Tuesday, December 13, 2011

પણ ડેબોરાહ તો...

આ સત્રની શરૂઆતે વર્ગમાં  પુનરાવર્તન ચાલી રહ્યું હતું. ધોરણ ૭માં ઇતિહાસના તમામ એકમોનું વિહંગાવલોકન કરવા અગત્યની ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતીકેન્દ્રી પ્રશ્નોત્તર થયા. વાત કોન્સ્ટેટીનોપલ પર આવી અને તેના સ્થાનિક મહત્વ સમજવા નકશો ખોલી અમે ચર્ચા કરી. આ દરમ્યાન , શિક્ષક ક્યારેક બ્રિટન,ક્યારેક ઇંગ્લેન્ડ તો ક્યારેક યુ.કે એમ બોલતા રહ્યા જેથી એ એક જ દેશના નામ છે એમ દ્રઢ થાય. અચાનક ક્રિષ્નાએ પૂછ્યું, ' બેન, અંગેજો એટલે જ બ્રિટીશ?' 'હા.'  'તો ડેબોરાહ અંગ્રેજ છે?' 'હા.' 'પણ, એ તો સારી છે?' 
ઇતિહાસશિક્ષક આ તક જવા દે? કેમકે , આવા પ્રશ્નો અને એના જવાબો પામવાની મથામણ જ તો શિક્ષણ છે.
અમે નવેસરથી પાઠ્યપુસ્તકમાં આવતી મુખ્ય ઘટનાઓ નોંધી. યાદી બનાવી કે આ ઘટનામાં અંગ્રેજોની ભૂમિકા 'સારી' કહેવાય કે 'ખરાબ' અને કેમ એ સારું કહેવાય અને કેમ ખરાબ. એ પરથી સારું અને ખરાબ કોને કહેવું એ ચર્ચા કરી. તે પછીના તાસમાં ક્રાંતિવીરોનો એકમ લીધો. દરેક જૂથ એક ક્રાંતિકારીની વિગત વાંચે અને એને કરેલ કામ સારું કહેવાય કે ખરાબ એની વર્ગમાં રજૂઆત કરે. કેટલાકને લાગ્યું કે આવા તોફાનો બિનજરૂરી હતા તો કેટલાકના મત મુજબ તો આથી પણ વધારે તોડફોડ અને હિંસાત્મક પગલાં લેવા જોઈતાં હતા. એ ક્રાંતિકારીઓના પગલા અને અત્યારે તોડફોડ કરતાં દેખાવ્કારોમાં શું તફાવત, અત્યારના દેખાવકારોની તોડફોડ વાજબી ગણવી કે નહિ એમ ચર્ચા કરી. એક સુરે સૌ સહમત થયા કે અત્યારે તો આવી તોડફોડ કોઈ રીતે વાજબી ના ગણાય. તો કોઈ પગલું કેટલું વાજબી છે એ નક્કી કરવામાં એ ક્યારે અને કેમ થયું એ સંદર્ભો જરૂરી ખરા કે કેમ એમ ચર્ચા થઇ.
સહાયકારી યોજનામાં તે સમયના રાજાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી. કોઈ પોતાના સ્વાર્થ માટે આપણને  છેતરી રહ્યું છે એમ ના સમજે તેને સારો રાજા ગણવો કે નબળો? સારા રાજાના લક્ષણો કયા? આ પ્રશ્નો ચર્ચાયા અને ઉત્તરો પાટિયે  નોંધાયા.
આપણી શાળાની એક સારી વ્યક્તિ અને એક તમને ના ગમતી વ્યક્તિનું નામ તમારી નોટમાં લખો, કોઈને બતાવવું નહિ. જે વ્યક્તિ નબળી લાગી તેના સારા લક્ષણો કહો. શું લાગે છે? દરેક જગ્યાએ સારા-નબળા માણસો હોય. દરેક માણસમાં કઈક સારું તો કઈક નબળાઈ હોય. થોડાક માણસોને લીધે કન્યાશાળા કે ચિખોદ્રા ખરાબ છે એમ કહેવાય?
'ડેબોરાહ સારી છે.' આ વિધાનમાંથી 'પણ' અને 'તો' નીકળી ગયેલા જોવાનું ગમ્યું, ઇતિહાસ શિક્ષકને .

No comments:

Post a Comment