્વરૂપ અને ભાઈ-બહેનો સાથે આનંદનો એક કાલ્પનિક વિકલ્પ ઘડી કાઢ્યો હશે.

આ કલ્પનાને જુઠ કેમ કહેવી?
આ સફેદ જુઠની શુભ્રતા કોઈ સત્ય કરતાં ઓછી ખરી?
એ દીકરીને જુઠ્ઠી ગણી એના આનંદને શા માટે પીંખવો !

શું કહો છો?


No comments:

Post a Comment