Tuesday, December 13, 2011

એ રમતો હજી જીવે છે.

સંસ્કૃતિક અને સમાજિક પરિવેશ જે ઝડપે બદલાઇ રહ્યા છે, જુનું કઈક બચેલું જોવા મળે તો આપણી જૂની જાતને 'હાશ, બચી ગયા !' એવો આનંદ થાય. બાળકોની રમતોમાં હવે જાતભાતના પ્લાસ્ટીકના રમકડાં ઉમેરાઈ ગયા છે. સાધન સંપન્ન પરિવારોના બાળકો પાસે મીકેનીકલ અને ટેકનીકલ રમકડાં આવી ગયાં છે. સાધન વગરની રમતોમાં મારામારીનું પ્રમાણ વધી ગયેલું જણાય છે. અને રમતનો વારો તો ત્યારે આવે ને કે બાળક શાળા-ટ્યુશન અને ટી.વી.માંથી નવરું પડે ! જો કે, સરકારી પ્રાથમિક શાળાઓમાં રીસેસમાં બાળકોને સાધનો વગર રમતાં જોવા અનેરો લહાવો છે.
ગત ૩૦મી એ , આખર તારીખે, કેટલાક વિદ્યાર્થીઓને સૂચવ્યું કે શાળામાં રહીને રમવું હોય તો રોકવ. આંગળીને વેઢે ગણાય એટલી કન્યાઓ રોકાઈ. અમે વહીવટી કામ કરી રહ્યા હતા. થોડા સમય પછી વિચાર આવ્યો કે જોઈએ તો ખરા, છોકરીઓ શું રમે છે? જોયું તો ઘરગત્તા રમાઈ રહ્યું હતું. મેદાનના જુદે જુદે ખૂણે ત્રણ ઘર બનેલાં. એક વાત તો ગમી જ ગઈ કે છોકરીઓ ઘરગત્તા રમે છે. પણ, જે દીલ ને બાગ બાગ કરી ગયું એ આ રમતના સાધનો. નળિયાના ટુકડા, અરીસાના કાચ, બાટલીના કાચ, જાતભાતના ઢાંકણ, પાંદડા ભગવાનની છબી. આ બધું એમણે રસ્તામાંથી શોધી કાઢેલું. આ 'કચરા'ને એમણે ઘરના અમુક-તમુક સાધન તરીકે જોયું હતું, એ કલ્પનાઓ સુંદર હતી. અમે પણ એ ઘરોમાં મહેમાન થઇ ચા પીવા જવાનું ઠેરવ્યું. હવે એવડી મોટી તપેલી ક્યાંથી લાવવી? એક કન્યા કહે, 'હું બઝારમાં આંટો મારી આવું. કઈક તો એવું મળી જ જશે જેણે મોટી તપેલી કહી શકાય.'
એ ચા અત્યંત સ્વાદિષ્ટ હતી !
 માનવ મન ઉત્ક્રાંત થતું ગયું એમ એણે પોતાના પરિવેશની ચીજોનું,પોતાની ઊર્મિઓનું નામકરણ કરવું શરુ કર્યું. એ જૂની ચિત્તવૃત્તિના  બીજ આમ જનીનોમાં સચવાયેલા જોવા અને સાથે સાથે નવા નામકરણની સર્જનાત્મકતા,કલ્પનાશીલતા જોવી...શિક્ષકને તો મજ્જો મજ્જો જ થઇ જાય કે !

No comments:

Post a Comment