Wednesday, December 21, 2011

પ્રશ્નો : ઉત્તરિત અને અનુત્તરિત

સરખામણી કરવી અને તફાવત પારખવા એ ખુબ ઉપયોગી શૈક્ષણિક પ્રક્રિયાઓ છે. વિવેચનાત્મક ચિંતનની શરૂઆત આ બે પગથીયેથી થાય. સ્મૃતિના સાધનો તરીકે પણ આ બે પ્રક્રિયા ઉપયોગી. 'તે એકદમ ઐશ્વર્યા જેવી દેખાય; ખાલી રંગે જરાક બિપાશા જેવી અને આંખ રામેશ્વરી જેવી.' - આપણે કોઈ વ્યક્તિને આવી રીતે યાદ રાખતા હોઈએ છીએ અથવા યાદ કરતા-કરાવતા હોઈએ છીએ.
આજે ધોરણ ૬ અને ૭ને  સળગતો પ્રશ્ન હતો -આ ચીજ રેતી છે કે મણકા કે બીજું કઈ?
વર્ગના તમામના હાથમાંથી એ 'ચીજ' પસાર કરાવવામાં આવી. એ એટલી જીણી હતી કે બીજાના હાથમાં એને સોપવા હથેળીમાંથી આંગળી વડે એને ખસેડવી પડતી.
હવે ચર્ચા :
 સ્પર્શ કેવો હતો? 
લીસો.
રેતી કેવી હોય?
કરકરી.
દેખાવ?
રંગ રેતી જેવો ખરો પણ રેતી આવી ચળકે નહિ.

ચલો, બિલોરી કાચ વડે જોઈએ.
કેટલાક દાણામાં તો કાણા પણ દેખાયા.

એટલેકે, આ 'ચીજ' રેતી નથી પણ પ્લાસ્ટિકના મણકા છે.

નીચેના પ્રશ્નો ઉઠ્યા પણ એના જવાબો ટાળ્યા- વિસ્મયને ટકાવી રાખવા.  (અને પાઠ્યક્રમ તરફ આગળ ધપવા.)
આટલા ઝીણા?
કેવી રીતે બનાવ્યાં હશે?
આવા મણકામાં દોરો કેવી રીતે પોરાવાય?

અને અમે એમ પણ શીખ્યા કે ઇન્દ્રિયોનો ઉપયોગ શું.


No comments:

Post a Comment